અભિનેતા અક્ષય કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કર્યો તેના કારણે મજાક કરનારાને મજા પડી ગઈ હતી. કાર્ટૂન બનાવવાનો અને હ્મુમરસ જોક બનાવવાની સૌને મજા પડી ગઈ હતી. એક નેતા અને એક અભિનેતા નહિ, પણ બે અભિનેતા વાતચીત કરી રહ્યા છે એવી મજાક થઈ. એક પત્રકાર બનવાનો અભિનય કરી રહ્યા છે અને બીજા નેતા બનવાનો અભિનય કરી રહ્યા છે વગેરે. ખાસ તો કેરી ખાવાની વાત નીકળી તેનાથી રસપ્રદ વ્યંગ કરવાનો મોકો મળ્યો. આમ કે આમ, ગુટલીઓ કે દામની જેમ સૌએ કેરીના ગોટલા ચૂસવાની મજા હોય તેવી રીતે ઇન્ટરવ્યૂની મજા લીધી હતી.
ઇન્ટવ્યૂ કરતાં પ્રચાર વધારે કરનારી આ વાતચીતને ધરાર બિનરાજકીય ઠરાવવાની કોશિશ થઈ, પણ તેમાં ઘણા રાજકીય નિવેદનો પણ હતા તેવું ગંભીર વિશ્લેષકો પણ શોધવા લાગ્યા હતા. કેરીની જ વાત લો. પોતાનું કુટુંબ એટલું ગરીબ હતું કે કેરી ના ખરીદી શકે એ વાત ગળે ઉતરે તેવી નથી. એ જ રીતે ખેતરે જઈને આંબે રહેલી પાકી કેરી ખાવાની વાત થઈ, તેમાં પણ હવે શોધખોળ કરવી રહી કે વડનગરમાં કોઈના ખેતરમાં આંબા વાવેલા હતા કે કેમ. રાજકીય હરિફો સાથે દોસ્તી રાખવાની વાત પણ કંઈ હજમ થઈ નથી.
પરંતુ આ બધા વચ્ચે એક રાજકીય દોસ્તીની વાત વધારે ધ્યાન ખેંચે એવી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મમતા બેનરજી તેમને કૂર્તા અને મીઠાઈ મોકલે છે. મમતા વિશેની આ વાતે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે અને અમારા જેવા ખણખોદીયા વિશ્લેષકો તેમાંથી જાતભાતના અર્થો શોધવા લાગ્યા છે. ગમે તેવી વાત હોય તેમાં રાજકીય હેતુ તો શોધી જ કાઢવાનો… અમારું કામ છે, શું કરીએ.મમતા બેનરજી વિશે વાત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું પણ ખરું કે ચૂંટણીના માહોલમાં આ વાત કરવી જોઈએ નહિ. ના કરવી જોઈએ એમ કહીને, પછી કહી નાખી ખરી. એટલે અમે પણ ચૂંટણીનો માહોલ હોય અને રાજકીય અસર થાય તેવી વાત થાય ત્યારે વિશ્લેષણ કર્યા વિના રહી શકીએ નહિ. તેમણે કહ્યું કે, “માટે ચૂંટણીની સિઝનમાં આવી વાત કરવી જોઈએ નહિ અને લોકોને નવાઈ પણ લાગશે. પણ મમતા દીદી મને દર વર્ષે ગિફ્ટ મોકલે છે. તેઓ વર્ષે મને બે કે ત્રણ કૂર્તા મોકલે છે. તેઓ જુદી જુદી જગ્યાએથી પોતાની રીતે આ કૂર્તા પસંદ કરીને મોકલતા હોય છે.”
સાહેબે કહ્યું હતું કે ઘણાને નવાઈ લાગશે એટલે ઓન ધ ક્યૂ અભિનેતા અક્ષય કુમારે નવાઈ પામ્યાનો અભિનય કરીને પ્રતિસાદ પણ પાડ્યો કે આ વાતથી ખરે જ ઘણાને આશ્ચર્ય થશે. હવે આગળ નરેન્દ્રભાઈએ ઉમેર્યું કે માત્ર કૂર્તા જ નહિ, તેઓ રાજ્યમાં જુદી જુદી જગ્યાએ બનતી બંગાળી મીઠાઈ પણ મને મોકલે છે. પહેલી વાત એ છે કે મમતા બેનરજી ભૂતકાળમાં ભાજપ સાથે દોસ્તી કરી ચૂક્યા છે. વાજપેયી યુગમાં 1999માં મમતા બેનરજી કેન્દ્રમાં રેલવે પ્રધાન બન્યા હતા. તે પછી વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ભાજપને છોડ્યું હતું. બાદમાં એકલે હાથે તેમણે પશ્ચિમ બંગમાં ડાબેરીઓને હરાવ્યા. હવે તેઓ કેન્દ્રમાં પોતાની તાકાત દેખાડવા માગે છે. ભાજપ અને કોંગ્રેસ પછી કદાચ સૌથી વધુ બેઠકો મમતા બેનરજી પાસે હોય તેવું શક્ય છે. તામિલનાડુમાં 39 બેઠકોમાંથી 20 બેઠકો પર જ ડીએમકે ચૂંટણી લડી રહ્યો છે. કોંગ્રેસને 9 બેઠકો ફાળવી છે, જ્યારે બાકીની બેઠકો ડાબેરી સહિત સાત સાથી પક્ષોને ફાળવી છે. યુપીમાં 38 બેઠકો પર બીએસપી અને 37 બેઠકો પર એસપી લડે છે. આરએલડીને ત્રણ બેઠકો અપાઈ છે અને કોંગ્રેસ માટે બે બેઠકો છોડી દેવાઈ છે.
