આસનોના નામ અર્થપૂર્ણ છે!

છેલ્લા ત્રણ દાયકાથી વૈજ્ઞાનિકોએ ઘણી નવી શોધ કરી, આપણે વિચારીએ -કોઈપણ વસ્તુની શોધ ક્યારે થાય? જયારે ખૂબ ઉંડાણપૂર્વક વિચારીએ, સંશોધન કરીએ, પછી ખૂબ ચકાસીએ, ત્યારે નવી વસ્તુની શોધ આપણા સુધી આવે.

મારે એક વાર ISRO માં યોગ પર બોલવા જવાનું હતું. મારું વક્તવ્ય શરૂ કરું એ પહેલાં જ સ્ટેજ પરથી ઓડિયન્સમાં જોયું – તો આખો હોલ ખીચોખીચ ભરેલો અને આ ગ્રુપ એટલે નાના-મોટા બધા વૈજ્ઞાનિકો જ હતા. તો મેં એમને પૂછ્યું કે તમે બધા વૈજ્ઞાનિકો છો, તો શું તમારા મગજ કંઈક જુદી રીતે બનેલા છે? કે પછી, આમ તો સામાન્ય રીતે અખરોટના આકારનું મગજ હોય છે. તો શું તમારું મગજ નારંગી આકારનું છે? અને હાસ્યની લહેર છવાઈ ગઈ હતી હોલમાં! વૈજ્ઞાનિકો અવકાશમાંથી કંઈક શોધી લાવે, પર્વતોમાંથી શોધી લાવે, દરિયામાંથી કંઈક શોધી લાવે, જંગલમાંથી કંઈક નવી શોધ કરે, પણ હવે વિચાર કરો કે પાંચ હજાર વર્ષ પહેલાં પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ શું હતા? તેઓ આપણા વૈજ્ઞાનિકો જ હતા! યોગશાસ્ત્રની શોધ એ આપણા માટે આશીર્વાદરૂપ છે. તો ઋષિમુનિઓએ જંગલમાં, વગડામાં રહી, સતત ચિંતન, મનન, અભ્યાસ, સાધના, તપ કરી, એનું વિશ્લેષણ કરીને તારણ કાઢ્યું અને આપણને આપ્યું યોગશાસ્ત્ર! ઋષિ પતંજલિ હોય કે ઋષિ ઘેરંડ હોય – એમણે આપણને યોગશાસ્ત્રની ભેંટ આપી છે!

આસનોના નામ અર્થપૂર્ણ છે અને તે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત સમજાવે છે. કોઈપણ શોધ એ લોકભોગ્ય બનાવવી હોય તો એમાં સરળતા હોવી જોઈએ જેથી લોકો સમજી શકે અને અપનાવી શકે. એટલે કેટલાક આસનોના નામ વૃક્ષ કે કમળ જેવી વનસ્પતિ પરથી પડ્યાં છે, તો કેટલાક આસનોના નામ મકર એટલે કે મગર જેવા જળચર પ્રાણીઓ પરથી પડ્યા છે. કેટલાક નામ મયુર અને હંસ જેવા પક્ષીઓ પરથી પડ્યાં છે, તો કૂતરો વાતાયાન એટલે ઘોડો, ઉષ્ટ્ર એટલે ઊંટ અને સિંહ જેવા ચોપગાના નામ પરથી કેટલાક આસનોના નામ પાડવામાં આવ્યા છે. પેટ ઉપર ચાલનારા સર્પ જેવા જીવનું પણ વિસ્મરણ નથી થયું, કે નથી મનુષ્યની એક જ સ્થિતિ જે ગર્ભપિંડની ઉપેક્ષા કરવામાં આવી. વીરભદ્ર પુત્ર હનુમાન જેવા પુરાણના વીર પાત્રો અને ભારદ્વાજ, કપિલ, વશિષ્ઠ, વિશ્વામિત્ર જેવા ઋષિઓના નામ આસનોને આપી તેમનો આદર કરવામાં આવ્યો.

