એ દિવસે નરેશભાઈ મને મળવા આવ્યા હતા. એમનાં પત્નીને ગુજરી ગયાને એક વર્ષ થઈ ગયું હતું અને તેઓ મુંબઈના ઉપનગરમાં ત્રણ બેડરૂમના ફ્લેટમાં એકલા રહેતા હતા. તેમનો સૌથી મોટો દીકરો હોંગકોંગમાં સ્થાયી થયો હતો. દીકરી ચેન્નઈમાં હતી તથા નાનો દીકરો મુંબઈમાં જ અલગ રહેતો હતો. આમ, ત્રણે સંતાનો પોતપોતાની રીતે ગોઠવાઈ ગયાં હતાં.
નરેશભાઈની ઈચ્છા પોતાના અવસાન પછી બધી સંપત્તિ ત્રણે બાળકોને ન્યાયીપણે વહેંચી દેવાની હતી, જેથી એ ત્રણે વચ્ચે ઝઘડાને કોઈ અવકાશ ન રહે. તેમની સંપત્તિમાં રહેણાંકનો ફ્લેટ, ઑફિસની જગ્યા, વતનમાં જમીનનો ટુકડો અને એ ઉપરાંત ઈક્વિટીમાં પ્રત્યક્ષપણે કરેલું રોકાણ, બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ, અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરેલું રોકાણ, ગોલ્ડ બોન્ડ સ્વરૂપે સોનામાં રોકાણ મળીને કરોડો રૂપિયાની મિલકત સામેલ હતી.
તેઓ મને મળવા આવ્યા ત્યારે તેમના મનમાં ઘણી ઊથલપાથલ ચાલી રહી હતી. લાગણીઓનું તોફાન ચાલી રહ્યું હતું. પોતાની સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી તેનો અછડતો અંદાજ હતો. પોતાનાં દીકરા-દીકરી અને તેમના જીવનસાથીના સ્વભાવને તેઓ સારી રીતે ઓળખતા હતા. જો કે, વારસાની વહેંચણીને લગતા તેમના વિચારો ઘણા જ જટિલ હતા. બધું નિયંત્રણ પોતાના હાથમાં રાખીને આયોજન કરવાની તેમની ઈચ્છા હતી. આયોજન કરવામાં સમજદારી તો ચોક્કસ હોય છે, પરંતુ તેના પર અમલ કદાચ આપણી ઈચ્છા અનુસાર થાય નહીં એવું બને.
આથી જ ભગવદ્ ગીતાનો આ શ્લોક (અધ્યાય 2 શ્લોક 47) યાદ રાખવો જોઈએઃ
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ||
ઉક્ત શ્લોક અનુસાર આપણે આયોજનનું કર્મ કરીને તેનું ફળ ભગવાન પર છોડી દેવું જોઈએ. ફળ હંમેશાં ભગવાનના હાથમાં હોય છે. બધું પોતાની ઈચ્છા મુજબ થશે એવું જ્યારે મનુષ્ય વિચારવા લાગે છે ત્યારે દુઃખ આવે છે. હું ધારું એવું જ થાય એ અપેક્ષા છે અને અપેક્ષાઓ હંમેશાં સંતાપ લાવે છે.
પોતે જટિલ વસિયતનામું બનાવી રહ્યા છે એ બાબત તરફ મેં નરેન્દ્રભાઈનું ધ્યાન દોર્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ પોતાના અવસાન પછી પરિવારમાં કંકાશ થાય નહીં એ માટે આ બધું કરવા માગે છે. તેમનો વિચાર ખરેખર ઉમદા છે, પરંતુ ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેનો મારો વર્ષોનો અનુભવ કહે છે કે સાવ સાદું વસિયતનામું હોય કે પછી વસિયતનામું ન હોય તોપણ પરિવારોમાં ઝઘડા થતા હોય છે. બીજી બાજુ એવા પણ લોકો છે જેઓ વસિયતનામું ન હોય તોપણ સમજદારી રાખીને તથા સંપ ટકાવીને સંપત્તિની વહેંચણી એવી રીતે કરી લેતા હોય છે જાણે કે ભગવાનનો પ્રસાદ વહેંચીને ખાતા હોય. તેઓ એ સંપત્તિને વડીલોના આશીર્વાદ ગણતા હોય છે. મારો તો એવો પણ અનુભવ રહ્યો છે કે ઝઘડો નહીં કરીએ એવું શરૂઆતમાં કહીને પછીથી લડનારા લોકો પણ હોય છે.
આમ, ભવિષ્યમાં ચોક્કસપણે શું થવાનું છે એના વિશે કોઈ કંઈ કહી શકે નહીં. હું વાંચકોને અમિતાભ બચ્ચન અને રિશી કપૂર અભિનિત ફિલ્મ ‘102 નોટ આઉટ’ જોઈ લેવાની ભલામણ કરું છું. તેમાં ત્રણ પેઢીઓની લાગણીઓ અને પ્રતિક્રિયાઓનું નિરુપણ કરવામાં આવ્યું છે. મરી ગયા પછી પણ નિયંત્રણ પોતાના હાથમાંથી જવા નહીં દેવાની માણસની વૃત્તિ જટિલ વસિયતનામું બનાવવામાં દેખાય છે. એક રીતે, મનુષ્યની અસલામતી પણ એમાં ડોકાય છે.
નરેશભાઈને હતું કે વસિયતનામું બનાવી લીધા બાદ તેમના જીવને શાંતિ વળશે, પરંતુ મને ખબર હતી કે એમણે કહ્યા પ્રમાણેનું જ વસિયતનામું બનશે તોપણ તેઓ પાછા આવવાના છે. તેઓ આવ્યા પણ ખરા. હવે એમને પોતાના બિઝનેસનું શું થશે તેની ચિંતા હતી. પોતાના ગયા પછી વસિયતનામાનું પાલન નહીં થાય એવી જેમને ચિંતા રહેતી હોય તેમણે ખરેખર તો બધી લપ છોડી દેવી જોઈએ. સુષુપ્ત મનની સમસ્યાઓને જાગૃત મનના તર્ક દ્વારા હલ કરી શકાતી નથી.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)