આ કલાકાર વિદેશયાત્રા નહીં, સેવાયાત્રા કરે છે!

ગુજરાતીઓ માટે, ગુજરાતી સાહિત્ય તેમજ હાસ્ય-દરબારના શોખીનો માટે જગદીશ ત્રિવેદી એ નામ સહેજ પણ અજાણ્યું નથી. એક ઉત્તમ કલાકાર અને તેથીય વધુ, એક ઉત્તમ માણસ. 12 ઓકટોબર 2017ના રોજ પોતાના 50માં જન્મદિવસે આ નોખી માટીના કલાકાર જીવે એવી જાહેરાત કરી હતી જે કરતાં કોઈ પણ ધનકુબેર પણ સો વાર વિચારે! 

કેટલાય મહાનુભાવો સહિત આશરે 3000 લોકોની હાજરીમાં જગદીશભાઇએ નિશ્ચય લીધો હતો કે હવે પછી તેઓ જેટલા પણ કાર્યક્રમ કરશે તેની તમામ આવકનું તેઓ જરૂરિયાતમંદ લોકોના શિક્ષણ અને સ્વાસ્થ્યના લાભાર્થે દાન કરશે. કેટલો ક્રાંતિકારી વિચાર! તેમનું આ ભગીરથ કાર્ય છેલ્લા પાંચ વર્ષથી અવિરત ચાલુ છે.

અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જગદીશભાઇ અનેક સરકારી શાળાઓ તેમજ હોસ્પિટલ્સમાં 4 કરોડ કરતાં વધુ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. અહીં જગદીશભાઇની વધુ એક વિશેષતાની નોંધ લેવી રહી કે તેઓ માત્ર સરકારી શાળાઓને જ લાખો રૂપિયાનું દાન આપે છે જેથી તેમની આ સેવા ક્યારેય કોઈનો ‘વ્યવસાય’ ન બને. દર વર્ષે તેઓ આખા વર્ષની આવક અને તેમાંથી લોકોના લાભાર્થે વિવિધ જગ્યાએ કરેલ ખર્ચની તમામ માહિતી એક પુસ્તક સ્વરૂપે પ્રગટ કરે છે જેને તેમણે તેમના આ યજ્ઞ જેટલું જ સુંદર નામ આપ્યું છે: સેવાનું સરવૈયું!

યુએસ કેનેડા પ્રવાસ 2022

જગદીશ ત્રિવેદી અત્યાર સુધીમાં 75 કરતાં વધુ વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે, જે દરમિયાન તેમણે સેંકડો શોઝ આપ્યા છે. હમણાં 1 જૂન 2022 થી 31 ઓગસ્ટ 2022ના 3 મહિનાનો સમય યુએસ-કેનેડામાં જગદીશભાઇના શો યોજાયા હતા. અહીં મહત્વની વાત એ છે કે તેમણે કોઈ વચગાળાના આયોજક દ્વારા એક પણ કાર્યક્રમનું આયોજન નહોતું કર્યું.

આ બંને દેશોમાં સામાન્ય રીતે શનિ-રવિ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે તેથી 90 દિવસ પૈકી તેમની પાસે કાર્યક્રમ કરવા માટે ઘણા ઓછા દિવસો હતા. પરંતુ જગદીશભાઈએ અહીં વિવિધ શહેરોમાં કુલ 41 કાર્યક્રમો કર્યા અને આશરે સવા બે કરોડ જેવી માતબર રકમ મેળવી જે તમામ તેમણે વિવિધ શાળાઓને દાનમાં આપી. 

જગદીશભાઇ તેમની તમામ આવક અને જાવક (અનુદાન અર્થે જ સ્તો!)નો તમામ હિસાબ લોકો સમક્ષ મૂકે છે. અમેરિકા-કેનેડાના આ પ્રવાસ દરમિયાન પણ તેમણે કઈ કઈ જગ્યાએથી કેટલી રકમ મેળવી તેનો એક એક રૂપિયાનો હિસાબ આપ્યો છે.

અમેરિકા પ્રવાસ દરમિયાન અનેક શહેરોમાં તો તેમણે પોતે કોઈ જ રકમ ન લેતા બારોબાર જ કોઈ જરૂરિયાતમંદ શાળાને અમુક રકમ મોકલી આપી હોય તેવું પણ બન્યું છે. અરે, અમેરિકા યાત્રા દરમિયાન મળેલા સવા બે કરોડ પૈકી પોણા બે કરોડ જેટલા રૂપિયા તો તેઓ અમેરિકાથી ભારત આવે તે પહેલા જ જે-તે શાળા-હોસ્પિટલમાં પહોંચી ગયા હતા! 

8 જુલાઇ, 2022ના રોજ શિકાગો ખાતે પોતાના કાર્યક્રમની શરૂઆતમાં જ તેમણે તેમના પ્રેક્ષકોને તેમના સત્કાર્ય વિશે માહિતગાર કર્યા હતા. તે સાંભળીને વતનથી દૂર રહીને વતનનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરતાં અનેક NRIs એ જગદીશભાઇના સેવા-યજ્ઞમાં અનેક અમેરિકન ડોલર્સની લ્હાણી વરસાવી હતી. કાર્યક્રમ દરમિયાન તેમજ કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી પણ અમેરિકામાં વસતા ભારતીયોની દાનની સરવાણી ચાલુ રહી અને જગદીશભાઇની દાનની રકમમાં વધુ 11 લાખ રુની શાળાને સેવા મળી. દેશનો 75મો સ્વતંત્રતા દિવસ તેઓએ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ભૂમિ પર ઉજવ્યો. પરંતુ સુરેન્દ્રનગર ખાતે તેમણે તેમના પત્ની અને પુત્રવધૂના હસ્તે જિલ્લા કલેકટર ઓફિસમાં ભારતીય સેના માટે રૂ પાંચ લાખનું દાન અર્પણ કર્યું હતું. આપણા સૌના ઘરે જ્યારે તિરંગો લહેરાઈ રહ્યો હોય ત્યારે તે તિરંગાની રક્ષા-કાજે દિવસ રાત ખડે પગે રહેતા ભારતીય સૈનિકો માટે પણ કઈક કરવું જોઈએ તેવું જગદીશભાઇનું મંતવ્ય છે.

‘હું માનવી માનવ થાઉં તો ઘણું’  ઉક્તિને સાકાર કરતાં આ હાસ્યકલાકાર તેમના જીવનકાળ દરમિયાન કુલ 11 કરોડ રૂ જેટલું દાન આપવાની મહેચ્છા ધરાવે છે. અને જો આયુષ્ય કે કાર્યક્રમોની માંગ આ સપનું પૂર્ણ થાય તે માટે સાથ ન આપે તો પણ તેની વ્યવસ્થા જગદીશભાઇએ કરી રાખી છે. 

(જેલમ વ્હોરા)