હિન્દુ દેવો અને ઈશ્વરના અવતાર ઉપરથી પણ આસનોનું નામકરણ થયું છે. આસન દરમિયાન યોગીનું શરીર વિવિધ પ્રાણીઓને મળતું આવે છે. આ કારણોસર પ્રાણીમાત્રનો તિરસ્કાર ન કરવાનું આ રીતે શીખવવામાં આવે છે. યોગી જાણે છે કે, નાનામાં નાના જંતુઓથી માંડીને પૂર્ણ અવસ્થાએ પહોંચેલા મહાત્માઓ સુધીના સમગ્ર વિશ્વમાં એક જ સર્વ વ્યાપક અને અનંત આત્મા વિવિધ સ્વરૂપે રહેલો છે. સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ નિરાકાર છે અને આ દ્વારા વિશ્વની એકરૂપતાનું દર્શન થાય છે. સાચું આસન તે છે કે જે દરમિયાન કોઇપણ પ્રયત્ન વગર સાધકના મનમાં બ્રહ્માંડનું સતત અને અખંડ ચિંતન ચાલ્યા કરતું હોય છે. નિયમિત આસનનો અભ્યાસ કરીએ અને એક આસનમાં વધારે વાર રોકાઈએ તો જ મનોબળ મજબૂત થાય. મન નાની નાની વાતોમાં દુઃખી નથી થતું એટલે પરિસ્થિતિને તટસ્થ રીતે જોઈ શકવાની, સમજી શકવાની, ક્ષમતા કેળવી શકાય છે. એટલે કે, તે આપણી જીત-હાર, રાગ-દ્વેષથી માનવી ઉપર ઊઠી શકે છે.

યોગશાસ્ત્ર મૂળ સંસ્કૃતમાં લખાયેલું છે. સંસ્કૃત ભાષા એટલે સરળ શબ્દોમાં સચોટ રીતે સમજાવતી ભાષા. એમાં લખાયેલું યોગસૂત્ર, યોગસૂત્રમાં લખાયેલું અષ્ટાંગયોગ, ચિત્ત વિક્ષેપ, ચિત્ત વિક્ષેપ ના અવરોધો, મનની સ્થિતિ, ત્રણ ગુણ – સત્વ, રજસ, તમસ અને કેળવવા જેવા ગુણ – કરુણા, મુદિતા, ઉપેક્ષા. જીવન સારી રીતે જીવવું હોય તો આ ગુણ સમભાવમાં અપનાવવા જેવા છે. કેવી રીતે? સ્વીચ ઓન કરશો એટલે આ ગુણો આવી જશે? ના. એટલે જ અનુભવી જ્ઞાની કે જેણે પૂરતી સાધના યોગમાં કરી હોય એની પાસેથી યોગ શીખવામાં આવે ત્યારે એ ગુણ આપણી અંદર લાવી શકાય. 30-40 વર્ષ પહેલા બ્યુટી પાર્લર ઠેર ઠેર ખૂલવા માંડ્યા, જેને ત્રણ – ચાર વસ્તુ આવડે એ પોતાની જાતને બ્યુટિશિયન ગણાવે. પછી જે સૌંદર્ય સાથે ચેડાં થાય, બગડે તે કોઈને ખબર ન હોય, એવું જ યોગમાં થવા માંડ્યું છે. પોતાનો અભ્યાસ, પોતાની પ્રેક્ટિસ, પોતાની સાધના પૂરી થઈ ન થઈને બીજાને શીખવાડવાનું શરૂ કરી દે છે, જે લોકો માટે નુકસાનકારક છે.

યોગ એ એક શરીર સાથે કરાતી ક્રિયા છે. એ અંગ મરોડ, કસરત કે કોઈ કસરતના દાવ નથી કે અખતરા કરી શકાય. આ શાસ્ત્રની પોતે પહેલાં તપ સાધના કરવી પડે. બોલીને વાણીથી કોઈને પણ તમે પ્રભાવિત કરી શકો. પરંતુ તમારા જ્ઞાન, તમારા કામ તમારી આવડતથી કોઈ પ્રભાવિત થાય ત્યારે સાચું જ્ઞાન કહેવાય. બોલવાના અને ચાવવાના દાંત જુદા એ કહેવત તમે બધાએ સાંભળી જ હશે. ખોટું બોલેલું બહુ લાંબો સમય નથી ચાલતું અને સત્ય ક્યારેય છૂપું રહેતું નથી. માટે નિયમિત યોગ કરવા અને તેના ચાર ગુણો અપનાવવા જેથી જીવન સરળ રીતે અપનાવી શકાય.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)