નોટ આઉટ@ 92: પદ્માબહેન ભાવસાર

કિશોરાવસ્થા સુધી રંગૂનની જાહોજલાલી ભોગવી ભારત પાછા ફરી વિનોબાજી અને જયપ્રકાશજી સાથે સર્વોદય અને ભૂદાન ચળવળમાં સક્રિય થઈ રોલર-કોસ્ટર જેવી જિંદગી જીવનાર ખાદીધારી પદ્માબેન ભાવસારની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

પિતાજી રંગૂન(બ્રહ્મદેશ)ના પ્રેસિડેન્ટના સેક્રેટરી હતા, ઝવેરીનું કામ પણ કરતા. સુખ-સાહ્યબી ભર્યું જીવન હતું. બ્રહ્મદેશમાં ધમાલના એંધાણ વરતાતાં પિતાજી બાળકોને ભારત(પાટણ) મૂકી ગયા. 14 વર્ષે પાટણ આવી તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને બીએ કર્યું. નાની ઉંમરમાં લગ્ન થયા. લગ્નના એક જ વર્ષમાં બાળક પેટમાં હતું ત્યારે પતિ મેડીકલ સારવારના અભાવે ટાઇફોડમાં અવસાન પામ્યા! પોતાના બાળકને ડોક્ટર બનાવવાનું તેમણે નક્કી કર્યું. અમદાવાદ આવી કુટુંબનાં આઠ બાળકોને તેમણે ભણાવ્યાં! દીકરી એસએસસીમાં હતી ત્યારે સાથે-સાથે અભ્યાસ કરીને  બીએડ કર્યું! દીકરી રશ્મિબેન ભણવામાં હોશિયાર, ડોક્ટર થયાં, જમાઈ પણ ડોક્ટર છે. અત્યારે દીકરી-જમાઈ સાથે સુખેથી રહે છે. પોઝિટિવ વિચારધારા અને ઉત્કૃષ્ટ જીવનશૈલીથી જીવતર દીપાવ્યું!

યુવાનીમાં વિનોબાજી અને જયપ્રકાશજી સાથે ભૂદાન મુવમેન્ટમાં ઘણું કામ કર્યું. આશ્રમમાં રહી પદયાત્રામાં ગામડે ગામડે જતાં. અસારવા શાળામાં નોકરી કરી. પછાત-વર્ગનાં વિદ્યાર્થીઓને પ્રેમથી ભણાવતાં. શિસ્તના ખૂબ આગ્રહી. વિદ્યાર્થીઓ હજુ તેમને કડક પણ પ્રેમાળ શિક્ષક તરીકે યાદ કરે છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

રાતના વહેલા સૂઈ, સવારે વહેલા ઊઠે. વિચારધારા એકદમ પોઝિટિવ છે. વિદ્યાપીઠમાં નિયમિત જતાં. સર્વોદયનું કામકાજ, ગાંધીકથાનું સંપાદન, ગીતા ઉપર પુસ્તકો, સર્વોદય પ્રેસમાં કામકાજ, “ચિનગારી” મેગેઝીન, નારાયણભાઈનાં “મારું જીવન, મારો સંદેશ” (ચાર ભાગ)ના સંપાદનમાં તથા 15 ચોપડીઓના અનુવાદ/સંપાદનમાં કાર્યરત હતાં. ભૂમિપુત્ર માટે પણ બે વર્ષ કામ કર્યું છે.

