શાલોમ, બેને ઇઝરાયેલી!

ગઇ 6 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસનો ત્રાસવાદી હુમલો થયો ત્યારથી દુનિયાભરમાં જેની ચર્ચા છે એ યહુદી પ્રજા કેવી છે? કેવાક છે એમના રસમો-રિવાજ?

———————————————

એ લોકો તમને રસ્તામાં, ઓફિસમાં કે બિઝનેસ મિટીંગમાં ક્યાંય મળશે તો એમની વેશભૂષા, બોલચાલ, રહેણીકહેણી કે ખાનપાન સમાન જ લાગશે. વાતચીતમાં પણ તમે એમને અલગ નહીં તારવી શકો. આમ તો એમને બાકાયદા માઇનોરિટીનો દરજ્જો મળેલો છે, પણ આજસુધીમાં માઇનોરિટીની ચર્ચામાં એમનો ઉલ્લેખ થયો હોવાનું તમે વાંચ્યુ-સાંભળ્યું-જાણ્યું નહીં હોય!

અરે, જ્યાં સુધી સામેથી ન પૂછો ત્યાં સુધી એ લોકો પોતાની ઓળખ પણ આપતા નથી. એ તો તમે એમને પૂછો કે પછી એમના ઘરે દરવાજા પર અમુક પ્રકારના પ્રતીકો-ચિન્હો જૂઓ ત્યારે તમને ખબર પડશે કે, આ ભાઇ (કે બહેન) તો યહૂદી છે!

હા, આજે જેની વાત કરવી છે એ યહુદી કોમ. જે પ્રજાએ હોલોકોસ્ટ તરીકે ઓળખાતા વિશ્વ ઇતિહાસના સૌથી ઘાતકી નરસંહારનો સામનો કર્યો છે અને ચારેબાજુથી દુશ્મનોથી ઘેરાયેલી હોવા છતાંય જે પ્રજા એના લડાયક ખમીર માટે ઓળખાય છે એ યહુદી કોમ.

કોણ અને કેવીક છે આ કોમ? ગુજરાત અને ભારત સાથે શું છે એમનો સંબંધ? ઘડીકભર માટે જેરૂસાલેમ-ગાઝા પટ્ટીએ ચાલતા ભીષણ સંગ્રામને બાજુએ મૂકીને આવો, ઘરઆંગણે આપણી આસપાસમાં જ વસતી, થોડીક જાણીતી અને ઘણી અજાણી એવી આ કોમને ઓળખીએ…

એ જાણી લો કે, ભારતમાં આજે લગભગ 3500 જેટલા યહુદીઓ વસે છે, જેમાંથી ગુજરાતમાં વસતા યહુદીઓની સંખ્યા 140 જેટલી છે. વસતિની સંખ્યા સાવ નગણ્ય હોવાથી એમના વિશે બહુ ચર્ચા થતી નથી, પણ આ કોમે શિક્ષણ, આરોગ્ય, સિનેમા, પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં અનેક જાણીતી વ્યક્તિઓ આપી છે. એક અનુમાન પ્રમાણે, 1940 સુધી ભારતમાં લગભગ 50000 જેટલા યહુદીઓ વસતા હતા, પણ કાળક્રમે એમની સંખ્યા ઘટતી ગઇ. આજે યહુદીઓ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં મુંબઇ, થાણે, પૂણે, કોચી, કોલકાતા, દિલ્હી અને નોર્થ-ઇસ્ટમાં મણિપુર-મિઝોરમમાં છૂટાછવાયા વસે છે.

ભારતમાં યહુદીઓ કેવી રીતે આવ્યા એનો ઇતિહાસ પણ રોમાંચક છે. અમદાવાદસ્થિત એચ. કે. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના નિવૃત્ત યહુદી અધ્યાપક બેન્સન અગરવારકર ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે એમ, લગભગ અઢી હજાર વર્ષ પહેલાં મહારાષ્ટ્રની કોંકણપટ્ટીમાં નાવગાંવ ખાતે યહુદીઓથી ભરેલું વહાણ હોનારતમાં ડૂબી ગયેલું. એમાંથી સાત કપલ બચી ગયા અને અહીં જ વસી ગયા. (નાવગાંવ ખાતેનું કબ્રસ્તાન પણ આ વાતની સાખ પૂરે છે.) ગુજરાત-મહારાષ્ટ્રના મોટાભાગના યહુદીઓની અટક એટલેસ્તો અગરવારકર, દિવેકર, દાંડેકર, નાવગાંવકર એવી મહારાષ્ટ્રીયન લાગે છે. અને, એ જ કારણ છે કે આજે પશ્ચિમ ભારતમાં વસતા મોટાભાગના યહુદીઓના ઘરમાં મરાઠી બોલાય છે.

