વન આઇડિયા કેન ચેન્જ યોર લાઇફ- આઇડિયા મોબાઇલના એડ કેમ્પેઇનની આ ટેગલાઇન યાદ છે ને? બસ, જે રીતે એક સારો આઇડિયા આપણી જિંદગી બદલી શકે છે એ જ રીતે એક સારો વિચાર, એક સારી શોધ આખાય વિશ્વને બદલી શકે, રાઇટ?
આ વાત આજે યાદ કરવાનું કારણ એ છે કે, આ નોબલ વિચાર જેના પાયામાં છે એ વિશ્વપ્રસિધ્ધ નોબેલ પુરસ્કાર અર્પણ કરવાનો દિવસ છે આજે. દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ દુનિયા આખીની નજર સ્વીડનના પાટનગર સ્ટોકહોમના જગપ્રસિધ્ધ કોન્સર્ટ હોલ પર હોય છે, કેમ કે અહીં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, સાહિત્ય અને અર્થશાસ્ત્રના બ્રિલિઅન્ટ માઇન્ડ્સને નોબેલથી નવાજવામાં આવે છે. જેના પર બધાની વિશેષ નજર હોય છે એ શાંતિનું નોબેલ પ્રાઇઝ, આ જ દિવસે, નોર્વેના પાટનગર ઓસ્લોમાં અપાય છે. આ પારિતોષિક વિજેતાઓ બ્રિલિઅન્ટ માઇન્ડ્સ એટલા માટે છે કે, એમના વિચારમાં અને એમણે કરેલી શોધમાં દુનિયાને બદલી નાખવાની તાકાત હોય છે.
(સ્ટોકહોમમાં આવેલું નોબેલ મ્યુઝીયમ)
બહુ રોમાંચક છે આ નોબેલ પારિતોષિકની દુનિયા. ક્યારેક એમાં ડોકિયું કરવાનું મન થાય અને તક મળે તો સ્ટોકહોમમાં ગમલા સ્ટાન તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા નોબેલ મ્યુઝીયમની મુલાકાત જરૂર લેજો. આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વિન્સ્ટન ચર્ચિલ, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, વી. એસ. નાઇપોલ કે અમર્ત્ય સેન જેવા પ્રજ્ઞાવાનોએ માનવજાતના કલ્યાણમાં શું યોગદાન આપ્યું છે એની માહિતી ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મમાં અહીં અદભૂત રીતે પ્રદર્શિત કરાઇ છે. સ્ટોકહોમમાં બેઠાં બેઠાં કવિવર ટાગોરના શાંતિનિકેતનની ઝાંખી અહીં જોવા મળે, તો માર્ટીન લ્યુથર કિંગ જુનિયર શું કામ આ પારિતોષિકથી નવાજાયા એનો ય ખ્યાલ આવે.
(જ્યાં નોબેલ પારિતોષિક આપવાનો સમારોહ યોજાય છે એ સ્ટોકહોમનો કોન્સર્ટ હોલ)
આપણે ત્યાં મ્યુઝીયમો ફરવાના અને મનોરંજનના સ્થળથી વિશેષ નથી, પણ યુરોપમાં મ્યુઝીયમોનું વિશેષ મહત્વ છે. ઇતિહાસના જીવંત મંદિરો મનાય છે મ્યુઝીયમો.
(નોબેલ મ્યુઝીયમમાં નોબેલ વિજેતાઓ)
122 વર્ષ પહેલાં, 1901માં આ પારિતોષિક આપવાની શરૂઆત થઇ ત્યારથી લઇને 2023 સુધીમાં 1000 વિજેતાઓને 621 પ્રાઇઝ આપવામાં આવ્યા છે (એક જ પ્રાઇઝના બે કે ત્રણ વિજેતા હોઇ શકે છે), જેમાં સૌથી વધુ ફિઝીક્સમાં 117 અને સૌથી ઓછા અર્થશાસ્ત્રમાં 55 પ્રાઇઝનો સમાવેશ થાય છે. અર્થશાસ્ત્રમાં ઓછી સંખ્યા હોવાનું કારણ એ છે કે, એ આપવાની શરૂઆત બહુ મોડેથી, 1968માં, થઇ હતી. પહેલા અને બીજા વિશ્વયુધ્ધના વર્ષો ઉપરાંત કુલ 49 વખત આ પારિતોષિકો કોઇને અપાયા નથી, તો અત્યાર સુધીના કુલ 1000 વિજેતાઓમાં મહિલાઓનો આંક 65 છે.
