યોગ તમને અહિંસક બનાવે છે…

ભારતીયો માટે અહિંસા શબ્દ નવો નથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અહિંસાના માર્ગે ચાલીને દેશ માટે ચળવળ ચલાવી હતી, પરંતુ ઋષિ પતંજલિએ 5000 વર્ષ પહેલા અહિંસા શબ્દ ઉપર ભાર મૂક્યો છે.

એમણે કહ્યું છે કે, હિંસા અને અહિંસા માનવીની પ્રકૃતિ છે. અહિંસા માનવીના સ્વભાવમાં રહેલી છે, નહીં કે એની પાસેના હથિયારમાં. ચપ્પુનો ઉપયોગ કોઈની હત્યા કરવામાં પણ થાય એટલે કે અહીં હથિયાર નહીં, પણ એનો ઉપયોગ કરનારાં હિંસક છે. પતંજલિ તો એટલી હદ સુધી કહે છે કે કોઈ વ્યક્તિ માત્ર શાકાહારી છે એટલે એ અહિંસક છે એમ ન માની શકાય.

નિર્બળતા અજ્ઞાન કે મૂંઝવણને કારણે હિંસાનો ઉદ્ભવ થાય છે. એનો નાશ કરવા ભયમુક્ત બનીને નિર્ણય કરવાની જરૂર છે. નિર્ભય બનવા માટે જીવનના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન લાવવાની જરૂર છે. એ માટે મનનું ઘડતર કરવું જોઈએ. મનનું ઘડતર એ તો મોટો શબ્દ છે. જરા વિચારો, મનને જેની આદત પડી ગઈ હોય અને એમાંથી એને બીજી આદત પાડવાની હોય તો કેટલું અઘરું છે? જો કે એ અઘરું છે, પરંતુ અશક્ય નથી. મનને ટાંકીને એક જગ્યાએ બે કલાક બેસવાની ટેવ જ ન હોય તો યોગાસન શરૂ કરો. થોડા મહિનામાં એનું મન જે કરવાનું છે, જે યોગ્ય છે, જેના માટે સારું છે એવી સમજણશક્તિ સાથે એ બે કલાક બેસી શકશે અને મન કેળવાઇ જશે.

એવી જ રીતે આજે વાત કરીએ છીએ અહિંસાની, જે અષ્ટાંગયોગમાં પહેલું ચરણ છે. યમ, જેમાં પહેલો મુદ્દો અહિંસા છે. આગળ કહ્યું છે કે અહિંસા એટલે માત્ર કોઈને નુકશાન કરવું, કોઇની હિંસા ન કરવી ત્યાં સુધી જ સીમિત નથી. અહિંસા એટલે કે જે યોગ કરતા હોય, યોગ સાધક હોય તે પાપની ધૃણા કરે છે પરંતુ પાપ કરનાર વ્યક્તિની કરતો નથી, અપરાધીઓને સજા કરવાને બદલે તેને પશ્ચાતાપ કરવાનું કહે છે. આદર્શ અહિંસાવાદી પોતાના વિરોધી પ્રત્યે પણ પ્રેમ રાખે છે.

અહિંસા મનથી પણ અમલમાં મૂકવાની હોય છે. મનમાં પણ કોઈના માટે અહિત ન વિચારીએ એને અહિંસા કહેવાય. મનુષ્ય જે વિચારે છે તે હકીકતમાં પરિણમી શકે છે. એટલે મનમાં અહિંસાના વિચારો કરીએ તો ક્યારેક એ આચરણમાં પણ આવી શકે અને એટલે જ સતત આસન અને પ્રાણાયામ કરીએ તો મન પર કાબૂ આવી જાય અને નકારાત્મક વિચારોની હકારાત્મક અસર જોવા મળે છે.

આપણા અસ્તિત્વને નુકસાન કરે તેવા કોઈ વિચારોને અંદર પ્રવેશવા જ ન દેવા જોઈએ. ઘણીવાર એવું વિચારીએ છીએ કે એમાં શું આ તો ખાલી વિચાર જ કર્યો ને! ના, બિલકુલ નહીં. આપણે મજાકમાં કોઈનું એક્સિડન્ટ થઈ જાય એવું બોલીએ છીએ પણ મજાકમાં ય અહિંસાના વિચાર ન કરવા જોઈએ. યોગસાધક પોતાની ભૂલને કઠોર નજરે જૂએ છે, જ્યારે બીજાના દોષ તરફ એ ઉદારદ્રષ્ટિ રાખે છે, પોતાની જાત પ્રત્યે કઠોરતા અને બીજાના દોષ પ્રત્યે ઉદારતા રાખે એ જ યોગીની સમજણશક્તિ. જેનું મન કોમળ હોય, કઠોરતા અને કરુણા બંને તેનામાં એક સાથે અસ્તિત્વ ધરાવતા હોય.

એ પરિપક્વતા યોગાસનથી આવી શકે છે. માણસમાં જ્યારે પરિપક્વતા આવી જાય ત્યારે દરેક પરિસ્થિતિને સ્વીકારી શકે છે અને એટલે બહુ દુઃખી નથી થતાં. તો યોગના કેટલા ફાયદા છે. તમે બધાએ પણ સાધનો સાથે થતાં આસન પ્રાણાયામ શરુ કરી દીધા છે ને?

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)