ગુજરાતના યહુદીઓ મહારાષ્ટ્રમાંથી બ્રિટીશ આર્મી, રેલ્વે, પોસ્ટ જેવી સર્વિસિસમાંથી કામ કરતાં કરતાં આવ્યા હોવાનું મનાય છે. ઇ.સ. 1857ની આસપાસ ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગર, વડોદરા, સુરત, રાજકોટ, દાહોદ, ઉત્તર ગુજરાતમાં ડીસા અને કચ્છમાં યહુદીઓ વસતા હતા. આ સ્થળોએ એમના કબ્રસ્તાન પણ મોજૂદ છે. ગુજરાતમાં વસતા આ યહુદીઓ બેને ઇઝરાયેલી કહેવાય છે. એનો અર્થ થાય છેઃ ઇઝરાયેલના બાળકો.

(એસ્થર ડેવિડ)

અલબત્ત, અમદાવાદસ્થિત જાણીતા લેખિકા-સંશોધક એસ્થર ડેવિડના મતે, ભારતમાં આજે પાંચ પ્રકારના યહુદીઓ વસે છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં વસતા બેને ઇઝરાયેલી કહેવાય છે, તો 17મી સદીમાં કિંગ સોલેમાનના વહાણ સાથે વેપાર કરવા જે યહુદીઓ દક્ષિણમાં કોચી બંદરે ઉતર્યા એ કોચીની જ્યુ કહેવાય છે. (જ્યુ એટલે યહુદી.) 18મી સદીમાં ઇરાકથી જે યહુદીઓ સુરત આવ્યા એ બગદાદી જ્યુ તરીકે ઓળખાયા. મિઝોરમ-મણિપુરના જ્યુઝ બેનેમેનાશી જ્યુઝ ગણાય છે, તો પર્શિયાથી ચીન-બર્મા તરફ આવેલા જે યહુદીઓ આંધ્રના વિજયવાડા બંદરેથી પ્રવેશ્યા એ બેને એફ્રાઇમ જ્યુઝ કહેવાયા.

જો કે, આ બધામાંથી સૌથી વધુ સંખ્યા બેને ઇઝરાયેલીઓની છે. એસ્થર ડેવિડે પુષ્કળ સંશોધન કર્યા પછી બેને એપેટાઇટ નામનું પુસ્તક પણ લખ્યું છે, જેમાં ભારતમાં વસતા યહુદીઓની જીવનશૈલી-ખાનપાનની રસપ્રદ વાતો છે.

એમ તો યહુદીઓના રીત-રીવાજો, તહેવારો અને પરંપરાઓ પણ જાણવી ગમે એવી રસપ્રદ છે. પ્રો. બેન્સન અગરવારકર આ રસપ્રદ માહિતી ચિત્રલેખાના વાચકો સાથે વહેંચે છે. યહુદીઓ ઇશ્વરની મૂર્તિને પૂજતા નથી, પણ એમના સિનેગોગ (કે પછી સેનેગોગ, એટલે કે મંદિર કે પ્રાર્થના કરવાનું સ્થળ)માં દસ આજ્ઞાઓનું ખૂબ મહત્વ છે. પ્રોફેટ મોઝિસ એમના સૌથી અગત્યના પયગંબર છે. પ્રોફેટ અલાઇસા એમના માટે શાંતિ લાવે છે એવી માન્યતા છે. સિનેગોગ ઉપરાંત દરેક યહુદીઓના ઘરમાં એમની તસવીરો હોય, હોય અને હોય જ. બાઇબલના જૂના કરારમાં જે પાંચ પુસ્તક છે, જેને તોરાહ કહેવાય છે, એને કાપડમાં વીંટાળીને પડદામાં રાખવામાં આવે છે. જો એનું વાંચન કરવું હોય તો ઓછામાં ઓછા દસ પુખ્ત વયના યહુદી પુરુષની હાજરી અનિવાર્ય છે.

ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ માગેન અબ્રાહમ સિનેગોગ અમદાવાદમાં આવેલું છે, જેની સ્થાપના 1934ના સપ્ટેમ્બર મહિનામાં થઇ હતી. એ સમયે અમદાવાદમાં જ 300 યહુદી પરિવારો હતા અને પાનકોરનાકા વિસ્તારમાં નાનકડો પ્રાર્થનાહોલ હતો. ડો. અબ્રાહમ એરૂલકરે આપેલા દાનની રકમમાંથી ખમાસા તરીકે ઓળખાતા વિસ્તારમાં પારસી અગિયારીની બરાબર સામે આ સિનેગોગ બનાવાયું છે. એના સેક્રેટરી અમદાવાદસ્થિત અવીવ દિવેકર ચિત્રલેખાને કહે છે, ‘સિનેગોગ અમારા માટે ધાર્મિક-સાસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. તમામ પ્રસંગોએ કમ્યુનિટી અહીં ભેગી થાય છે. તહેવારો સાથે મળીને ઉજવે છે.’

શનિવાર યહુદીઓ માટે શબ્બાથનો દિવસ એટલે કે પવિત્ર દિવસ હોય છે એટલે શુક્રવારની સાંજે અને શનિવારે બધા સિનેગોગમાં ભેગા મળે છે. શહારીથ, મીનદા અને આરબીથ એમ દિવસમાં સવાર, બપોર અને સાંજની પ્રાર્થના કરે છે. સિનેગોગમાં અખંડ દીવો બળતો હોય છે, જેને હિબ્રુમાં તામીદ કહે છે.

દરેક યહુદીના ઘરમાં અને સિનેગોગમાં તમને સાત દીવીનું પ્રતીક જોવા મળશે. પ્રકાશ, ન્યાય, શાંતિ, સત્ય, અહિંસા, ભાતૃપ્રેમ અને સમાનતા એ સાત ગુણ એમાં સમાયેલા છે. ઘરના અને સિનેગોગના દરવાજે મેઝૂઝાનું ચિન્હ અવશ્ય હોય. યહુદીઓ એને પવિત્ર પ્રેયર બોક્સ માને છે અને ઘરની બહાર નીકળતી વખતે કે ઘરમાં પ્રવેશતી વખતે આ મેઝૂઝાને ચુંબન કરવાની પરંપરા છે. આપણે એકબીજાને મળતી વખતે કે છૂટા પડતી વખતે કેમ છો અને આવજો કહીએ એમ યહુદીઓમાં એકબીજાને ગ્રિટ કરતી વખતે શાલોમ કહેવાનો રિવાજ છે.

(જોનીભાઇ પિંગ્લે)

ધાર્મિક પરંપરાઓની સાથે આ કમ્યુનિટીના લગ્ન-મૃત્યુ વખતેના રીવાજો પણ ઘણા અલગ પડે છે. લગ્નની વિધી પણ સિનેગોગમાં જ થાય છે. (જો કે એ પછીથી બીજા આમંત્રિતો માટે લગ્નનું રિસેપ્શન બહાર યોજાય છે.) મોટાભાગે આ બધી વિધી સિનેગોગના પ્રિસ્ટ (મંદિરમાં પૂજારી હોય છે એમ) કરાવે છે. ગુજરાતમાં બધા યહુદીઓ વચ્ચે હાલ ફક્ત જોની પિંગ્લે નામના એક જ પ્રિસ્ટ છે. વિધી કરાવવા માટે હિબ્રુ ભાષાનું જ્ઞાન જરૂરી છે એટલે જોનીભાઇ હિબ્રુ પણ થોડીઘણી શીખ્યા છે. ભવિષ્યમાં કમ્યુનિટીને મુશ્કેલી ન પડે એટલે એ સાત-આઠ છોકરાઓને આ બધી વિધી શીખવાડીને થોડુંઘણું હિબ્રુ વાંચતા ય શીખવાડે છે. દરેક યહુદી પુરુષ સિનેગોગમાં ટોપી પહેરે છે, જેને હિબ્રુમાં કિપ્પા કહેવાય છે.

