નરસિંહ રાવને થોડા જ સમયમાં શેષનના મિજાજનો અનુભવ થઈ ગયો. શેષન હવે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા હતા અને કદાચ તેમના મનમાં રાજકારણીઓ માટે ઊભી થયેલી ઘૃણા વધી રહી હતી. અત્યાર સુધી સરકારી અમલદાર તરીકે તેઓ કહ્યાગરા થઈને કામગીરી બજાવતા હતા તે કદાચ તેમના આત્માને ડંખતું હશે. તેમને લાગતું હશે કે સરકારની વિરુદ્ધમાં કામગીરી બજાવીએ એટલે તરત જ સચિવાલયમાંથી ખસેડીને આયોજન પંચ જેવી જગ્યાએ મોકલી દેવામાં આવે છે. પરંતુ હવે ચૂંટણી કમિશનર તરીકે તેમને બદલી શકાય તેમ નહોતા. જોકે નરસિંહ રાવને લાગ્યું હતું કે શેષનને કાબૂમાં રાખવા જરૂરી છે. તેથી ડાબેરીઓની ઇચ્છા પ્રમાણે તેમને ઇમ્પિચ નહોતા કરાયા, પણ આગળ જતા તેમને નિયંત્રણમાં રાખવા બીજા બે ચૂંટણી કમિશનરો શેષનની સાથે મૂકી દેવાયા. જોકે શેષન બંનેને કોઈ મહત્ત્વ ના આપીને એકહથ્થુ રીતે જ કામ કરવા માગતા હતા. શેષને સુપ્રીમ કોર્ટમાં નવા બે ચૂંટણી કમિશનરોની નિમણૂકને પડકારી હતી. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવા કમિશનરોની નિમણૂક યોગ્ય છે અને તેમનો દરજ્જો પણ સમકક્ષ છે.
ચૂંટણી વખતે યાદ કરાશે ટી.એન.શેષનને
દર ચૂંટણી વખતે ટી.એન.શેષનને યાદ કરાય છે. ભારતના ચૂંટણી તંત્રમાં બે યુગ ગણાય છે, શેષન પહેલાનો અને શેષનનો. જોકે થોડા વર્ષો પછી શેષન પછીનો યુગ પણ ગણવા પડે તેવું પણ બને. ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાના પાલનમાં ફરી ઢિલાશ આવી હોય તેમ લાગે છે. દાખલા તરીકે તબક્કાવાર ચૂંટણી ચાલતી હોય ત્યારે એક બાજુ મતદાન ચાલતું હોય અને બીજા બાજુ જાહેર સભાઓ ટીવી પર લાઈવ ચાલતી હોય. તે જ રીતે ટીવીમાં ડિબેટના બહાને ચોક્કસ પ્રકારની ચર્ચાઓ બિનધાસ્ત થતી હોય છે. શેષન હોત તો કદાચ તેમણે મતદાનના દિવસે અન્યત્ર થતી જાહેર સભાના લાઈવ પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હોત. રોડ શોના નામે પ્રજાને નડતર થાય તે રીતે ટ્રાફિક જામ થાય છે. એટલું જ નહિ, રોડશોની અમદાવાદમાં મનાઈ કરાઈ હતી, પણ સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેન ઉતારીને બિન્ધાસ્ત રોડ શો જેવો તમાશો થયો હતો અને ચૂંટણી પંચ જોતું રહી ગયું હતું. જોકે ચૂંટણીની પ્રક્રિયાને વધારે પારદર્શી કરવામાં કોર્ટ દ્વારા અપાયેલા કડક ચૂકાદાઓનો પણ ફાળો હતો, પરંતુ ટી. એન. શેષને બહુ કડક રીતે આચારસંહિતાનો અમલ કરાવ્યો તેના કારણે વધારે અસર થઈ હતી. તેમણે પંજાબની ચૂંટણી છેલ્લી ઘડીએ અટકાવી દીધી હતી અને તેના કારણે તેમની ધાક બેસી ગઈ હતી.
જોકે એ વાત ઓછી જાણીતી છે કે શેષનની આપખુદી સામે પણ ભારે વિરોધ થયો હતો. તેઓ એવી રીતે વર્તવા લાગ્યા હતા કે સરકારે તેમને પદચ્યુત કરવાનું વિચાર્યું હતું. જોકે તે શક્ય ના બન્યું ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને બીજા બે ચૂંટણી કમિશનરો નિમાયા હતા. તેના કારણે જ આજે ચૂંટણી પંચમાં ત્રણ કમિશનર હોય છે અને ત્રણેયનો દરજ્જો સમાન ગણાય છે. તેમણે કોઈ પણ નિર્ણય સામુહિક અને સર્વસંમતિથી લેવાનો હોય છે.
