ક્રિસમસની ઉજવણી વખતે દેખાતા પ્રતીકો

ક્રિસમસનો તહેવાર વિશ્વભરમાં ઉજવાય છે એટલે એની ઉજવણીથી આપણે પરિચિત છીએ, પણ આ ઉજવણી દરમ્યાન જોવા મળતાં વિવિધ પ્રતીકો વિશે બહુ ઓછા લોકો જાણે છે! ગધેડો હોય, રેડ બ્રેસ્ટેડ રોબિન હોય કે માર્ગ ચીંધતો નકશો, આ તમામ પ્રતીકોનું ક્રિસમસની ઉજવણીમાં એક મહત્વ છે. આવો, આ પ્રતીકોના મહત્વને સમજીએ…

ગધેડો

આપણી સસ્કૃતિમાં ગધેડાની ગણતરી એક ગમાર, અક્કલ વગરના પ્રાણી તરીકે કરવામાં આવે છે, જ્યારે ગાયને કૃષ્ણની પ્રિય અને આપણને દૂધ પૂરું પાડનાર પવિત્ર પ્રાણી તરીકે પૂજવામાં આવે છે઼. પણ ક્રિશ્ચિયન ધર્મમાં ગધેડાને આપણી ગાયની જેમ એક નમ્ર અને કહ્યાગરો જાનવર માનવામાં આવે છે. પણ એ સાથે એની પ્રિયતા માટેનાં બીજાં પણ કારણો છે.

ક્રિસમસની ઉજવણી તરીકે જ્યારે બાળકો સ્કૂલમાં ‘નેટિવિટી પ્લેય’માં ભાગ લઈ રહ્યાં હોય છે, ત્યારે તેમાં આપણને ક્યારેક ગધેડો જોવા મળે છે. આનું કારણ એ છે કે જોસેફ સગર્ભા મેરીને ગધેડા પર બેસાડીને ૭૦ થી ૯૦ માઈલનો રસ્તો ઓળંગી બેથ્લીહમ પહોંચ્યા હતા. રોમન એમ્પરરે કરેલા હુકમને લીધે વસ્તી ગણતરી માટે દરેક જણે પોતાના વતનમાં પહોંચી જવાનું હતું. ત્યારે જોસેફ અને મેરી નઝરથ નામના ડુંગરાળ ગામમાં રહેતાં હતાં. ત્યાંથી મેરી ૯ મહિનાની સગર્ભા હોવા છતાં ય તેમને જોસેફના વતન બેથ્લીહમ જવું પડ્યું હતું. તે યુગલે જંગલી જાનવરોવાળો જોર્ડન નદીનો સપાટ પણ જંગલથી છવાયેલો વિસ્તાર પસાર કર્યો હશે; જુડાહના રણમાં દિવસે ૩૦ સેન્ટિગ્રેડનો સખત તાપ અનુભવ્યો હશે અને રણમાં રાત્રે પડતી કડકડતી ઠંડી પણ ભોગવી હશે ; ઉપરાંત ચોરલૂંટારાનો ઉપદ્વવ પણ ખમ્યો હશે.

આટલી લાંબી અને કઠીન મુસાફરી માટે આ યુગલ માટે એક રાહત હતી તે હતો તેમનો ગધેડો. મેરીના વજન ઉપરાંત તેણે પહેરેલાં જાડાં ગરમ કપડાંનું વજન પણ કંઈ ઓછું નહીં હોય. વળી સ્થળાંતર કરવામાં ઘરવખરીની વસ્તુઓ તેમજ રસ્તામાં ખાવાપીવાની વસ્તુઓ પણ એમણે લીધી જ હશે ને? આ બધું વજન ગધેડાએ ચૂં કે ચાં કર્યા વિના ઊંચકીને આ યુગલને સહિસલામત તેમનાં મુકામે પહોંચાડ્યાં.