જોનીભાઇ કહે છે, ‘યહુદીઓમાં ઘરે બાળકનો જન્મ થાય એના આઠમાં દિવસે સિનેગોગમાં સુન્નતની વિધી ફરજિયાત છે. યહુદી છોકરો 13 વર્ષ અને 1 દિવસનો થાય એટલે એને પૂર્ણ સભાસદ કે પુખ્ત વયનો જાહેર કરવા માટે બાર મિત્સ્વા નામની વિધી કરાય છે, જેમાં એને ત્સિત્સિથ નામે ઓળખાતી સફેદ શાલ ઓઢાડાય છે.’

એવી જ રીતે, કોઇનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહ પર સુતરાઉ કાપડની ચાદર સીવીને ઓઢાડ્યા પછી એની આખંમાં ઇઝરાયેલની માટી નખાય છે અને છેલ્લે આ ત્સિત્સિથ તરીકે ઓળખાતી શાલ ઓઢાડાય છે.

તહેવારોની ઉજવણી પણ મોટાભાગે સિનેગોગમાં જ થાય છે. જ્યુઇશ કેલેન્ડર પ્રમાણે, રોશ-હા-શન્ના એ એમનો નવા વર્ષનો દિવસ છે. મોટાભાગે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવતા આ દિવસે ઘરમાં અને સિનેગોગમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરાય છે. શોફાટ વગાડાય છે. આ જ સમયગાળામાં આવતો યોમ કિપ્પુરનો દિવસ એ યહુદીઓ માટે પ્રાયશ્ચિતનો દિવસ છે. આ દિવસે બધા સફેદ વસ્ત્રો પહેરે છે અને ઉપવાસ રાખે છે, માફી માગીને પ્રાયશ્ચિત કરે છે. પ્રાયશ્ચિતની જેમ જ એક દિવસ ખુશાલીના દિવસ તરીકે ઉજવાય છે. સીનહાથ તોરા તરીકે ઓળખાતા આ તહેવારના દિવસે બધા ભેગા થઇને સિનેગોગમાં ગીતો ગાય છે, નૃત્ય કરે છે. હમામ નામના પ્રદાને યહુદીઓનું નિકંદન કાઢવાનું ષડયંત્ર ઘડ્યું એનાથી પ્રજાને બચાવનાર એસ્થર નામની સ્ત્રીને યાદ કરીને હમામની નિષ્ફળતાની ઉજવણી કરવા એપ્રિલ મહિનામાં પુરીમનો તહેવાર ઉજવાય છે.

એપ્રિલ-મે મહિનામાં જ યહુદીઓ પેશાહ તરીકે ઓળખાતું સ્વતંત્રતાનું પર્વ ઉજવે છે. આથા વગરનો ખોરાક ખાય છે. ઇજિપ્તની ગુલામીમાંથી યહુદીઓને મુક્તિ મળી એના માનમાં આ પર્વ ઉજવાય છે.

(અવીવ દિવેકર)

અવીવ દિવેકર કહે છે, ‘અમારી કમ્યુનિટી ખૂબ નાની છે. બધા તહેવારો સિનેગોગમાં સાથે જ ઉજવાતા હોવાથી એકબીજા સાથે ગાઢ સંબંધ જળવાઇ રહ્યો છે. 140 વ્યક્તિના આ પરિવારમાં બધા એકબીજા સાથે લાગણીથી જોડાયેલા છે.’

જો કે, સંખ્યા ઓછી હોવાથી હવે લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવાનું કામ એમના માટે અઘરું થઇ ચૂક્યું છે. સિનેગોગના પ્રમુખ અને અમદાવાદની નેલ્સન હાઇસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ સરીના જેકબ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે કે, ‘આટલી નાની સંખ્યામાં યોગ્ય પાત્ર કેવી રીતે શોધવું? છોકરીઓ માટે આ પરિવારોએ મુંબઇ-મહારાષ્ટ્ર તરફ જ નજર દોડાવવી પડે છે, પણ મુબંઇની દીકરી પરણીને અમદાવાદ કેમ આવે એ વળી બીજો સામાજિક પ્રશ્ન છે.’