ડિસેમ્બર 1990માં ટી. એન. શેષનની નિમણૂક વડાપ્રધાન ચંદ્રશેખરે ચૂંટણી કમિશનર તરીકે કરી હતી. તેમનો કાર્યકાળ છ વર્ષ જેટલો લાંબો ચાલવાનો હતો. સરકારી નિયમોના સારા જાણકાર શેષનને ખ્યાલ આવી ગયો હતો કે તે ચૂંટણી કમિશનર તરીકે તેમની પાસે વિશાળ સત્તાઓ છે. બંધારણમાં ચૂંટણી પંચની કામગીરીને સ્વાયત્ત રાખવા માટે પૂરતો પ્રબંધ કરવામાં આવ્યો હતો, પણ તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો.
જોકે ટી. એન. શેષન કંઈ બહુ નીતિમાન, પ્રામાણિક, સાધનશુદ્ધ અને નૈતિક ધોરણોનું પાલન કરનારા આદર્શ અમલદાર નહોતા. તેઓ બીજા બધા જેવા જ રાજકીય નેતાઓના કહ્યાગરા અને તેમને છટકબારી શીખવનારા અમલદાર જ હતા. પરંતુ એકવાર કોઈ પ્રધાનની નીચે નહિ, પણ બંધારણની નીચે સ્વતંત્ર રીતે કામ કરવાની તક મળી ત્યારે તેમણે જૂની દાઝ કાઢી હતી.
તિરુનેલ્લાઇ નારાયણ ઐયર શૈષન રાજીવ ગાંધીના લાડકા અધિકારી હતા. 1988માં તેમને સંરક્ષણ મંત્રાલયમાં સચિવ બનાવવામાં આવ્યા હતા. તેમનું મુખ્ય કામ બોફર્સ કૌભાંડ બહુ ના ચગે અને સરકાર મુશ્કેલીમાં ના મૂકાય તે જોવાનું હતું એમ તેમના ટીકાકારો કહે છે. તે કામ તેમણે બહુ સારી રીતે પાર પાડ્યું હતું અને બોફર્સમાં કોઈને સ્પષ્ટપણે ગુનેગાર સાબિત કરવાનું આજ સુધી શક્ય બન્યું નથી. રાજીવ ગાંધી તરફ વફાદારી દાખવાનો બદલો પણ શેષનને મળી ગયો હતો અને તેમને માર્ચ 1989માં કેબિનેટ સેક્રેટરીનો ઊંચો હોદ્દો પણ મળી ગયો હતો.
જોકે સાત મહિના પછી સરકાર બદલાઈ ગઈ અને બોફોર્સ કાંડને ચગાવીને વડાપ્રધાન બનેલા વી. પી. સિંહે શેષનને તંત્રમાંથી ખસેડી દીધા. તેમને આયોજન પંચના સભ્ય જેવો ખૂણાનો હોદ્દો આપી દેવાયો હતો. તે પછી ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે શેષનને ચૂંટણી પંચમાં કમિશનર તરીકે મૂક્યા. આ વખતે તેઓ ચંદ્રશેખરના કહ્યાગરા તરીકે કામ કરવાના હતા. 1991માં વી. પી. સિંહના જનતા દળના નેતાઓ જ્યાં પણ ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં શેષને બરાબરનો કોરડો વીંઝ્યો હતો. જનતા દળના નેતાઓને ભારે પડી જાય તે રીતે નિયમોનું પાલન કરાયું હતું અને તે રીતે વી. પી. સિંહ સામેની દાઝ તેમણે કાઢી હતી.