(દરેક નોબેલ વિજેતાઓની માહિતી તમે આંગળીના એક ટચથી મેળવી શકો)
હા, એવું નથી કે પારિતોષિક સ્વીકારવાનો ઇન્કાર કરવાનો ઇજારો ફક્ત ગુજરાતી સાહિત્યકારો પાસે જ છે. 1964માં વિખ્યાત ફ્રેન્ચ ફિલોસોફર જ્યોં પોલ સાત્રએ સાહિત્યનું નોબેલ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. એમાં નોબેલનો વિરોધ નહોતો, પણ સાત્ર પોતે ક્યારેય કોઇ પારિતોષિક સ્વીકારતા જ નહોતા. 1993માં અમેરિકા-વિયેતનામ વચ્ચેની સંધિમાં મહત્વની ભૂમિકા માટે વિયેતનામના ડિપ્લોમેટ લી ડક થાઓએ પણ આ પારિતોષિક વિયેટનામની સ્થિતિને આગળ ધરીને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધેલો. આ પારિતોષિક એમને અમેરિકન વિદેશમંત્રી (જેમનું હમણાં જ મૃત્યુ થયું) હેન્રી કિસિન્જર સાથે સંયુક્તપણે આપવાની જાહેરાત થયેલી.
(મ્યુઝીયમમાં આવેલી સુવેનિયર શોપ)
આવી ઘણી માહિતીઓનો ખજાનો છે આ મ્યુઝીયમમાં. એક જમાનામાં વિયેનાનું જે કાફે બૌધિકોના મિટીંગ પ્લેસ માટે પ્રખ્યાત હતું એની રેપિલ્કા જેવું બિસ્ટ્રો રેસ્ટોરાં પણ અહીં છે, જ્યાં બેસીને તમે બૌધિકોની વચ્ચે બેસવાની ‘ફીલ’ લઇ શકો છો! નોબેલ પારિતોષિક જીતનારાઓના કામ પર સંશોધનની સાથે સાથે એમના લેક્ચર્સ પણ ગોઠવાય છે. એમની અવરજવર સતત ચાલુ રહેવાના લીધે મ્યુઝીયમમાં નોબેલનું વિશ્વ જીવંત રહે છે.
(મ્યુઝીયમમાં પ્રદર્શિત થઇ રહેલી શાંતિનિકેતન પરની ટચૂકડી ફિલ્મ)
વ્યક્તિગત સર્જનાત્મકતા કે આસપાસનો પરિવેશ એ બેમાંથી શું તમારી સર્જનાત્મકતાને વિકસાવી શકે? નોબેલ મ્યુઝીયમની થીમમાં પાયાનો પ્રશ્ન આ છે. મ્યુઝીયમમાંથી તમને એનો રેડીમેડ જવાબ નથી મળતો, પણ આ થીમને ફિનીશ આર્ટીસ્ટ હેલેના હિયેતનેને બનાવેલા ફાઇબરના શિલ્પમાં બહુ સરસ રીતે વર્ણવાઇ છે. નેટવર્ક નામનું આ આર્ટપીસ જાણે આખાય મ્યુઝીયમને વૈચારિક રીતે આપણી સમક્ષ ઉઘાડતું હોય એમ લાગે.
(આલ્ફ્રેડ નોબેલ)
અને, આ બધાના પાયામાં છે એ સ્વીડીશ બિઝનેસમેન આલ્ફ્રેડ નોબેલ, જેમણે 27 નવેમ્બર, 1895ના રોજ પોતાનું વસિયતનામું બનાવીને 315 મિલિયન સ્વીડીશ ક્રોન આ પ્રવૃત્તિ માટે આપવાનું નક્કી કરેલું. એમના જીવનકવન પર અલાયદો વિભાગ છે આ મ્યુઝીયમમાં.