વળી, આ પરિવારોની નવી પેઢી તો અહીંની જ હવામાં અને અહીંના જ વાતાવરણમાં ઉછરી છે. સામાજિક અને વ્યવસાયિક રીતે પણ આ પરિવારો અન્ય કમ્યુનિટી સાથે ગાઢ રીતે જોડાયેલા છે એટલે આ માહોલમાં એમના સંતાનો હવે આતંરધર્મીય લગ્નો પણ કરતા થયા છે. એમને પ્રેમથી સ્વીકારી પણ લેવાય છે. અન્ય કોમની દીકરી પરણીને એમના ઘરમાં આવે તો પુત્રવધુને યોગ્ય વિધીથી યહુદી ધર્મ અંગીકાર કરવાય છે, જ્યારે કોઇ યહુદી યુવતી પરણીને અન્ય પરિવારમાં જાય તો એ ત્યાંનો ધર્મ સ્વીકારે છે.

(સરીના જેકબ)

સરીના જેકબ કહે છે, ‘અમે બળજબરીથી ધર્માંતરણ કરાવતા નથી. અમે ફક્ત ઘરની અંદર જ યહુદી છીએ અને યહુદી ધર્મના નિયમો પાળીએ છીએ. ઘરની બહાર અમે જ્યાં રહીએ છીએ એ સમાજ સાથે ભળી ચૂક્યા છીએ. અમે અન્ય ધર્મના તહેવારો જેવા કે, દીવાળી, ઉતરાયણ, જન્માષ્ટમી પણ બધાની સાથે ઉજવીએ છીએ.’

એમની જ દીકરીના 1993માં લગ્ન થયા એ સમયનું સરસ ઉદાહરણ એ આપે છે. એમના પતિ રૂબન જેકબ આર્મીમાં અરૂણાચલ પ્રદેશ ખાતે ફરજ પર હતા અને લગ્નના સમયગાળામાં જ કોમી રમખાણો શરૂ થયેલા. ઘણા પરિવારોએ તો લગ્ન મોકૂફ રાખવા પડેલા, પણ હિન્દુ, મુસ્લિમ અને પારસી એમ ત્રણેય કોમના અડોશીપડોશીઓ અને પરિચિતો-મિત્રોએ એમને ખૂબ મદદ કરી. લગ્ન વખતે કોઇ મુશ્કેલી ન પડે એટલે ખડેપગે હાજર રહીને સહકાર આપ્યો.

એક તો યહુદીઓની સંખ્યા ઓછી અને અઘૂરામાં પૂરું 1960 અને 70ના દાયકામાં ભારતમાંથી યહુદીઓ મોટી સંખ્યામાં ઇઝરાયેલ જઇને વસ્યા. આજે પણ આ માઇગ્રેશન ચાલુ જ છે. પ્રો. બેન્સન કહે છે એમ, 1948માં ઇઝરાયેલને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો એ પછી ઇઝરાયેલે દરેક યહુદીને હોમલેન્ડનો અધિકાર આપ્યો છે. અર્થાત, દુનિયામાં ક્યાંય પણ વસતા યહુદીને ઇઝરાયેલ જઇને સ્થાયી થવું હોય તો સરકાર એમને જરૂરી તમામ સવલતો આપે છે. શરૂઆતમાં રહેવા-જમવા સહિતની અમુક વ્યવસ્થા પણ સરકાર તરફથી મળે.

વળી, ધાર્મિક આસ્થાની દ્રષ્ટિએ પણ જેરૂસાલેમ જઇને સેકન્ડ ટેમ્પલની દીવાલે પ્રાર્થના કરવાની દરેક યહુદીની ખ્વાહીશ હોય, જીવનનું અંતિમ ધ્યેય હોય. આ પણ માઇગ્રેશનનું એક કારણ છે. આજે અહીં વસતા મોટાભાગના યહુદી પરિવારોના સ્વજનો ઇઝરાયેલમાં સ્થાયી થયા છે.