તેના કારણે શેષનને એ ખ્યાલ આવી ગયો કે ચૂંટણી પંચ બહુ અસરકારક રીતે કામ કરી શકે છે. તે પછીના વર્ષે પંજાબમાં ચૂંટણી યોજાઈ હતી અને મતદાનને થોડા દિવસો જ બાકી હતા ત્યારે અચાનક શેષને તે રદ કરી નાખી. 1992માં આવી રીતે અમુક જ પક્ષોને ભીંસમાં મૂકવા માટે શેષન પગલાં લઈ રહ્યા છે તેવું કહીને ડાબેરી પક્ષોએ તેમના પર ભેદભાવ આરોપો મૂક્યા હતા. એટલું જ નહિ, તેમને હોદ્દા પરથી દૂર કરવા માટે ઇમ્પિચમેન્ટ લાવ્યા હતા. જોકે ત્યાં સુધીમાં શેષન નરસિંહ રાવના વહાલા થઈ ગયા હતા. રાજીવ ગાંધીના વખતમાં તેઓ વડાપ્રધાનની નજીક રહીને કામ કરતા હતા તે નરસિંહે રાવે જોયું હતું. તેમને ખ્યાલ આવી ગયો હતો કે આ ચૂંટણી કમિશનર કામના સાબિત થઈ શકે છે. તેથી ડાબેરી પક્ષોનો વિરોધ અસર દાખવી શક્યો નહોતો.
સુપ્રીમ કોર્ટે તેમને ઠપકો પણ આપ્યો હતો કે તમારા નિવેદનો બહુ આકરા હોય છે. શેષન ત્યારે અખબારોમાં છવાયેલા હતા. તેમના નિવેદનો ચગતા રહેતા હતા. કોર્ટે કહ્યું કે આ રીતે તમારી પોતાની છબીને ચકચકિત કરવાનું તમારું કામ નથી. શેષને કડક કામગીરી કરી તેમાં પણ ઘણાને પક્ષપાત દેખાયો હતો, પણ મોટા ભાગના ટીકાકારો પણ સ્વીકારે છે કે તેના કારણે સરવાળે ચૂંટણી તંત્ર વધારે ચૂસ્ત બન્યું. ચૂંટણી પ્રક્રિયા વધારે મુક્ત અને પારદર્શી બની. મતદાન વખતે ભારે હિંસા થતી હતી. બૂથને લૂંટી લેવામાં આવતા હતા. મતદારોને ડરાવીને ભગાવી દેવાતા હતા અને મતપેટીઓમાં તેમના મતો જથ્થાબંધ એકપક્ષી રીતે નાખી દેવાતા હતા. પોલીસ બધે પહોંચી વળતી નહોતી. તેથી શેષને એક સાથે ચૂંટણી કરવાના બદલે તબક્કા કરવાનું શરૂ કર્યું. તેના કારણે હવે વધારે સુરક્ષા દળો ચૂંટણી ફરજમાં મૂકાયા અને તેના કારણે ગેરરીતિ ઓછી થવા લાગી હતી.
હાલમાં જ ભારતની સાત દાયકાની ચૂંટણીઓના ઇતિહાસ વિશેનું પુસ્તક એસ. વાય. કુરેશની સંપાદનમાં પ્રગટ થયું છે. આ પુસ્તકમાં શેષન વિશના લેખમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશમાં 1991ની ચૂંટણીઓમાં 873 બૂથ કેપ્ચરિંગના બનાવો બન્યા હતા, તે 1993માં ઘટીને 255 થઈ ગયા હતા. મતદાનના દિવસે હિંસામાં 36ના મોત થયા હતા, તે ઘટીને 3ના જ મોત થયા હતા. અગાઉની ચૂંટણીમાં 17 જગ્યાએ પુનઃ મતદાન કરાવવું પડ્યું હતું, જ્યારે 1993માં ફક્ત ત્રણ જ જગ્યાએ પુનઃ મતદાન કરવું પડ્યું હતું. શેષને વધારે શાંતિપૂર્ણ રીતે અને પોલીસ તથા સીઆરપીએફના બંદોબસ્તમાં મતદાન થાય તેવું કર્યું તેના કારણે સરેરાશ 10 ટકા જેટલું મતદાન વધ્યું હતું. અત્યાર સુધી દાદાગીરીને કારણે દલિતો અને પછાતો તથા ગરીબો મતદાન કરવા નીકળતા નહોતા, તેઓ બહાર આવવા લાગ્યા હતા.
