દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય યોજનાઃ લાભાર્થી એક, ફાયદા અનેક….

હંસાબેન અરજણભાઇ ભરવાડ…

એમની બાયોડેટામાં અભ્યાસની કોલમમાં લખ્યું છે ‘નિરક્ષર’, પણ ભલભલા ભણેલાને શરમાવી દે એવી તેમની કોઠાસૂઝ છે. સાવ સાદા અર્થમાં, હંસાબેને કોઠાસૂઝમાં ‘પી.એચ.ડી’ કર્યું છે એમ કહીએ તો જરાય ખોટું નથી જ…

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વનપરડી ગામના હંસાબેન ભરવાડ આમ તો સીધું સાદું જીવન જીવે છે પણ તેમના જીવન સાથે વણાયેલા પશુપાલનના વ્યવસાયે તેમને કામ, દામ, નામ એમ બધું જ આપ્યું છે. એક સમય હતો કે હંસાબેન પાસે એક જ ભેંસ હતી અને તેને રાખવા માટે માત્ર એક કાચું છાપરું હતું. છાપરામાંથી છાંયડોને બદલે તડકો અને વરસાદનું પાણી ટપકે તેવા કાણાં વધારે હતા… મૂળ ભરવાડ હતા એટલે સ્વભાવે અને શારીરિક રીતે પણ ખડતલ. એટલે મહેનતમાં તો પાછા પડે જ નહીં…

હંસાબેન કહે છે કે, ‘શરૂઆતમાં મારી પાસે એક ભેંસ હતી. એમાં કંઈ પૂરું થતું નહોતું… પછી પશુપાલન ખાતાના માર્ગદર્શન અને સહયોગથી ક્રમશ: ગાયની સંખ્યા વધારતા ગયા. આજે મારી પાસે ૨૫ ગાય અને ૩ ભેંસ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં મને પશુપાલન ખાતા તરફથી સ્વરોજગારી હેતુસર પશુપાલન યોજના હેઠળ ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજનાનો લાભ મળ્યો. એક પશુ રાખવાની શરુઆત કરી હાલમાં ૨૫ ગાયો અને ૩ ભેંસો રાખી દૈનિક દૂધ ઉત્પાદન મેળવી  સારી એવી આવક હું મેળવું છું,’ એમ તેઓ ઉમેરે છે.

દૂધ દોહવા અને અન્ય પ્રવૃત્તિમાં સહાયરૂપ થતા હંસાબેનનાં પતિ અરજણભાઈ ભરવાડ કહે છે, ‘એક સમય હતો કે અમને ભારે આર્થિક તકલીફ હતી. ઘર કેવી રીતે ચલાવવું એની મુંઝવણ રહેતી, પણ સરકારની સહાયતાથી આજે અમે સાધનસંપન્ન બન્યા છીએ, એટલું જ નહીં પરંતુ સમાજમાં આજે અમારી આગવી આબરૂ પણ છે. તેનો સમગ્ર શ્રેય અમે સરકારને આપીએ છીએ.’

અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગના નાયબ નિયામક કહે છે કે, “શરૂઆતમાં પશુઓને ખેતરમાં ખુલ્લા રાખવામાં આવતાં હતા. એને લીધે તેમનામાં માંદગીનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. એને કારણે આવક તેમજ ઉત્પાદન ઉપર માઠી અસર થતી હતી. પશુપાલન ખાતા દ્વારા મળતી સ્વરોજગારી હેતુસર પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ  સ્થાપના સહાય યોજનામાં હંસાબેનને આવરી લેવામાં આવ્યાં છે. હવે હંસાબેન પશુઓને સ્વચ્છ, કુદરતી વાતાવરણમાં રાખે છે. જેથી પશુઓનું આરોગ્ય સારું રહે છે તેમજ ઉત્પાદનમાં પણ સારી એવી સકારાત્મક અસર જોવા મળી છે.

આ ઉપરાંત ચાફકટર સહાય યોજના અંતર્ગત ચાફકટર ખરીદ કરી ઘાસચારાનો વધુ પડતો બગાડ અટકાવી નફાનું ધોરણ ઉંચું લાવ્યા છે. સાથે સાથે પશુ વીમા સહાય યોજનાનો લાભ પણ તેમને મળ્યો છે. આકસ્મિક પશુમરણની ઘટના થકી થતા નાણાંકીય નુકશાનની ભરપાઇ થઇ શકે છે. યોજના અંતર્ગત મિલ્કીંગ મશીનની ખરીદી કરી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે,” એમ તેઓ ઉમેરે છે.

હંસાબેન આજે ગાય દીઠ વર્ષે ૧.૫ લાખની આવક દૂધના વેચાણમાંથી મેળવે છે. એટલે વર્ષે અંદાજે રૂ. ૧૮ લાખની માતબર આવક મેળવે છે. એટલું જ નહીં ૧૨ ગાયના છાણમાંથી પણ આવક મેળવે છે. એટલે જ, “દૂધનું દૂધ અને છાણનું છાણ…” આને કહેવાય કોઠાસૂઝ…  સલામ છે આવા પશુપાલક અને આ યોજનાને પણ….

(હિમાંશુ ઉપાધ્યાય – અમદાવાદ)