નોટઆઉટ@82: મેકવાન સાહેબ

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા શેઠ શ્રી સી.એન. વિદ્યાલયના હજારો વિદ્યાર્થીઓના જીવન પર રચનાત્મક અસર કરનાર વિદ્યાર્થીઓના પ્રિય મેકવાન સાહેબ એટલે બાળ-સાહિત્યકાર, કવિ, વિવેચક અને વાર્તાકાર શ્રી યોસેફ મેકવાન. બાઇબલના “સામ્સનો” (સ્તોત્રોનો) ગુજરાતીમાં અનુવાદ તે એમનું અનન્ય પ્રદાન, ધર્મ અને ભાષા બંને માટે! પોતાની વાર્તાઓ અને કવિતાઓ માટે અનેક પુરસ્કારો અને ઇનામો જીતનાર આ મહાનુભાવનું જીવન એ જ એમનું કવન!

 

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

બાળ-સાહિત્ય, વાર્તા, કવિતા, વિવેચન, લઘુનવલ, હાસ્યલેખ….. ઘણું બધું ખેડાણ કર્યું. સૌથી વધુ શું ગમે ? બાળકો માટે લખવાનું શરૂ કર્યું અને એ પછી હું લખતો જ ગયો. બધું જ લખવાનું ગમે, જેમાં મજા પડે તે લખવાનું! કંઈ પણ પકડી રાખવામાં હું માનતો નથી. મુંબઈ સમાચાર અને સમભાવમાં કોલમો પણ લખી અને પ્રયોગાત્મક ગ્રુપમાં પણ જોડાયો.

નિવૃત્તિની પ્રવૃત્તિ:

શરૂઆતનાં વર્ષોમાં  રાજકોટની ચર્ચમાં ઘણું કામ કર્યું. ત્યારબાદ ઘણા બધા અનુવાદ કર્યા. વાર્તા લેખન અને બીજું બધું લેખન તો ચાલુ જ છે.

ઉંમરની સાથે કઈ રીતે કદમ મિલાવો છો?  

કોઈ મોટી માંદગી આવી નથી. ત્રણ વર્ષ પહેલાં  હાર્ટ-અટેક આવ્યો હતો. ઘરમાં જ પડી ગયો હતો, પણ પૌત્રી ઘરમાં હતી અને એની સમયસૂચકતાને લીધે હું બચી ગયો. બસ આ એક જ માંદગી આવી છે, બાકી તબિયત ઘણી સારી છે. પુત્ર સાથે રહું છું જેથી  કોઈ તકલીફ પડતી નથી.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?

નવી ટેકનોલોજી એટલે ખાલી કોમ્પ્યુટર વાપરવું?  મારી વાર્તાઓમાં, કલ્પનાઓમાં, સંશોધનોમાં  કશું જ અશક્ય નથી. મારી વાર્તાઓ દ્વારા હું બાળકોને મૌલિક રીતે સ્થાપત્યના  જુદા જુદા પ્રકાર, એન્ટીના, cloud,  વગેરે વિગતે જણાવું છું અને  મારી વાર્તાઓમાં પાત્રો પાસે ઘણી નવી નવી વસ્તુઓ કરાવી છે,  એ પણ એક નવી ટેકનોલોજીની  જ વાત છે ને? બાકી facebook કે whatsapp થી વધારે કંઈ જાણતો નથી.  મારી પૌત્રી દાદાને whatsapp કરતા શીખવાડે છે. ઘરનાં બધાં જ સોશિયલ મીડિયામાં એકદમ એક્ટિવ છે.

નવી ટેકનોલોજીના ફાયદા, ગેરફાયદા અને ભયસ્થાનો :

હું માનું છું કે નવી ટેકનોલોજી એ આપણા હાથમાં રહેલો એટમ બોમ્બ છે! તેનાથી આપણી સંસ્કૃતિ અને સંસ્કારો નાશ પામે છે. નવાં મૂલ્યો વિકસી રહ્યા છે પણ એ નવાં મૂલ્યો કયાં હશે અને આપણો તેની ઉપર કેટલો કાબુ હશે તે કંઈ ખબર નથી.

શું ફેર છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

ત્યારે આપણી પાસે સાધન ન હતાં પણ પૂરતો આનંદ અને સુખ હતાં. ચાર આનાનું શાક લઈને આખું કુટુંબ શાંતિથી ખાતું! શાળામાં બહારની લારીમાંથી બોર, આમલી, બરફનો ગોળો વગેરે ખાઈને આપણે કેટલા ખુશ થઇ જતાં! આજે સુખ નથી પણ સુખનો ઢોળ છે. લોકો પાસે ઘણી ભૌતિક સગવડો છે છતાં માણસ દુઃખી છે. આપણે લારીમાંથી તાજા ફળ ખાતાં હતાં આજે બાળકો વાસી પડીકાં ખાય છે!  સમય પ્રમાણે ભૌતિક વિકાસ થયો છે પણ બીજો માનસિક કે આધ્યાત્મિક વિકાસ દેખાતો નથી.

યાદગાર પ્રસંગ :

૧૯૬૨ની સાલમાં સી.એન.વિદ્યાલયમાં પ્રાર્થના મંદિરમાં ત્રણ દિવસની સાહિત્ય શિબિર યોજાઈ. મોટા મોટા સાહિત્યકારો આવ્યા. છેલ્લે દિવસે ત્રણ વાગ્યાથી નવોદિત કવિઓને પોતાની રજૂઆત કરવાનો મોકો મળ્યો. મેં મારી કવિતા સંભળાવી અને લોકો ખુશ થઈ ગયા! ત્યાં શ્રી ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’ પણ હાજર હતા. મારી કવિતાના કસબે મને સી.એન.વિદ્યાલયમાં શિક્ષક તરીકેની નોકરી અપાવી!

નવી પેઢી સાથે સંકળાયેલા છો?

જૂના વિદ્યાર્થીઓ હજુ યાદ કરે છે. ફોન કરે, મળવા આવે એટલે નવી પેઢી સાથે સંકળાયેલા રહેવાય. પૌત્રી હયા અને તેના મિત્રો સાથે પણ ફાવે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવ્યું પણ ખરું!

આજનાં યુવાનો કેમ દ્રષ્ટિ-હીન લાગે છે?

વાંક એમનો નથી. તેમને બધું સરળતાથી મળી ગયું છે એટલે તેની તેમને કિંમત નથી. તેમને તો એમ જ લાગે છે કે બાપા પાસે તો પહેલેથી જ બધું હતું! અમે ફાનસમાં ભણ્યા અને આજે…. આઝાદીની ઊજવણીનું સરઘસ બાપાએ મને ખભે બેસાડી બતાવ્યું. ઉતરાણમાં રાતે જાગી જાગીને માંજો ઘસતા! આજની મનોરંજનની વ્યાખ્યા જ અલગ છે!

સંદેશો :

હું તો કોણ? પણ હા, સમય અનુસાર રહેવાની સલાહ જરૂર આપીશ. કાલે કદાચ આ સગવડો કે વૈભવ ન પણ હોય તો શોક ન કરવો.

સમય સમય બલવાન હૈ, નહીં પરૂષ બલવાન,                                                                            કાબે અર્જુન લૂંટીઓ, વોહી ધનુષ, વોહી બાણ!

તારા સુઘી આવી શક્યો તે શબ્દની કૃપા!                                                                                      મારા સુધી જ પહોંચવા કરતો મથામણો!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]