શેષનના કાર્યકાળમાં છેલ્લે 1996ની લોકસભાની ચૂંટણી થઈ ત્યારે વધારે વ્યાપક સુધારા સાથે થઈ. વધારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ચૂંટણી પંચે 1500 જેટલા ચૂંટણી નિરિક્ષકો નિમ્યા હતા, જેથી દરેક બેઠક પર સરેરાશ ત્રણ નિરિક્ષકો હોય અને કોઈ ગરબડ થાય તો તરત જ ફરિયાદ થઈ શકે. દોઢ લાખ સરકારી કર્મચારીઓને ચૂંટણીના કામે લગાડાયા હતા. પોલીસ સહિત 6 લાખ સુરક્ષા જવાનોને ફરજ સોંપાઇ હતી, જેથી ધમાલ ના થાય. 3 લાખ લોકોની આગોતરી ધરપકડ કરી લેવામાં આવી હતી. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં સવા લાખ લોકોને પકડી લેવાયા હતા. મધ્ય પ્રદેશમાંથી 87,000 શસ્ત્રો કબજે લેવાયા હતા. આ આંકડા દર્શાવે છે કે ચૂંટણી તંત્ર પાસેથી શેષને કઈ રીતે કામ લીધું હતું. ચૂંટણી યોજાય ત્યારે સરકારો પોલીસને ચૂપ રહેવા કહેતી હોય છે, પણ શેષન પાસે હવે સીધા જ આદેશો આપવાની સત્તા હતી, તેથી પોલીસને કામ કરતી કરી દીધી હતી. પુસ્તકમાં એક દાખલો અપાયો છે કે એક ગવર્નર મધ્ય પ્રદેશમાં પોતાનો દીકરો ચૂંટણી લડતો હતો ત્યાં પ્રચાર કરવા પહોંચી ગયા હતા. તેની સામે શેષને વાંધો લીધો તેના કારણે ગવર્નરે રાજીનામું આપી દેવું પડ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારનો સમય પૂરો થઈ ગયો હોવાથી પ્રધાનને ચૂંટણી સભાના મંચ પરથી પરાણે હેઠા ઉતારી દેવાયા હતા. આવું થવાની કલ્પના પણ અગાઉ થતી નહોતી.
સૌથી વધારે અસર એ થઈ કે ઉમેદવારો દ્વારા થતા ચૂંટણી ખર્ચ પર ચાંપતી નજર રાખવાની શરૂ થઈ. ઉમેદવારો હિસાબો આપતા હતા તેની કોઈ ચકાસણી થતી નહોતી. પરંતુ હવે ચૂંટણી પંચ પાકા પાયે હિસાબો માગતી થઈ તેના કારણે બેફામ રીતે પૈસા વેરાતા હતા, તેમાં થોડો ફરક પડ્યો. એપ્રિલ 1996 પછીથી ઉમેદવારોએ હિસાબો બરાબર રાખવા પડે છે. આ નિયમના પાલન માટે સુપ્રીમ કોર્ટના આદેશથી પણ મદદ મળી હતી. જોકે હજીય ખાનગીમાં બેફામ ખર્ચ થાય છે, પણ જાહેરમાં પ્રચારનો તમાશો થતો હતો તે કાબૂમાં આવી ગયો છે. સૌથી મોટો ફેરફાર એ થયો કે દિવાલો ચીતરી દેવામાં આવતી હતી તે તદ્દન બંધ થઈ ગઈ છે. લોકોની નજરે ચડેલો આ સૌથી મોટો સુધારો શેષનની દેન છે.
જોકે આગળ જતા શેષન પોતે પણ ચૂંટણી લડ્યા. ગાંધીનગરમાં તેઓ ચૂંટણી લડવા આવ્યા હતા, તેમાં બૂરી રીતે હારી ગયા. 1999માં એલ. કે. અડવાણી સામે કોંગ્રેસે શેષનને ટિકિટ આપી હતી, પણ બે લાખ મતે હારી ગયા હતા. શેષન આખાબોલા અને આપખુદ વધારે લાગતા હતા. તેમને ચૂંટણીમાં સુધારા કરતા પોતાની મહત્તા વધારવાનો વધારે મોહ હતો તેવું પણ એક તબક્કે લાગતું હતું, પણ લોકોને તેમની કાર્યવાહી પસંદ પડી હતી. ચૂંટણીના રંગ યથાવત રહ્યા છે, પણ ચૂંટણીની ધમાલને કારણે પ્રજાને થતી પરેશાની ઘણી ઓછી થઈ તે શેષનને કારણે એમ આજેય લોકો માને છે. જોકે હવે ચૂંટણી સુધારા ભાગ 2ની જરૂર ઊભી થઈ છે, પણ શેષન જેવો બીજો કોણ માથાફરેલો અમલદાર આવે છે તેની રાહ જોવી રહી. જોકે હવે એક નહિ પણ ત્રણ ત્રણ ચૂંટણી કમિશનરો હોય છે, તેથી એક સાથે ત્રણની ત્રિપુટી એકસરખી આવે તો જ કદાચ કામ થાય…