જોસેફ અને મેરીએ કરેલી મુસાફરીનો માર્ગ બતાડતો નકશો

વળી, બીજી માન્યતા પ્રમાણે જીસસને જ્યારે ક્રોસ પર ચડાવવા માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે પહેલાં તેમને ગધેડા પર બેસાડ્યા હતા. ક્રોસ નજીક આવતાં તેમને ગધેડા પરથી નીચે ઊતરી ચાલવાનું હતું. તેમણે ગધેડાને ઈશારો કર્યો કે એ પાછો વળે, પણ આ નમ્ર પ્રાણી એના માલિકને મૂકવા નહોતો માગતો એટલે એ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો, અને જ્યારે જીસસને ક્રોસ પર ચડાવી દેવામાં આવ્યા ત્યારે જ એ પાછો વળ્યો અને જીસસના ક્રોસનો પડછાયો એની પીઠ પર પડ્યો.

અને ત્યારથી એવું મનાય છે કે ન્યુબિયન ગધેડાની પીઠ પર ક્રોસની નિશાની છે.

ડોગવુડ ફલાવર

એવું મનાય છે કે એક સમયે ડોગવુડનું વૃક્ષ ઑકના વૃક્ષ જેવડું મોટું પડછંદ હતું અને તેનું મજબૂત લાકડું કૃસિફિકેશના ક્રોસ બનાવવા માટે વાપરવામાં આવતું. ઈશ્વરે એને એવો શ્રાપ આપ્યો કે જીસસના કૃસિફિકેશન બાદ એનું કદ નાનું બની જશે અને એનું લાકડું ક્યારે ય પણ ક્રોસ બનાવવા માટે વપરાશે નહીં. પણ સાથેસાથે એવું વરદાન પણ આપ્યું કે એનું ફૂલ પૂજાશે.

ચિત્રમાં જોઈ શકાય છે કે આ ફૂલને ક્રોસની જેમ ચાર પાંખડી છે – બે ટૂંકી, અને બે જરા લાંબી. વચ્ચે જે ગુથ્થ છે એ જીસસને પહેરાવેલા કાંટાના મુગટનું પ્રતીક છે. ચાર ખૂણે પાંખડીમાં જે અર્ધાકારો દેખાય છે તે છે જીસસના હાથમાં, પગમાં અને માથામાં ઠોકેલા ખીલાનું પ્રતિક છે. ક્યારેક આ ફૂલમાં રતાશ હોય છે, જે જીસસના હાથમાંથી વહેતાં લોહીનું પ્રતીક છે.

આ ફૂલને ક્રિશ્ચિયાનિટિનાં ગુણોથી પણ નવાજવામાં આવ્યું છે. નાજુક દેખાતું હોવા છતાં એની પાંખડી મજબૂત છે – એ છે એનું સ્થાયિત્ય. એનાં બીજાં ગુણોમાં શામિલ છે – પ્રેમ, નિર્મળતા, પુન:જન્મ અને શક્તિ. એ જીસસના કૃસિફિકેશન પહેલાં ઈસ્ટર દરમિયાન પૂરબહારમાં ખીલે છે.

રેડ બ્રેસ્ટેડ રોબિન

ક્રિશ્ચિયાનિટિમાં મનાય છે કે જ્યારે જીસસનો જન્મ થઈ રહ્યો હતો ત્યારે જોસેફે ગરમાવા માટે સળગાવેલી તાપણી ઠરી જતી હતી. એને સળગેલી રાખવા માટે રોબિન પક્ષીએ તાપણીની આજુબાજુ ઊડી પોતાની પાંખો ફડફડાવીને તેને સળગતી રાખી, પણ એમ કરતાં તાપણીમાંથી ઊડતાં તણખાંથી એની છાતી બળવા લાગી અને તેથી ત્યાં લાલ ડાઘ પડી ગયો.

એવું પણ મનાય છે કે ક્રોસ પર ટીંગાતા જીસસની પીડાને હલકી કરવા રોબિન ક્રોસ પર બેસી કલરવ કરતો, ત્યારે તેની છાતી પર જીસસનાં લોહીનાં છાંટાં પડ્યાં, જેથી એની છાતી લાલ થઈ ગઈ.

