નોટ આઉટ @85: રજનીકુમાર પંડયા

રાષ્ટ્રીયકૃત બેંક-મેનેજરની સારા પગારની નોકરી છોડી પૂર્ણ-સમયના પત્રકાર-સાહિત્યકાર થઈ, ૫૦ વર્ષની લેખન-યાત્રાથી જેમણે ગુજરાતી સાહિત્ય-જગતને ૭૦થી વધુ પુસ્તકો આપ્યાં તેવા રજનીકુમાર પંડ્યાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

બાળપણ બીલખામાં રજવાડી સ્ટાઈલમાં! પિતાજી બીલખા સ્ટેટના સગીર-રાજવી વતી કારભાર સંભાળતા એટલે રજવાડી જાહોજલાલી હતી! દેશી-રાજ્યોના વિલીનીકરણ પછી જાહોજલાલી આથમી. પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ ઢસા અને જેતપુરમાં. આગળનો અભ્યાસ (BA, B.Com.) ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં. માતા તે જમાનામાં પણ શિક્ષિત હતાં એટલે વાંચન-લેખનનો શોખ બાળપણથી. ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર, હરિઓમ આશ્રમ, દૈનિક અખબાર સંઘ, Statesman અખબાર, કોલકાતા  અને બીજી સંસ્થાઓના અનેક પુરસ્કારોથી તેમનાં વાર્તાસંગ્રહો, નવલકથાઓ, જીવનચિત્રો, વિવેચનો, ફિલ્મ-વિષયક-પુસ્તકો, સંપાદન-સંકલન વગેરે શોભે છે. અનેક જીવન ચરિત્રો, મેધદૂત ,શાકુંતલ અને પ્રકૃતિ જેવાના ડીજીટાઇઝેશન,હિંદી અંગ્રેજી, મરાઠી, સિંધી ભાષાઓમાં તેમનાં પુસ્તકોના અનુવાદ થયા છે. ટીવી, ફિલ્મ, ઓડીયો-બુક્સ જેવાં માધ્યમો પર તેમનાં પુસ્તકો ધૂમ મચાવે છે! પત્ની તરુલતાબહેન દવે સારા વાર્તાકાર હતાં. (2016માં અવસાન). અત્યારે દીકરી તર્જની અને દોહિત્રી તેમની સાથે રહે છે.

એક કુંવારી માતાના પુત્રને સ્વીડનમાંથી શોધી આપ્યો તે ઘટના પરની ‘કુંતિ’ નવલકથા પરથી હિંદીમાં રાષ્ટ્રીયદૂરદર્શન પર બે ધારાવાહિકો નિર્મિત થઈ. નિમંત્રણથી અમેરિકા જઈને ત્યાં વાસ્તવિકપાત્રો જોડે રહીને ઇન્ડો-અમેરિકન નવલકથા ‘પુષ્પદાહ’ લખી જેના ઉપરથી હાલ હિંદી સિરીયલ બને છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

નિવૃત્તિ જોઈતી જ નથી! સતત વાંચન-લેખન અને સંગીતમાં જ સમય વ્યતિત થાય છે. ઉપરાંત દેશવિદેશના વાચકો સાથે સતત સંવાદ..

શોખના વિષયો :

“વાંચન-લેખન અને ફિલ્મી-સંગીત મારા શોખના વિષયો. ફિલ્મી-સંગીતનો સુવર્ણ-કાળ અને મારી યુવાની સાથે-સાથે, એટલે ફિલ્મી-સંગીતને મેં ભરપૂર માણ્યું છે. ફિલ્મના દિગ્દર્શન, ડાયરેક્શન અને વિવેચનમાં રસ પડે. મને માણસના મનને જાણવામાં વધારે રસ છે, તેના આંતરિક મનોભાવો, મનના પ્રવાહો, વિરોધાભાસો જાણવામાં મને રસ પડે છે.”

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત બહુ સરસ છે. ૮૫ વર્ષે હોય તેવી સામાન્ય બીમારીઓ છે, નોર્મલ ડાયાબિટીસ છે. પ્રોસ્ટેટનું અને પગનાં ઓપરેશન થયાં છે. યોગ-પ્રાણાયામ-કસરત જેવું કંઈ કરતા નથી. અત્યારે પણ જાતે ગાડી ચલાવી રાજકોટ જઈ શકે છે!