(રુબેન ડેવિડ)

પરંતુ જે પરિવારો અહીં જ સ્થાયી થયા એ અદના ભારતીય તરીકે પોતાનું યોગદાન આપવાનું ચૂક્યા નથી. ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકાની સ્થાપનામાં મહત્વનો ફાળો આપનાર રૂબેન ડેવિડને 1975માં ભારત સરકારે પદ્યશ્રીથી સમ્માનેલા. એમના દીકરી એસ્થર ડેવિડ અંગ્રેજી સાહિત્યમાં બહુ જાણીતું નામ છે. એમની નવલકથા બુક ઓફ રચેલને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળી ચૂક્યો છે. બંને દેશોના સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં એ ઘણું સંશોધનાત્મક કામ કરી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ રહી ચૂકેલા ડો. એસ્થર અબ્રાહમ સોલોમનને એમના પ્રદાન માટે પદ્યશ્રી અને બૃહ્દ ગુજરાત સંસ્કૃત પરિષદ તરફથી મહામહોપાધ્યાયની પદવી મળી ચૂકી છે. અમદાવાદમાં જ આઠ સ્કૂલો યહુદીઓ દ્વારા ચલાવાય છે.

એમ તો જાણીતા ફિલ્મ અભિનેતા ડેવિડ અબ્રાહમ (ડેવિડ તરીકે જ વધારે ઓળખાય છે) અને અભિનેત્રી નાદિરા, નૃત્યાંગના લીલા સેમ્પસન પણ યહુદી. નવીદિલ્હીમાં પાર્લામેન્ટ એનેક્સી અને અન્ય સ્ટેટ બંગ્લોઝના બાંધકામની ડીઝાઇનમાં પ્રદાન કરનાર આર્કિટેક્ટ જોશુઆ બેન્જામિન, 1971માં પાકિસ્તાન સામેના યુધ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર લેફ્ટનન્ટ જનરલ જેએફઆર જેકબ (પાછળથી ગોવાના ગવર્નર) મુંબઇના બિઝનેસ ટાયકૂન ડેવિડ સાસૂન… આ બધા યહુદી કોમની જ ભેટ છે.

પોતાના રીત-રીવાજો, ધાર્મિક પરંપરાઓને ઘરમાં બંધબારણે અકબંધ રાખીને આ પ્રજા પારસીઓની જેમ જ ભારતીય બની ચૂકી છે.

વિશ્વપ્રસિધ્ધ કવિ-નાટ્યકાર શેક્સપિયરના એટલા જ પ્રસિધ્ધ નાટક મર્ચન્ટ ઓફ વેનિસમાં શાયલોક નામના જ્યુઇશ વેપારીના પાત્રના મુખે ડાયલોગ આવે છેઃ સફરન્સ ઇઝ ધ બેજ ઓફ અવર ટ્રાઇબ અર્થાત, યાતનાઓ સહન કરવી એ જ અમારો બિલ્લો, અમારી ઓળખ છે.

પરંતુ રશિયા-યુરોપ સહિતના વિશ્વના મોટાભાગના દેશોમાં હિંસાનો શિકાર બનતી આવેલી આ પ્રજા માટે ભારત સૌથી સુરક્ષિત દેશ છે. સેરીના જેકબ સહિત તમામ યહુદી અગ્રણીઓ એકઅવાજે એ સ્વીકારે છે કે, યહુદી પ્રજાને ભારતમાં ક્યારેય કોઇ જાતિ-ધર્મ-ઓળખ આધારિત હિંસાનો સામનો કરવો પડ્યો નથી. ક્યારેય કોઇ કનડગત થઇ નથી. ભારતીયો માટે આ ઓછા ગૌરવની વાત છે?

યહુદીઓ માટે ભારત ખરા અર્થમાં સ્વર્ગ સમાન છે!

