ન લોકવૃત્તં વર્તેત વૃત્તિહેતોઃ કથઞ્ચન।
અજિહમામશઠાં શુદ્ધાં જીવેદ્ બ્રાહ્મણજીવિકામ્ ॥4.11॥
જીવિકા રળવા માટે બીજા લોકોની જેમ છળ-પ્રપંચ, આદિ નીચ વૃત્તિ રાખવી નહીં. ખોટી પ્રશંસા, આત્મશ્લાઘા કે દંભ અથવા કપટ, વગેરેનો ત્યાગ કરીને બ્રાહ્મણો માટે દર્શાવાયેલા માર્ગે જીવિકા પ્રાપ્ત કરવી.
તમને ‘દીવાર’ ફિલ્મનો એ ડાયલોગ યાદ છે? બાળપણનો અમિતાભ બચ્ચન શ્રીમંત લોકો જ્યાં દાવ લગાડે છે એવા રેસકોર્સની બહાર બેસીને શૂ પોલીશ કરે છે. આ ફિલ્મમાં વિલનની ભૂમિકા કરનાર ઇફ્તેખાર રહેમાન રેસ રમવા આવે છે અને નાના અમિતાભ પાસે શૂ પોલીશ કરાવીને તેના સાથીદારને કહે છે,”આને પૈસા આપી દે.”સાથીદાર અમિતાભ તરફ પૈસા ફેંકે છે અને અમિતાભ તેની વિશેષ અદામાં કહે છે,”મૈં ફેંકે હુએ પૈસે નહીં લેતા.”અમિતાભ પૈસા ઉપાડીને પોતાના હાથમાં આપવામાં આવે એવો આગ્રહ રાખે છે.
ધન કમાવા માટે કોઈના પણ તાબે થવું નહીં એવું મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.11માં કહેવામાં આવ્યું છે. પૈસા મેળવવા માટે કોઈની ખોટી પ્રશંસા કરવી નહિ, કોઇપણ આડું-અવળું કામ કરવું નહીં, ઢોંગ કરવો નહીં કે અધાર્મિક પ્રવૃત્તિઓ કરવી નહીં એવો બોધ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે.
આપણા શાસ્ત્રો કહે છે કે ફક્ત કાનૂની દૃષ્ટિએ કમાણી કરીએ એટલું પૂરતું નથી. આપણી કમાણી નૈતિક દૃષ્ટિએ પણ સાચી હોવી જોઈએ. સમાજમાં એવા અનેક વ્યવસાયો છે જે કાનૂની દૃષ્ટિએ માન્ય છે પરંતુ નૈતિક દૃષ્ટિએ આપણા માટે કદાચ યોગ્ય ન પણ હોય. દાખલા તરીકે ખાટકીનો વ્યવસાય. પશુનો વધ કરનાર કસાઈનું કામ ભલે કાનૂની દૃષ્ટિએ માન્ય છે, પરંતુ નૈતિક દૃષ્ટિએ આપણે એને યોગ્ય માનતા નથી. એ માણસ આખો દિવસ લોહી અને માંસની વચ્ચે રહે છે. અનેક દેશોમાં જુગાર અને રૂપજીવિનીઓનો વ્યવસાય કાનૂની છે પરંતુ આ વ્યવસાયમાં કામ કરનારા લોકોને માનસિક શાંતિ ક્યારેય પ્રાપ્ત થતી નથી.
આપણે એવા પણ દાખલાઓ જોયા છે કે નાણાકીય કૌભાંડો કરીને લોકો વિદેશ ભાગી જાય છે. ક્યારેક તેઓ અંડરગ્રાઉન્ડ પણ થઈ જાય છે. આવા લોકો પાસે ધન તો ઘણું હોય છે પરંતુ તેમના સ્વજનો તકલીફમાં રહેતા હોય છે. તેમના જીવનમાં પણ માનસિક અશાંતિ અનુભવાતી હોય છે.