યાદગાર પ્રસંગ, તેમના શબ્દોમાં:

“જાણીતા નવલકથાકાર મોહમ્મદ માંકડને હું ગુરુ માનતો. મારા લેખન માટે તેમને સારો અભિપ્રાય. 1980માં સંદેશ માટે કોલમ આપવા તેમણે મને આગ્રહ કર્યો. આળસને લીધે હું વાતને ટાળતો રહ્યો. તેમણે જીદ કરીને મારી પાસે “ઝબકાર” કોલમ માટે ‘હા’ પડાવી, દસ દિવસની મોહલત આપી. બેન્કના કામકાજમાં મને એકે અક્ષર સૂઝે નહીં! એવા સમયમાં શ્રમજીવી-વર્ગની વસાહતમાં, વેપારી શિવલાલ તન્નાને ત્યાં જવાનું થયું. ગોદામમાં ચોતરફ ફેલાયેલ માલ-સામાનની  ગૂણિયોમાંથી એક પીળી ચમકતી વસ્તુ દેખાઈ. શિવલાલે આપવીતી કહી. ગુજરાતી ફિલ્મ બનાવવાનો તેમને ચસકો ચડ્યો હતો. પત્નીના દાગીના ગીરવે મૂકી, પીઢ અભિનેતાઓ અને અસલી ભવાઈ કલાકારો લઈ તેમણે ફિલ્મ “બહુરૂપી” બનાવી. ચલ-ચિત્ર આફલાતૂન બન્યું, ભરપૂર પ્રશંસા મળી, ઘણા એવોર્ડ મળ્યા પણ ટીકીટ-બારી ઉપર ફિલ્મ બિલકુલ ચાલી નહીં. શિવલાલ દેવાના ખાડામાં ઊતરી ગયા! મને મારો મસાલો મળી ગયો! શિવલાલની  સ્ટોરી પરથી લખાયો “ઝબકાર” કોલમનો પહેલો પીસ! ધીમે-ધીમે લેખન-સફર શરૂ થઈ. સામગ્રી મળતી ગઈ, હું લખતો રહ્યો. મારામાંનો “કુદરતી-બક્ષિસવાળો” વાર્તાકાર જાગી ગયો. સંદેશની “ઝબકાર” કટાર ખૂબ લોકપ્રિય થઈ, રેડિયો-નાટ્ય-રૂપાંતર થયું, શ્રેણીનું પુસ્તક પ્રકાશિત થયું. મારા લેખમાં ગતિ આવી. સંદેશના તંત્રી ચીમનભાઈ પટેલે મારી પાસે નવલકથા માગી. એક વાચકબહેનની વ્યથા ઉપરથી જિંદગીની પહેલી નવલકથા “કોઈ પૂછે તો કહેજો” લખી, જેને સારો આવકાર મળ્યો.”

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?

ટેકનોલોજીના ઉપયોગથી ઘણું બધું લખી શક્યા છે. ટેકનોલોજી માટે પોઝિટીવ છે, પણ ટેકનોલોજી ક્યારેક દગો દઈ દે! તેમનાં પુસ્તકો અલગ-અલગ માધ્યમો પર ઉપલબ્ધ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની અંગતતાનો ભાવ ઓસરી રહ્યો છે. માણસ સ્વકેન્દ્રી બનતો જાય છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

આજના યુવાનોમાં ઊંડાણ નથી. અપવાદરૂપ કિસ્સા બાદ કરતાં જિંદગીનું દર્શન બહુ ઓછા યુવાનો પાસે હોય છે. કદાચ તેમને ડિસ્ટ્રેક્ટ કરનાર અનેક માધ્યમો હાજર છે જેનાથી તેઓ ધ્યાનભંગ થાય છે.

સંદેશો :

પોઝિટીવ થાઓ પણ એટલા બધા પોઝિટીવ નહીં કે લોકો તમને છેતરી જાય! બીજું, સારું વાંચન રાખો, WhattsApp સિવાય પણ ઘણું વાંચવાનું છે!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]