નોટ આઉટ @ 93 નવનીતભાઈ ચોક્સી

જીવરાજ હોસ્પિટલ, અંધ-કન્યા ‘પ્રકાશ’ ગૃહ, રાજસ્થાન હોસ્પિટલ, ગુજરાત કેન્સર સોસાયટી, દર્દીઓનું રાહત ફંડ, વિવેક એજ્યુકેશન ટ્રસ્ટ-મણીનગર, ટેક્સટાઇલ ટ્રેડર્સ બેંક જેવી અનેક સેવાભાવી સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય સહકાર આપનાર નવનીતભાઈ ચોક્સીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  નવનીતભાઈનો જન્મ ઉજ્જૈનમાં. અભ્યાસ અને બાળપણ અમદાવાદમાં. ટુટોરીઅલ હાઇસ્કુલ (ખાડિયા)માં શાળાનો અભ્યાસ. એલડી આર્ટસ કોલેજમાંથી એલએલબી ભણ્યા. પોળના પહેલા ગ્રેજ્યુએટ! તેમને બે ભાઈ, ચાર બહેનો. સાંકડી-શેરીમાં સુખી કુટુંબ. દાદાને સોના-ચાંદીની દુકાન. પિતાજી શેરબજારનું કામ કરતા. બાળકો બહાર જઈ કામ કરે એવી પિતાજીની ઈચ્છા. નવનીતભાઈ નોકરી માટે ત્રણ વર્ષ મુંબઈ ગયા અને એક ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું. અમદાવાદ પાછા આવી તેમણે મસ્કતી માર્કેટમાં ધંધો શરૂ કર્યો અને મસ્કતી મહાજનના પ્રેસિડેન્ટ થયા! 40-50 વર્ષ લિડિંગ મર્ચન્ટ તરીકે કામ કર્યું. અમદાવાદ, મુંબઈ, મદ્રાસ, દિલ્હી, કોઇમ્બતુર વગેરે શહેરોમાં એજન્સીઓ કરી. દીકરાઓએ ધંધો વધારી કેમિકલ ફેક્ટરી શરુ કરી. પત્ની રજનીબહેન રોહિત મિલના માલિકની દીકરી, પણ સેવા અને સાદગીમાં માને. તેમણે કુટુંબને સાચવી લીધું અને નવનીતભાઈની કેરિયરમાં ઘણો મોટો ફાળો આપ્યો. તેમને બે દીકરા અને બે પૌત્રીઓ છે. પત્ની 2011માં અવસાન પામ્યાં. પિતાએ આવકના 10% ડોનેશન આપવા કહ્યું હતું, એટલે તેઓ કમાતા થયા ત્યારથી એમણે એક ટ્રસ્ટ બનાવ્યું અને સેવા-કાર્ય શરુ કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠીને નિત્યકાર્ય પતાવી કસરત-પ્રાણાયામ કરે. હવે ચલાતું નથી પણ કસરતમાં નિયમિત. પછી પ્રાર્થના કરે, વાંચન કરે. જમીને થોડોક આરામ કરે. અઢી વાગે ઓફિસે આવે. “બહારનું ખાવું નહીં” તે તેમનો મંત્ર!  રતુભાઈ અદાણીના આગ્રહથી, મધ્યમ-વર્ગના દર્દીઓને પોસાય તેવી જીવરાજ હોસ્પિટલના તેઓ ફાઉન્ડર મેમ્બર બન્યા, અને તન-મન-ધનથી આજ પર્યંત સેવા કરે છે. 30 વર્ષથી અંધ-કન્યા ‘પ્રકાશ’ ગૃહમાં, રાજસ્થાન હોસ્પિટલમાં, ગુજરાત કેન્સર સોસાયટીમાં, દર્દીઓનું રાહત ફંડમાં સેવા આપે છે. સાંજે બહેનોને મળવા જાય, સાથે ચા-નાસ્તો કરે અને તેમનું ધ્યાન રાખે. રોજ સાંજે પુત્ર અને પુત્ર-વધૂ  સાથે બેસે અને અવનવી વાતો કરે. પછી થોડીવાર ટીવીમાં સમાચાર જુએ. ‘કોન  બનેગા કરોડપતિ’ જોવાનું ગમે!