શોખના વિષયો : 

લેખન અને વાંચન, (હવે આધ્યાત્મિક), યુવાનીમાં ગુજરાતીના બધા જ જાણીતા લેખકો વાંચી લીધેલા! ભજન સાંભળવા ગમે. પિક્ચર જોવાનો શોખ. ફરવાનો શોખ. સિક્કિમ, ચારધામ ફરી આવેલાં. “વર્લ્ડ કોન્ફરન્સ ફોર પીસ”-બેંગકોકમાં ભારતનું  પ્રતિનિધિત્વ કર્યું. નારાયણ દેસાઈની ગાંધીકથાના સંપાદન તથા અન્ય કામમાં મદદ કરવા તેઓ તેમની સાથે નેપાળ ગયાં હતાં.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

હસતાં હસતાં કહે છે કે તબિયત સારી છે! તેમને હાથ-પગમાં થઈને પાંચ ફ્રેક્ચર થયાં છે, ચારવાર હાર્ટ-એટેક આવી ગયો છે, કોરોના પણ થયો હતો! છેલ્લાં બે વર્ષથી તબિયત થોડી બગડી છે, બાકી રોજ રિક્ષા કરી વિદ્યાપીઠ જતાં.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

મોબાઈલ સરસ રીતે વાપરે છે, whatsapp અને facebook ઉપર એકદમ એક્ટિવ છે. દુનિયાના સમાચારો મોબાઇલથી મેળવી લે. પોતાને ગમતાં ભજન અને હનુમાન-ચાલીસા મોબાઈલ ઉપર સાંભળે છે.

યાદગાર પ્રસંગો :

૬૦ વર્ષ પહેલાં, તેઓ વિનોબાજી સાથે આશ્રમમાં તેમની ટુકડીમાં હતાં. ઘેરથી બહેનની  પ્રેગ્નેન્સીનો ફોન આવ્યો. આશ્રમનું કામ મૂકીને તેઓ ઘેર ગયાં. ઘરનું વાતાવરણ જોઈને લાગ્યું કે પાછું આશ્રમ સમયસર જવાશે નહીં. તેમણે વિનોબાજીને વિગતે કાગળ લખ્યો, વિનોબાજીનો વળતો જવાબ આવ્યો કે આ સમય “સ્વધર્મ”  બજાવવાનો છે. તમારી ઘરે વધારે જરૂર છે, માટે ઘેર રહી એ કામ પૂરું કરો!

એકવાર વિનોબાજી સાથેની પદયાત્રામાં પગ સૂજી ગયા. ચલાય નહીં . વિનોબાજીએ અઠવાડિયું આરામ કરવાનું  કહ્યું. તેઓ એક દિવસ આરામ કરી બીજે દિવસે હાજર થઈ ગયાં. વિનોબાજી કહે: મને ખબર જ હતી, તારાથી આરામ થાય જ નહીં!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?  

કોઈપણ જમાનો હોય, મને બધું જ સ્વીકાર્ય છે! મને જૂના જમાનાનું કંઈ નડ્યું નથી. નાની ઉંમરે વિધવા થઈ તો પણ મેં મારું જીવન સરખી રીતે ચલાવ્યું છે! ભણેલા-લોકો ઓછા સંકુચિત વિચારોવાળા હોય છે? ભણીને નવું વિચારે તો સારું, બાકી શું નવો જમાનો?

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

ઘરનાં બાળકો અને સર્વોદયના યુવાન કાર્યકરો સાથે કામ કર્યું છે. ઈમરજન્સીમાં “લોકશાહી બચાવો” માટે સર્વોદય કાર્યકરો સાથે ઘણું કામ કર્યું છે. યુવાનો માર્ગદર્શન મળે તો સારું કામ કરી શકે, પણ માર્ગદર્શન આપનાર કોઈ જોઈએને? અમે યુવાન હતા ત્યારે અમારી પાસે ગાંધીજી, વિનોબાજી, જયપ્રકાશજી જેવા આદર્શો હતા. આજના યુવાનો પાસે પિક્ચરના હીરો આદર્શ તરીકે છે પછી તેઓ કેવું કામ કરે?

સંદેશો :

યુવાનોને હું જગાડી શકતી નથી તો સંદેશો શું આપું? એટલું જરૂર કહીશ કે સ્વાર્થને બદલે પરમાર્થ કરજો, સ્વાર્થ કરો તો કુંડાળું મોટું કરજો! બીજાનો વિચાર કરજો! કોઈ દેશ માટે વિચારતું નથી. સમાજમાં શાંતિ માટે કામ કરજો.