બીજી માન્યતા એ પણ છે કે રાણી વિક્ટોરિયાના સમયથી ક્રિસ્મસ કાર્ડ્સ મોકલવાની પ્રથા શરૂ થઈ અને કાર્ડ લઈ આવનારા પોસ્ટમેન લાલ યુનિફોર્મ પહેરતા (હજુ પણ પહેરે છે) એટલે એમને ‘રેડ રોબિન’નું ઉપનામ અપાયું અને ત્યાર પછી ક્રિસ્મસ કાર્ડ્સ પર રોબિન છપાવા લાગ્યું.

એડવન્ટ [આગમન]

દિવાળીના આગમન પહેલાં આપણે જે બીજા દિવસોને ઊજવીએ છીએ તેમ જીસસના જન્મની વાટ જોતાં ક્રિસમસ પહેલાંના ચાર રવિવાર એડવન્ટ તરીકે ઊજવાય છે. દરેક રવિવારે એક મીણબતી સળગાવવામાં આવે છે અને મિઠાઈ ખવાય છે.

પણ વ્યાપારીકરણને લીધે, હવે બાળકોને એડવન્ટ કેલેન્ડર આપવામાં આવે છે. કેલેન્ડરમાં બારીઓ હોય જે દરરોજ એકએક ખોલીને એમાં મૂકેલી ચોકલેટ કે નાનું રમકડું બાળકને મળે છે જેથી એ આનંદ માણે છે. આપણા મસાલાના લકડિયાની જેમ પહેલાંના જમાનામાં ગરીબ લોકો પચીસ ખાનાંવાળું લાકડાનું કેલેન્ડર બનાવતાં, જેમાં એમને પોસાતી નાનીનાની ભેટો બાળકો માટે મૂકતાં. વળી એ કેલેન્ડર ફરી ફરી ઉપયોગમાં લઈ શકાતું.

Wreath – રીથ

આ પ્રકારની ફૂલો, સૂકી મોસંબી, તજ, સૂકી ‘બેરીઝ’ અને લીલાં પાંદડાં વગેરે સામગ્રીથી બનાવેલી ગોઠવણીને ‘રીથ’ કહેવાય છે.

આવી ફૂલોથી બનાવેલી ‘રીથ’ મૃત્યુ પામેલી વ્યક્તિના ‘કોફિન’ પર પણ મૂકાય છે. ક્રિસમસ સમયે આવી ‘રીથ’ લોકો પોતાના ઘરના બારણે લટકાવે છે. એ ‘રીથ’ જીસસના માથે મૂકેલ કાંટાળા મુગટનું પ્રતિક છે. પણ આ તો આનંદનો પ્રસંગ છે એટલે એમાં ફૂલ અને ફળનાં રંગો અને તજ અને ‘એનિસ સ્ટાર’ વગેરે જેવા સૂકા પદાર્થોની સુગંધ ભેળવવામાં આવે છે. વળી બારમાસી સદાય લીલાં વૃક્ષોનાં પાંદડાં અને ‘રીથ’નો ગોળાકાર જીસસનો આત્મા અમર છે તેની યાદ દેવડાવે છે. રંગોળીની જેમ કુટુંબીજનો અને મિત્રોને આવકારતું બારણાને શોભાવતું પ્રતીક પણ છે.

ક્રિસમસ ટ્રી

ક્રિશ્ચિયાનિટીના આગમન પહેલાં પૂર્વ અને ઉત્તર યુરોપમાં ઉતરાણની શરૂઆતથી વૃક્ષોની વધુ લાંબી થઈ ગયેલી ડાળીઓ કાપી નાખી એમને શોભામણાં કુદરતી પદાર્થોથી શણગારી ઘરમાં મૂકવામાં આવતી. આ પ્રથા ક્રિસમસમાં જળવાઈ. એવું પણ મનાય છે કે પાઈનના વૃક્ષનો ત્રિકોણાત્મક આકાર એ ક્રિશ્ચિયન ધર્મમાં મનાતા ‘ટ્રિનિટિ’નું પ્રતીક છે – ‘ધ ફાધર, સન એન્ડ ધ હોલી ગોશ્ટ’.

(ભદ્રા વડગામા, લંડન)