ગુજરાતના યહુદીઓ માને છે કે ભારત એમના માટે સૌથી સુરક્ષિત દેશ છે એવી રીતે યહુદી પ્રજા પર સંશોધન કરનારા સંશોધકો પણ આ વાત સ્વીકારે છે. ભારતમાં વસતા જ્યુઝ પર આધારભૂત સંશોધન કરનાર આંતરરાષ્ટ્રીય સ્કોલર અમેરિકાસ્થિત ડો. નાથન કાત્ઝ પણ એમના હમણાં જ પ્રકાશિત થયેલા પુસ્તક જ્યુઝ એન્ડ ઇન્ડિયાઃ મ્યુચ્યુઅલ ઇન્ફ્લુઅન્સ ઓવર ટુ મિલેનિઆ માં લખે છેઃ ભારતના જ્યુઝ એવી જ રીતે જીવ્યા છે, જે રીતે વિશ્વના બધા જ્યુઝ જીવવા જોઇતા હતા. એમને પોતાનો ધર્મ પાળવાની અને નોકરી-બિઝનેસ કરવાની જે સ્વતંત્રતા મળી છે એનાથી એ લોકો યહુદી અને ભારતીય એમ બન્ને સંસ્કૃતિમાં પોતાનું પ્રદાન કરી શક્યા છે. ન નોખો યહુદીવાડો, ન સામુહિક હત્યાઓ, ન મોટાઇ કે ન મહેરબાનીનો ભાવ, ન એમને જૂદા પાડે એવો ક્વોટા કે ન મિશનરીઓ. ભારત એ યહુદીઓ માટે ખરા અર્થમાં સ્વર્ગ સમાન છે. 

(ડો. નાથન કાત્ઝ)

ડો. કાત્ઝ અમેરિકાની ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના માનદ પ્રોફેસર છે અને યુનિવર્સિટીના જ્યુઇશ સ્ટીઝ વિભાગના ડીરેક્ટર રહી ચૂક્યા છે. ચિત્રલેખા સાથેની વિશેષ વાતચીતમાં એ કહે છે, ‘મારા દાદા-દાદી અને સ્વજનો પાસેથી યુરોપમાં જ્યુઝ સાથે કેવો વર્તાવ થયો હતો એની ભયાનક વાતો મેં સાંભળેલી છે. મારી જેમ મોટાભાગના યહુદીઓના મનમાં પેઢીઓથી આ લાગણી સંઘરાયેલી છે. 1984માં હું મારી પત્નિ સાથે કોચીની જ્યુઝને મળવા પહેલીવાર આવ્યો ત્યારે સ્થાનિક યહુદીઓએ મને કહેલી પહેલી વાત એ હતી કે, એન્ટી-સેમિટીઝમ (યહુદી વિરોધી ભાવના) જેવો શબ્દ જ ભારતીયોના શબ્દકોશમાં નથી!’

જો ભારત યહુદીઓ માટે સ્વર્ગ સમાન હતું તો આઝાદી પછીના વર્ષોમાં કેમ મોટાભાગના જ્યુઝ ઇઝરાયેલ સ્થળાંતર કરી ગયા?

જવાબમાં ડો. કાત્ઝ કહે છે, ‘એક તો યહુદીઓની સંખ્યા ઓછી જ હતી અને ઇઝરાયેલમાં નવી તકો ઉભી થશે એ વાત એમને અપીલ કરી ગઇ. બીજું, તત્કાલિન સરકારની આર્થિક નીતિઓ એમના માટે ભાયવહ પૂરવાર થઇ. રજવાડાંઓમાં એમને જે લાભો મળતા હતા એ નવી સરકારમાં છીનવાઇ ગયા. જમીનમાલિકોની જમીન છીવાઇ જવાથી ગરીબીમાં ધકેલાઇ ગયા. અને ત્રીજં, વિશ્વમાં વસતા દરેક યહુદીની ઇઝરાયેલ પરત ફરવાની ઇચ્છા હોય છે એ લાગણીશીલ તત્વ. છેલ્લા વર્ષોમાં, સંખ્યા અત્યંત ઘટી જવાથી યુવાનો માટે યોગ્ય જીવનસાથી શોધવાનું મુશ્કેલ બન્યું છે એ પણ એક કારણ છે.’

યહુદીઓ અને ગુજરાતીઓને જોડે છે આ પારસી સજ્જન!

જાણીને નવાઇ લાગશે, પણ ગુજરાતના વડોદરા શહેર અને ઇઝરાયેલ વચ્ચે એક અનોખો સંબંધ છે. ભારતના કોઇપણ શહેરને ઇઝરાયેલ સાથે હોય એના કરતાં પણ ક્યાંય ગાઢ અને ક્યાંય વિશેષ સંબંધ. એનાથી પણ નવાઇ લાગે એવી વાત એ છે કે, ગુજરાતીઓ અને ઇઝરાયેલીઓ વચ્ચે આવો સંબંધ પ્રસ્થાપિત કરવાના મૂળમાં વડોદરાસ્થિત એક પારસી સજ્જન છે!

