બાળકોને નિર્ણય લેવાની સાથે નિર્ણયનાં પરિણામો માટે તૈયાર રહેવા પણ શીખવો…

બાળકોને ફક્ત નિર્ણય લેવાનું નહીં, નિર્ણયનાં પરિણામો

ભોગવવા માટે તૈયાર રહેવાનું પણ શીખવવું જોઈએ

”અમારું બાળક જે ક્ષેત્ર પસંદ કરશે તેમાં સારામાં સારું શિક્ષણ આપવાનો અમારો વિચાર છે.” પરાગ અને નેહા મારી સાથેની વાતચીતમાં કહી રહ્યાં હતાં. તેમનો પરિવાર ખાધેપીધે સુખી હતો. પરાગ ટેલીકોમ ક્ષેત્રમાં ઉંચા હોદ્દા પર હતો અને નેહા પ્રવાસન ઉદ્યોગમાં મૅનેજર તરીકે કામ કરતી હતી. તેમના દીકરા પ્રજ્ઞેશની ઈચ્છા બૅડમિન્ટનમાં કારકિર્દી ઘડવાની હોવાથી તેમણે તેને બેંગલોરની બૅડમિન્ટન ઍકેડેમીમાં પ્રવેશ અપાવ્યો હતો. તેને ભાડે ઘર પણ અપાવી દીધું હતું, જેમાં તેના માટે નોકર અને રસોઈયાની વ્યવસ્થા હતી. નેહાનાં મમ્મી પ્રજ્ઞેશની દેખરેખ રાખવા માટે બેંગલોર રહેવા જશે એવું નક્કી થયું હતું. તેમને પુણેથી બેંગલોર લઈ જવા માટે કાર મોકલવામાં આવી હતી. પરાગ અને નેહા પણ વચ્ચે-વચ્ચે બેંગલોર જઈ આવતાં. પ્રજ્ઞેશની તાલીમથી લઈને બીજો બધો ખર્ચ વર્ષેદહાડે 22 લાખ રૂપિયા થવાનો અંદાજ હતો. પ્રજ્ઞેશે બે વર્ષની તાલીમ બાદ પુણે પાછા આવવાનો વિચાર કર્યો, કારણ કે તેને બૅડમિન્ટનમાં રસ રહ્યો ન હતો.

મિત્તલ અને રૂપા ઇન્દોરનાં વતની હતાં. તેમની દીકરી રુમિ વકીલ બનવા માગતી હતી. તેને બેંગલોરની પ્રતિષ્ઠિત લૉ કોલેજમાં પ્રવેશ લેવાની ઈચ્છા હતી. મિત્તલ અને રૂપાએ તેના નિર્ણયને માન્ય રાખ્યો. રુમિ બેંગલોરમાં ભણીને ઇન્ટર્નશિપ માટે મુંબઈ ગઈ. તેમનો પરિવાર ગર્ભશ્રીમંત હતો. તેમની પાસે મિલકત ઘણી હતી, પરંતુ નિયમિત આવક વધુ ન હતી. મિત્તલ અને રૂપાએ નોકરી કરવાનું શરૂ કર્યું. રુમિના શિક્ષણ અને મુંબઈમાં તેના રોકાણના ખર્ચની વ્યવસ્થા કરી દેવાઈ હતી. પાંચ વર્ષના શિક્ષણ અને એક વર્ષની ઇન્ટર્નશિપ બાદ રુમિને કાયદાના ક્ષેત્રમાં કામ કરવાનું ગમ્યું નહીં. એને ફાઇનાન્સ વિષય ભણવાનું મન થયું.

આજકાલ આવા અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની કારકિર્દી દરમિયાન છેલ્લા એક દશકામાં મેં એવા છ કિસ્સાઓ જોયા છે, જેમાં વાલીઓએ સંતાનની રુચિ અનુસારના શિક્ષણ માટે લાખો રૂપિયા ખર્ચી કાઢ્યા બાદ સંતાને એ ક્ષેત્ર છોડી દીધું હોય.

વાલીઓએ આવી રીતે શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઈએ કે નહીં એના વિશે ટિપ્પણી કરવાનું અનુચિત છે. ખરું પૂછો તો, હું પણ મારી દીકરીના શિક્ષણ માટે આવશ્યક ખર્ચ કરીશ. જો કે, મૂળ મુદ્દો ખર્ચ કરવા કરતાં સંતાનોને તેમના નિર્ણય માટે જવાબદાર બનાવવાનો છે. માતાપિતા બાળકની ઈચ્છાનુસાર ખર્ચ કરવા તૈયાર હોય અને તેમને એ પરવડતું હોય તેનો અર્થ એવો નથી કે બાળક કોઈ પણ પ્રકારની જવાબદારી વગર ભણે અને પછી એ ક્ષેત્ર છોડી દે. તેનો નિર્ણય કોઈની દેખાદેખી કરીને કે ઉતાવળે કે સમજ્યા-વિચાર્યા વગર લેવાયો છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે.

કોઈ એક વસ્તુ પાછળ ઘણી મોટી રકમ ખર્ચી કાઢીએ તો તેની અસર લાંબા ગાળાના સંપત્તિસર્જન પર થતી હોય છે. જો કે, એ મુદ્દો બાજુએ મૂકીએ, કારણ કે એ મુખ્ય મુદ્દો નથી. મૂળ વાત તો એ છે કે પરિવારની સંપત્તિના ભોગે બાળકને જવાબદારી વગર વર્તવા દેવાય છે. એક વખત આવી જ ચર્ચા દરમિયાન એક માતાએ મને કહ્યું હતું કે તેમની દીકરી આ બધું વિચારવા માટે ઘણી નાની કહેવાય. એ વખતે મારો સામો સવાલ એ હતો કે શું બાળક કારકિર્દી વિશે નિર્ણય લેવા પરિપક્વ છે?

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે મારે કહેવાનું કે પરિવારની સંપત્તિને વેડફી દેવાય નહીં. બાળકોને પણ સંપત્તિનો આદર કરતાં શીખવવું જોઈએ. ઘરના મોભીએ વર્ષો સુધી મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે એ તેને સમજાવું જોઈએ. પરિવારની સંપત્તિ બધાની હોય છે અને તેના ખર્ચ બાબતે બધા જ જવાબદાર હોવા જોઈએ.

બાળકોને ફક્ત નિર્ણય લેવાનું નહીં, નિર્ણયનાં પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાનું પણ શીખવવું જોઈએ. બાળકને પોતાના નિર્ણયોનાં પરિણામો ભોગવવા માટે તૈયાર નહીં કરવું એ વાલીઓની સૌથી મોટી ભૂલ હોય છે, જેની ઊંડી અસર દરેક પરિવારજનના જીવન પર થાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)