ટેક્સાસની ઘટનામાંથી શું શીખાય?

હમણાં અમેરિકાના ટેક્સાસમાં બનેલી ગન ફાયરિંગની ઘટનાએ ફરી એકવાર આ મુદ્દે અમેરિકા સહિત આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે. રામોસ સેલવેડાર- આ એક નામે ટેક્સાસ અને અમેરિકાના લોકોના દિમાગમાં ભય ભરી દીધો છે.

આ ઘટના અંગે લોકો હવે બધું જ જાણે છે એટલે આપણે અહીં એની વાત નથી કરવી. અમેરિકાના ગન કલ્ચર વિશે પણ અવારનવાર ઘણું બધું લખાતું રહે છે એટલે આપણે એની પણ વાત નથી કરવી.

તમને શું લાગે છે? આ ઘટનામાં કોનો વાંક છે? આ ઘટના માટે ચોક્કસ ફાયરિંગ કરનાર તરુણ-યુવાનનો વાંક છે અને એની સામે કાનૂની દ્રષ્ટિએ જે કાર્યવાહી થાય એ કરવી જ જોઇએ, પણ આવી ઘટનાઓને જો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો ક્યારેક સવાલ થાય છે શું આમાં ફક્ત ને ફક્ત બાળકનો જ વાંક હોય છે? કેટલા બધાં અલગ અલગ પરિબળો જવાબદાર હશે આના માટે?

બાળકનો ઉછેર, એનું બાળપણ, સ્કૂલનું વાતાવરણ, ઘરની આજુબાજુનું વાતાવરણ, બાળકની મનોસ્થિતિ અને તરુણાવસ્થામાં પહોંચતા સુધીમાં તેણે અનુભવેલા મેન્ટલ અને ઈમોશનલ ચઢાવ-ઉતાર કે જેની કદાચ કયારેય નોંધ નહીં લેવાઈ હોય કે કદાચ આપણે નોંધ લેતા જ નથી. અહીં ફાયરિંગ કરનારનો બચાવ કરવાનો આશય નથી કે આ ઘટનાની ગંભીરતા ઓછી કરવાનો પ્રયાસ નથી. ખરેખર તો આ બીજી આવી ક્રાઇમની ઘટનાઓ કરતાંય અનેકગણી વધારે ગંભીર ઘટના છે. કાયદો અને વ્યવસ્થા ઉપરાંત સામાજિક દ્રષ્ટિએ પણ વધારે ગંભીર.

કોઈ બાળક એવું ના હોય જેને નાનપણથી જ લોકોને મારવાનો અથવા કોઈ પ્રકારનું શોષણ કરવાનો શોખ હોય. કોઇ બાળક જન્મથી જ હિંસક ન હોઇ શકે. કોઈ માતાપિતાને પણ એવી ઇચ્છા ન હોય કે મારું બાળક લોકોનું શોષણ કરે, હિંસક બનીને નિર્દોષની હત્યા કરે.

પણ આમ છતાં આવું થયું છે અને થાય છે. અને જ્યારે આવી કોઈ ઘટના ઘટે જેમાં તરુણ વય ના બાળકો જવાબદાર હોય ત્યારે મહત્વનું પરિબળ જે ઘ્યાન દોરે છે એ છે બાળક નો ઉછેર. પેરેન્ટીંગ. બાળકનો ઉછેર કેવા વાતાવરણમાં, કેવા માહોલમાં થાય છે એ બાળકના વર્તન પાછળ મોટો ભાગ ભજવે છે.

એક રિપોર્ટ અનુસાર રામોસના કેસમાં પણ આ એક પરિબળ જવાબદાર છે. ઘરનું તંગ વાતાવરણ. અખબારી અહેવાલો પ્રમાણે, તેમનાં ઘરે વાતાવરણ હંમેશા તંગ રહેતું. માતા અને બાળક વચ્ચે રોજરોજ બૂમાબૂમ ને ઝઘડા થતાં. એ બાળક એટલે કે રામોસ અને એના પિતા વચ્ચે બોલચાલના સંબંધો જ નહોતા. માતા અને બાળકનો ઝઘડો એક સમયે એ હદે પહોંચી ગયો હતો કે તેમનાં ઘરે પોલીસ આવી ગઇ હતી. રામોસ તેની માતાને સતત અપશબ્દો બોલતો. તે પછી રામોસ ઘર છોડીને તેની નાનીના ઘરે રહેવા જતો રહ્યો હતો.

તો જ્યારે સમાજમાં, આપણા દેશમાં હોય કે વિદેશમાં ક્યાંય, આવી ઘટનાઓ ઘટે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવે છે કે બાળઉછેરનું વિજ્ઞાન સમજવું કેટલું મહત્વનું છે. ગર્ભમાંથી શરૂ કરીને બાળકની તરુણાવસ્થા સુધી એનો યોગ્ય ઉછેર કેવી રીતે કરવો જોઇએ એ સમજવું કેટલું અનિવાર્ય છે. બાળકના વિકાસનાં તબક્કાઓ પ્રમાણે જો મનોવૈજ્ઞાનિક રીતે બાળકનો ઉછેર કરવામાં આવે અને બાળકને ઘરમાંથી જ જો પૂરતો પ્રેમ, હુંફ, સહકાર અને સ્વીકૃતિ મળે તો આવા અનપેક્ષિત ગુનાઓ ઉપર ઘણું નિયંત્રણ આવી શકે.

કહેવાનો મતલબ એ છે કે બાળકો સમસ્યા નથી હોતા,  તેમને સમસ્યા હોય છે! બાળકોને સુધારવાની કોશિશ કર્યા કરવા કરતાં તેમને મદદ કરવામાં ઘ્યાન કેન્દ્રિત કરો.

(આશા વઘાસિયા) 

(લેખિકા અમદાવાદસ્થિત જાણીતા પેરેન્ટીંગ કાઉન્સેલર છે. પેરેન્ટીંગ કાઉન્સેલિંગ માટે સેન્ટ ઝેવિયર્સ અને યેલ યુનિવર્સિટીમાંથી સર્ટીફિકેટ મેળવનાર આશાબહેને આ વિષય પર ઘણું રિસર્ચ વર્ક કર્યું છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]