ભાષા એ મને મારી પોતાની ઓળખ આપી છે એ માટે હું માતૃભાષાનો આભાર માનું એટલો ઓછો છે.
આજ સુધીમાં સાત પુસ્તકો પબ્લિશ થઇ ચૂક્યા છે. એ દરેક પુસ્તકમાં મેં મારી દરેક લાગણીને મન મુકીને દિલથી વ્યક્ત કરી છે. જે પણ વિચાર્યું, આજુબાજુ સીધું કે આડકતરું નજરે ચડ્યું એ બધું શબ્દોમાં વહાવ્યું છે. આ બધું માત્ર અને માત્ર ભાષા પ્રેમને કારણે શક્ય બન્યું છે. આપણી માર્તુભાષા ગુજરાતી છે તો તેને બોલવામાં શીખવામાં સંકોચ કેવો? એની જાળવણી તેનું સન્માન કરવું એ પણ દરેક ગુજરાતીની ફરજ છે.
આ માટે આ સમજ ખાસ સ્ત્રીઓએ જીવનમાં ઉતારવી જરુરી છે, કારણ સ્ત્રી એ સમાજ અને બાળકોના ઘડતર માટેનું પહેલું પગથીયું છે. બાળપણથી માતા જ પ્રથમ બાળક સાથે બોલવાની શરુઆત કરતી હોય છે. આવા સમયે એક મા ભાષા અને લાગણીઓને જીવંત રાખતું પરિબળ બની શકે છે.
આપણે ગુજરાતી છીએ આપણી મુખ્ય ભાષા ગુજરાતી છે, તો બાળકોને બીજી કોઈ ભાષા શિખવતા પહેલા તેમને ગુજરાતી શિખવવું જોઈએ. માટે જ તો ભાષાને માતૄભાષા કહેવામાં આવે છે પિતૃભાષા નહિ.
પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે દરેકને ભાવ હોવો જોઇએ. તો જ તેની સાચવણી શક્ય બને છે, અને આજ હેતુથી યુનેસ્કોએ ૧૯૯૯માં ૨૧ ફેબ્રુઆરી ‘વિશ્વ માતૃભાષા દિન’ જાહેર કર્યો. એની ઉજવણી ૧૦૮ દેશોમાં થાય છે.
‘ગુજરાતી બચાવો’ આંદોલનને કારણે ગુજરાતમાં પણ માતૃભાષાને નવું જીવનદાન મળ્યું. જેના કારણે સરકારી કચેરીઓ, અને શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ગુજરાતી ભાષાનો ઉપયોગ વધી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું રહ્યું છે. આજકાલ ઇન્ટનેટ અને સોશ્યલ મિડીયાને કારણે વૈશ્વીકરણ થયું છે તેની સહુથી મોટી અસર બાળકોના ઘડતર ઉપર પડી. આજે દરેક માતાપિતાને પોતાના બાળકોને અંગ્રેજી શીખવાડવાનું ઘેલું લાગ્યું છે. તેઓના મગજમાં આ વાત ઘર કરી ગયેલી છે અંગ્રેજી ના આવડે તો આગળ વધવું અશક્ય છે. મારા આમ કહેવાનો જરાય એવો અર્થ નથી કે અંગ્રેજી ભાષા મહત્ત્વની નથી , વૈશ્વિકીકરણ માટે અને દુનિયાનાં દરેક ખુણામાં ફિટ થઇ જવા માટે અંગ્રેજી ભાષાની જાણકારી મેળવવી જરુરી છે. પરંતુ સાથે સાથે માતૄભાષાની સાચવણી કરવી જોઈએ.
હું અમેરિકાના ડેલાવર સ્ટેટમાં ૩૦ વર્ષોથી રહું છું. અહીં માતા-પિતા પોતાનાં બાળકોને કમસે કમ પોતાની માતૃભાષા બોલતાં શીખવવામાં પ્રયત્નશીલ રહેતા હોય છે, તેઓ જાણે છે કે વાંચતા શીખવવું મુશ્કેલ છે, આવી સ્થિતિમાં બાળકો સમજે બોલે તે પણ ઘણું છે. આ જ કારણે દરેક જણ ઘરમાં રોજબરોજમાં પોતાની ભાષાનો ઉપયોગ કરે છે જેથી બાળકો પોતાની માતૃભાષા સાથે જોડાઇ રહે. જોકે અહીં ઘણી કોલેજ, યુનિવર્સિટીમાં ગુજરાતી, હિન્દી લખતાં વાંચતા શિખવે છે આ બહુ મોટી વાત કહેવાય.
ગુજરાતમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા વધી રહી છે. ગરીબ માણસ પણ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પેટે પાટા બાંધી આવી સ્કુલોમાં મુકે છે. ભાષા અત્યારે એક સમસ્યા બની ગઈ છે જેને હલ કરવા ગુજરાત સરકાર પણ મદદે આવી છે અને આ માટે શિક્ષકો, ન્યુઝપેપર, ટીવી પ્રસારણ માધ્યમ, સમાજ, અને અન્ય સંસ્થાઓ પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષાને આધુનિક ટેકનોલોજીથી સમૃદ્ધ બનાવવાના પ્રયાસો પણ ખાસ રહ્યા છે. તેને લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતી લેક્સિકોન અને ભગવદ્ગોમંડલ જેવા શબ્દકોશને ડિજીટલાઈઝ કરી લોકોને ગુજરાતી શિખવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. જે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા લોકો સમક્ષ સાચી જોડણી શબ્દો અને અર્થો સમજવામાં ગુજરાતી લખતા વાંચતા શીખવામાં મદદરુપ બને છે. જે દેશથી દૂર રહેતા છ્તા ભાષાને પ્રેમ કરતાં લોકો માટે ઓનલાઇન મદદ કામની બની રહે છે.
આમા મદદ કરનાર દરેક્ને ધન્યવાદ આપવો ઘટે.
રેખા પટેલ (ડેલાવર)