આપણે બધાએ વાલિયા લૂંટારૂની વાર્તા સાંભળેલી છે વાલિયાનું બીજું નામ રત્નાકર હતું. એક દિવસ વાલિયાએ નારદમુનિ પર હુમલો કર્યો. નારદ મુનિએ તેને પૂછ્યું, “તું શું કામ લોકોને લૂંટે છે.”વાલિયાએ જવાબ આપ્યો કે પરિવારનું પાલન-પોષણ કરવા માટે એ આમ કરે છે. તેનો જવાબ સાંભળીને નારદ મુનિએ કહ્યું “વાલિયા ઘરે જા અને તારા પરિવારજનોને પૂછકે તેઓ તારા આ પાપમાં ભાગીદાર છે કે નહીં.”પરિવારજનોએ ચોખ્ખે ચોખ્ખું કહ્યું કે તેમનું પાલનપોષણ કરવાની વાલિયાની જવાબદારી છે. એ પોતે નાણાં ક્યાંથી લઇ આવે છે.તેની સાથે તેમને કોઈ નિસ્બત નથી અને તેથી જ તેઓ તેના પાપમાં જરા પણ ભાગીદાર નથી. આજ વાલિયો પછીથી મહર્ષિ વાલ્મિકી બન્યો.
ફિલ્મઉદ્યોગની અનેક દુખદ કથાઓ પણ આપણે સાંભળેલી છે, જેમાં લોકો કારકિર્દી ઘડવા માટે અભદ્ર વર્તનને પણ સહન કરે છે. પોતાના બોસ વતી લાંચ રુશ્વત લેનારા કર્મચારીઓ પણ આવું જ ખોટું કામ કરતાં હોય છે. આ બધા પ્રકારના લોકો પૈસા તો કમાય છે પરંતુ સમાજમાં ક્યારેય તેમને માન મળી શકતું નથી. એટલું જ નહીં, એમની સેવા લેનારાઓ પણ તેમની સાથે માનપૂર્વક વર્તતા નથી. વળી, તેઓ પોતાને નજરમાંથી પણ ઉતરી ગયા હોય છે અને તેમનામાં આત્મસન્માન બાકી રહ્યું હોતું નથી. આવા લોકો પાછલી જિંદગીમાં અત્યંત દુઃખ પામીને મરી જાય છે અને એ સમયે તેઓ એકલાઅટૂલા અને નિરાશાની ગર્તમાં ખોવાયેલા હોય છે.
જીવનનિર્વાહ માટે પૈસાની જરૂર હોય એ સ્વાભાવિક છે અને એ મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે ભાગ્યે જ પૈસાની ખેંચ પડતી હોય છે. મોટાભાગે તો લોકો જાતજાતનાં ભૌતિક સુખો અને ભૌતિકવાદી વસ્તુઓ ખરીદવા માટે વધુપડતાં નાણાં કમાવાની ઈચ્છા રાખે છે અને તેને પગલે અનૈતિક રીતે ધન કમાય છે. જો મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટેના પૈસા પણ ન હોય તો એક વખત ભૂખ્યા રહી જવું સારું પરંતુ ખોટું કામ કરવું નહીં જોઈએ.
પોતાની નજરમાંથી ઊતરી જવાય એ કામ ખોટું જ કહેવાય. કરચોરી કરીએ અથવા તો કરચોરી કરવા માટેની સલાહ આપીએ એ પણ અયોગ્ય છે. દુકાનદારો કે બિઝનેસમેનો પોતાના ગ્રાહકોને હલકી કક્ષાની વસ્તુઓ વેચીને છેતરે એ પણ અનૈતિક કમાણી છે. શિક્ષકો બાળકોને નાપાસ કરવાની ધમકી આપીને પરાણે ટ્યુશન રખાવે એ પણ ગેરરીતિનો જ એક પ્રકાર છે. આ બધી રીતે ભેગું કરેલું ધન મનુષ્યના પોતાના માટે ઘાતક હોય છે.
નૈતિકપણે કમાયેલું ધન જ લક્ષ્મી કહેવાય. ભગવાન વિષ્ણુ નૈતિકતાના દેવતા છે આમ, લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન એક સાથે હોય તો જ જીવન સુંદર અને સુખપૂર્ણ બને છે. ખોટી રીતે કમાયેલું ધન ચિંતા, અસલામતી, ઘમંડ, વગેરે અવગુણો નોતરે છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)