(નિકેતન કોન્ટ્રાક્ટર)

આ એ સમયની વાત છે, જ્યારે ભારત અને ઇઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધો પણ નહોતા. 1992માં નરસિંહારાવ સરકાર વખતે બંને દેશ વચ્ચે આ સંબંધો શરૂ થયા એ પહેલાં 1988માં વડોદરાના નિકેતન કોન્ટ્રાક્ટર ઇઝરાયેલના પ્રવાસે ગયેલા. ત્યાંનું કલ્ચર, ત્યાંના લોકો, યહુદીઓનો વ્યવસાય, એમનો હિન્દી સિનેમા પ્રત્યેનો લગાવ એ બધું જોયા પછી વડોદરા આવીને એમણે ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયેલ નામનું ગ્રુપ શરૂ કરીને અહીંથી વિદ્યાર્થીઓને ઇઝરાયેલ મોકલવાનું, એમને શક્ય એટલી મદદ કરવાનું શરૂ કર્યું. ઇઝરાયેલથી આવતા કોન્સ્યુલેટ જનરલ સહિતના મહેમાનો વડોદરામાં આ ગ્રુપની મુલાકાત લેતા શરૂ થયા. શિક્ષણની સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ વધ્યું. રાજ્ય અને કેન્દ્ર સરકારોએ પણ આ ગ્રપની પ્રવૃત્તિઓને પૂરો સહયોગ આપ્યો.

અત્યાર સુધીમાં સોળ વખત ઇઝરાયેલની મુલાકાત લેનાર નિકેતનભાઇ હવે વડોદરામાં જ ઇન્ડો-ઇઝરાયેલ કલ્ચરલ સેન્ટર બનાવી રહ્યા છે. વડોદરામાં આજથી 150 વર્ષ પહેલાં ગાયકવાડ સરકારે યહુદીઓને કબ્રસ્તાન માટે જગ્યા ફાળવેલી, પણ યહુદીઓની સંખ્યા ઘટતી ગઇ એમ આ કબ્રસ્તાનનો ઉપયોગ પણ ઘટતો ગયો. (આજે તો ફક્ત એક યહુદી બહેન સિવાય કોઇ યહુદી વડોદરામાં રહેતા નથી.) વચ્ચે તો કેટલાક તત્વોએ આ મોકાની જગ્યા પચાવી પાડવાની ય હિલચાલ કરી, પણ નિકેતનભાઇએ સજાગતા વાપરીને એ જમીન બચાવી લીધી પરિણામે એ જમીને ફરીથી સરકાર એટલે કે કોર્પોરેશન હસ્તક આવી ગઇ. હવે એ જગ્યા પર નિકેતનભાઇ આ સેન્ટર બનાવી રહ્યા છે.

(કોબ્બી શોશાની)

આ પહેલાં મુંબઇસ્થિત ઇઝરાયેલ કોન્સ્યુલેટના પ્રયાસોથી મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન વિભાગ સાથે જ્યુઇશ રૂટ્સ ઇન ઇન્ડિયાની વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. ચિત્રલેખા સાથેની વાતચીતમાં ઇઝરાયેલના કોન્સ્યુલેટ જનરલ કોબ્બી શોશાની કહે છે, ‘પ્રોફેસર શૌલ સાપિરના પુસ્તક પરથી તૈયાર કરયેલી આ સાઇટમાં યહુદીઓના સિનેગોગ સહિતના મહત્વના મોન્યુમેન્ટસ અને તવારીખ છે. મુંબઇના ઘણા અજાણ્યા સ્થળો છે, જ્યાંથી જ્યુઝ વિશે મહત્વની જાણકારી મળે છે એનો એમાં સમાવેશ છે. વ્યક્તિગત રીતે આ બધું જાણવું એ મારા માટે પણ રોમાંચક છે.’

વડોદરામાં બની રહેલા કલ્ચરલ સેન્ટરમાં પણ કોન્સ્યુલેટ તરફથી પૂરો સહકાર મળનાર છે.

 

(કેતન ત્રિવેદી, અમદાવાદ)

તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ) અને કમલેશ ત્રિવેદી (વડોદરા)