શોખના વિષયો : 

મેગેઝીન વાંચવા ગમે, સંગીત સાંભળવાનું ગમે. સિનેમા જોવાનો શોખ, ધર્મનું વાંચન અને જ્ઞાન ઘણું, પણ મંદિરે જવાને બદલે હોસ્પિટલ અને શાળામાં જવામાં માને!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

દસ-બાર વર્ષ પહેલાં પડી ગયા હતા એટલે નાની સર્જરી કરવી પડી હતી ત્યારથી પગ સાથ આપતા નથી, બાકી તબિયત સારી છે. કોઈ રોગ નથી. રોજ ઓફીસ અવાય છે અને સેવાનાં કામો થાય છે!

યાદગાર પ્રસંગ:  

1942ની લડતના સમયે તેઓ આઝાદીની પત્રિકાઓ શર્ટમાં નાખીને જતા હતા. પોલીસે પકડ્યા અને શર્ટ ખેચ્યું, તો પત્રિકાઓ નીકળી પડી અને પોલીસે ખૂબ માર માર્યો. 1955માં મોટીબહેન સગર્ભાવસ્થામાં વિધવા થયાં. નવનીતભાઈએ યોગ્ય છોકરો શોધ્યો અને અમદાવાદના ચુસ્ત વાતાવરણમાં, મા-બાપના  વિરોધ છતાં, મોટીબહેનના વિધવા-વિવાહ કરાવ્યા. બધાં ભાઈ-બહેનોને સેટ કર્યાં અને આજે પણ તેમનું પૂરતું ધ્યાન રાખે છે.વિવેક એજ્યુકેશન ટ્રસ્ટ-મણીનગરની શાળામાં સાયન્સની લેબના ઉદઘાટનમાં તેઓ જાતે આ ઉંમરે હાજર હતા! 25 વર્ષથી અંધ-કન્યા-શાળાની દીકરીઓનાં સમૂહ-લગ્ન કરાવે છે, તેમને ઘરવખરી અને બીજી સગવડો કરી આપે છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

તેમને કામકાજ માટે ટેકનોલોજીની જરૂર નથી પડી એટલે શીખ્યા નથી, પણ શીખવું ગમે. સ્પીડથી પ્રોગ્રેસ કરવો હોય તો ટેકનોલોજી વગર ચાલે નહીં.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

માણસ પાસે સમય જ નથી. મિત્રો-પાડોશીઓનું શું ધ્યાન રાખે? સમય પ્રમાણે બધું બદલાતું રહે છે, પણ અત્યારે સમય ઘણો ઝડપથી બદલાઈ રહ્યો છે. માણસ સ્વાર્થી બની ગયો છે, કોઈ કોઈને મદદ કરતું નથી. વડીલો જ મદદ કરે નહીં એટલે બાળકો કેવી રીતે શીખે?

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનો અને બાળકો ગમે. પૌત્રીઓ દાદા-દાદીના ખોળામાં જ સુઈ જાય! પૌત્રીઓ દાદા-દાદી પાસે રહી જેથી દીકરો-વહુ આખી દુનિયા ફરી શક્યા. પુત્રવધૂને કામ કરવા ઘણો સપોર્ટ કર્યો જેથી શિલ્પાબહેન સ્પેસીઅલાઈઝ્ડ સિગ્નેચર વોચીઝનું  પ્રખ્યાત બુટીક “હાઉસ ઓફ મેરીગોલ્ડ” શરુ કરી શક્યાં.

સંદેશો :  

આપણે કેટલું ધન જોઈએ? પૈસાની હાય-હાય કરવી નહીં. ભગવાન બધાંને સરખો અવકાશ આપતો નથી, આપણને આપ્યો છે તો સમાજ માટે તેનો ઉપયોગ કરવો. દરેક માણસે પોતાની આવકનો ચોક્કસ ભાગ સમાજસેવામાં આપવો.