ઘણા લોકો તો એ વાતને જ આઇરની માને છે કે, ડાયનામાઇટની શોધ કરનાર અને શસ્ત્રોનો વેપાર કરનારની કમાણીમાંથી શાંતિનું પારિતોષિક અપાય છે!
પરંતુ આ વાતે એમની ટીકા કરનારા એ ભૂલી જાય છે કે, 1896માં આલ્ફ્રેડ નોબેલ મૃત્યુ પામ્યા ત્યારે એમની પાસે ડાયનેમાઇટ ઉપરાંત બીજી 354 શોધની પેટન્ટ હતી. ડાયનેમાઇટના અખતરા કરતાં કરતાં જ થયેલા ધડાકામાં એમના નાનાભાઇનું મૃત્યુ થયેલું. એ જ ડાયનેમાઇટે ટનલ ખોદવાથી માંડીને એન્જિનિયરિંગના અનેક કામો આસાન કરી આપ્યા. કેમેસ્ટ્રી અને ફિઝીક્સ ઉપરાંત સાહિત્ય એમના રસનો વિષય હતો. ફક્ત સત્તર વર્ષની વયે એ સ્વીડીશ ઉપરાંત રશિયન, ફ્રેન્ચ, અંગ્રેજી અને જર્મન ભાષા કડકડાટ લખી-બોલી શકતા. એક સમયે 20 દેશમાં 90 સ્થળે ફેક્ટરીઓ ધરાવનાર આ બિઝનેસમેનનો જન્મ સ્વીડનમાં થયો, બાળપણ રશિયામાં વીત્યું, રહ્યા પેરિસમાં અને મૃત્યુ ઇટાલીમાં થયું.
આલ્ફ્રેડ નોબેલ પરણ્યા નહોતા, પણ કહે છે કે એમને રશિયન યુવતી એલેક્ઝાન્ડ્રા, થોડોક સમય એમની સેક્રેટરી તરીકે કામ કરનાર ઓસ્ટ્રિયન યુવતી બર્થા (કે બેર્થા) કિન્સ્કી અને વિયેનાની ફ્લાવર શોપમાં કામ કરતી સોફિયા હેસ સાથે પ્રેમ થયેલો. એમાંથી બૌધ્ધિક રીતે એ બર્થાથી સૌથી વધુ નજીક હતા. બર્થા ટૂંક સમયમાં જ સેક્રેટરીની નોકરી છોડીને પોતાના જૂના પ્રેમીને પરણી ગઇ, પણ આલ્ફેડ મૃત્યુ પામ્યા ત્યાં સુધી બંને વચ્ચે આત્મીય પત્રવ્યવહાર ચાલુ રહ્યો.
એમની જીવનકથા લખનારા માને છે કે, શાંતિના ક્ષેત્રે કામ કરનારાને પારિતોષિક આપવાનો વિચાર એમના મનમાં બર્થા કિન્સ્કીના કારણે જ આવેલો. બર્થા પોતે પણ પાછળથી શાંતિના ક્ષેત્રે કામ કરતી હતી. એમનું એક પુસ્તક લે ડાઉન યોર આર્મ્સ પણ ખૂબ વખણાયું છે. મજાની વાત એ છે કે, આ જ બર્થાને વર્ષ 1905માં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું હતું!
(મ્યુઝીયમમાં નોબેલ વિજેતા નોબલ માનવીઓ)
નો ડાઉટ, આ પારિતોષિક સાથે સંકળાયેલા વિવાદોની સંખ્યા ય ઓછી નથી, પણ એનાથી નોબેલની આ દુનિયાનો રોમાંચ ઘટતો નથી. અંગ્રેજીમાં નૈતિક રીતે સારા અને નિઃસ્વાર્થ વ્યક્તિને નોબલ (Noble) કહે છે અને આ નોબેલ (Nobel) મેળવનારાઓએ પણ માનવજાત માટે જે કર્યું છે એ એમને નોબલની કેટેગરીમાં મૂકે છે.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)