એક દિવસ હું મોરારિબાપુની કથા યુટ્યુબ પર જોવા બેઠો હતો. એ કથાવાંચન વખતે પૂજ્ય બાપુની નજર એક
વૃદ્ધ ગ્રામીણ વ્યક્તિ પર પડી. એ ભાઈ આગળની હરોળમાં બેસીને કથા સાંભળી રહ્યા હતા. બાપુએ જે વર્ણન કર્યું તેના પરથી ખયાલ આવ્યો કે એ સજ્જન પ્રથમ દિવસથી બાપુની કથા ધ્યાનપૂર્વક સાંભળતા હતા.
બાપુએ એમને સ્ટેજ પર બોલાવ્યા અને પોતાની બાજુમાં બેસવાનું કહ્યું. એ વડીલે નમ્રતાપૂર્વક ના પાડી ત્યારે બાપુએ એમની સાથે બે ઘડી વાત કરી અને ખબરઅંતર પૂછ્યા તથા તેઓ ક્યાંથી આવ્યા હતા એ પૂછ્યું. બાપુએ એમને એ પણ પૂછ્યું કે કથા સાંભળવાનું એમને સારું લાગે છે કે નહીં. એ વાતચીતના અંતે પૂજ્ય બાપુએ શ્રોતાઓની વચ્ચે બેઠેલા પોતાના એક પરિચિત ડેન્ટિસ્ટને કહ્યું કે એ વડીલ માટે ચોકઠું કરાવી આપે. આ બાબતની જાણ એમણે વડીલને પણ કરી. ચોકઠા માટે પણ ઈનકાર કરતાં વૃદ્ધજન એટલું જ બોલ્યા કે ચોકઠાની જરૂર નથી. જો બાપુ કંઈક કરવા જ માગતા હોય તો એમના માટે એક ભજન ગાય. બાપુએ એમની વિનંતીનો સ્વીકાર કર્યો અને ભજન ગાયું. એ વખતે વડીલના મુખ પર અવર્ણનીય આનંદ હતો.

અહીં મને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે કહેલો કિસ્સો પણ યાદ આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તોના ઘરે પગલાં પાડવા જતા હોય છે. આ સંત એક ભક્તના ઘરે ગયા હતા. એ ભક્તે આંતરડાના કૅન્સરનું ઓપરેશન કરાવ્યું હતું. એમનું આંતરડું કાપીને એની જગ્યાએ શરીરની બહાર કોથળી બેસાડી હતી.
સંતે એ ભક્ત સાથે થયેલી વાતચીતનો સારાંશ યુટ્યુબ પર જણાવ્યો હતો. ભક્ત આનંદિત હતા. એમનું કહેવું હતું કે ફક્ત આંતરડું જ કાઢી લેવાયું છે, બાકીના બધા અવયવો નોર્મલ છે અને તેઓ નોર્મલ જીવન જીવી રહ્યા છે.
ઉપરોક્ત બન્ને કિસ્સા મારા હૃદયને સ્પર્શી ગયા છે. કોઈ પણ વ્યક્તિને સુખી કે આનંદિત થવા માટે લક્ઝરી કાર, મોટું ઘર, મોજશોખની હરવા-ફરવાની જિંદગી જરૂરી નથી. એ બધું હોય એમાં કંઈ ખોટું નથી, પરંતુ એનાથી આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત નહીં થાય.
અહીં ફરી એક વખત કહેવાનું કે ભૌતિકવાદથી સુખ પ્રાપ્ત થતું નથી. જો ભૌતિકવાદથી સુખી થવાતું હોત તો એમેઝોન ડોટ કોમ પર જઈને ઘણી બધી વસ્તુઓ ખરીદીને લોકો સુખી થઈ જતા હોત. હકીકતમાં એવું નથી. બીજી બધી વસ્તુઓ તમને એમેઝોન ડોટ કોમ પરથી મળશે, પણ સુખ નહીં મળે.

‘યોગિક વેલ્થ’ પુસ્તક તમને એમેઝોન પર મળશે, પરંતુ યોગિક વેલ્થ પ્રાપ્ત કરવા માટે અને એને ટકાવી રાખવા માટે યત્ન કરવા પડે છે.
ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની મારી પ્રૅક્ટિસ દરમિયાન હું હંમેશાં કહેતો આવ્યો છું કે નાણાકીય આયોજનને નાણાં સાથે સંબંધ નથી, એ તો મન અને અભિગમની વાત છે. મારી ઑફિસમાં અમે બધા જ કહીએ છીએ કે કોઈ પણ માણસ નાણાં અને સંપત્તિ બાબતે તાર્કિક રીતે વિચાર કરતો નથી. બધા જ લોકો ભાવનાત્મક પ્રતિક્રિયા આપતા હોય છે. અહીં ‘તાર્કિક’ના વિરુદ્ધાર્થી શબ્દ તરીકે ‘અતાર્કિક’ શબ્દ વાપર્યો નથી, ‘ભાવનાત્મક’ શબ્દ વાપર્યો છે. પૈસા અને સંપત્તિની વાત આવે ત્યારે આપણે પોતાની લાગણીઓમાં ડોકિયું કરવું જોઈએ. બહારની કોઈ વસ્તુને કારણે સુખ મળે છે કે સુખ આંતરિક અનુભૂતિ છે એ ચકાસવું જોઈએ. જો આંતરિક પ્રસન્નતા હશે તો એ કાયમી હશે, અન્યથા તાત્પુરતો આનંદ અનુભવાશે.
આથી કહેવાનું કે દરેકે યોગિક વેલ્થની પ્રાપ્તિની ખેવના રાખવી જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)