2014માં બેનરજીના પક્ષ ટીએમસીને 42માંથી 34 બેઠકો પર જીત મળી હતી. આ વખતે કદાચ ભાજપ જોર કરે છે, ત્યારે બેઠકો વધે નહિ કદાચ બે ત્રણ ઘટે. તેનો અર્થ થયો કે ચાર બેઠકો ઘટી જાય તો પણ ટીએમસી પાસે 30 લોકસભા બેઠકો 2019માં હશે. એસપી કે બીએસપી વ્યક્તિગત રીતે 30થી વધારે બેઠકો મેળવે તેવી ધારણા નથી. 25થી વધારે કદાચ મળી શકે. તેથી બીજા અને ત્રીજા નંબર આ બે પક્ષો હશે અને ડીએમકે માત્ર 20 બેઠકો લડતું હોવાથી તે પછીના ક્રમે હશે. ઓડિશામાં બીજેડી બેઠકો ગુમાવી રહ્યું છે, તેથી તેની બેઠકો 20થી ઓછી થશે તેમ લાગે છે.
30 બેઠકો સાથે મમતા બેનરજીનો ટેકો મેળવવો કોઈ પણ સરકાર માટે જરૂરી બનશે. તેથી જ કદાચ અસ્પષ્ટ પરિણામો આવ્યા ત્યારે મમતા દીદી સાથે વાતચીતનો માર્ગ મોકળો રહે તે માટે નરેન્દ્ર મોદીએ આ સંકેત આપ્યો હોવાનું માનવામાં આવે છે. આ સંકેત કદાચ નિર્દોષ ગણાય, કેમ કે ચૂંટણી પછી જેણે પણ સરકાર બનાવવી હશે, તેને પ્રિપોલ ઉપરાંત પોસ્ટપોલ એલાયન્સ કરવાના રહેશે. ચૂંટણી પૂર્ણ થશે એટલે બધા જ રાજકીય પક્ષોની દુશ્મનાવટ ભૂલાઈ જશે અને માત્ર સ્વાર્થ ઉપર બંગાળી રસગુલ્લાની જેમ તરતો હશે.
તેથી મમતા બેનરજીનો ટેકો લેવાનો થાય તેવી વાત હોય ત્યાં સુધી ઠીક છે, પણ નરેન્દ્ર મોદી એક કાંકરે બે પક્ષી મિનિમમ મારે. આવી ટીપ્પણી કરવાનો બીજો હેતુ મમતા બેનરજીને તેમના જ ગઢમાં મોટો ફટકો પાડવાનો છે. પશ્ચિમ બંગાળમાં 2011ની વસતિ ગણતરી પ્રમાણે 27.1 ટકા મુસ્લિમ વસતિ છે. મુસ્લિમ મતો પર મમતાના જીતવાનો મોટો આધાર છે. ડાબેરીઓ અને કોંગ્રેસ અલગ લડી રહ્યા છે. બંને બહુ નબળા પડી ગયા છે, પણ તે બંને પક્ષો પણ મુસ્લિમ મતોમાં ભાગલા પડાવે તેવા છે. તેના કારણે મમતા બેરનજી પોતાને હજીય નિયમિત મીઠાઈ મોકલે છે એવું જણાવીને નરેન્દ્ર મોદીએ બંગાળના મુસ્લિમ મતદારોને કન્ફ્યૂઝ કરવાની કોશિશ કરી છે એવું કહી શકાય. મમતા જીત્યા પછી કેન્દ્રમાં ભાજપની સરકારને જ ટેકો આપવાના હોય તો તેમની પાછળ મતો વેડફવા જોઈએ નહિ એવું મુસ્લિમ મતદારો વિચારે તેવો ઈરાદો હોય શકે. સત્તા પર આવવાની કોંગ્રેસની પણ થોડી શક્યતા છે એવું વિચારીને મુસ્લિમ મતદારો કોંગ્રેસને મત આપે તો મમતા અને કોંગ્રેસ વચ્ચે મતો વહેંચાઇ જાય.
મમતા બેનરજીએ સીબીઆઈ સામે મોરચો માંડીને એક રીતે મોદી સરકાર સામે મોરચો માંડ્યો હતો. છેલ્લા થોડા વર્ષોથી મમતા બેનરજી બહુ આકરી ભાષામાં ભાજપની ટીકા કરતા આવ્યા છે. ભાજપના નેતાઓ પણ મમતા બેનરજી પર પ્રહારો કરવાનું ચૂકતા નથી. ચૂંટણી જાહેર થઈ તેના થોડા વખત પહેલાં કોલકાતામાં 20 પક્ષોના નેતાઓને એકઠા કરીને મમતા દીદીએ વિપક્ષી એકતા દેખાડવાની પણ કોશિશ કરી હતી. તે જ સભામાં શત્રુઘ્ન સિંહાએ પણ ભાજપની નેતાગીરીની ખુલ્લેઆમ ટીકા કરી હતી. કેન્દ્રમાં ભાજપની સરકારને આવતા પોતે જ અટકાવી શકે તેમ છે તેવો મુદ્દો લઈને નીકળેલા મમતા બેનરજીએ આ ગુગલી સામે સંભાળીને રમવું પડશે. તેમણે બંગાળમાં પોતાના ટેકેદારોને અને ખાસ કરીને મુસ્લિમ મતદારોને ખુલાસા કરવા પડશે કે પોતે કેન્દ્રમાં ભાજપને સાથ નહિ આપે.
જોકે અડધા બંગાળમાં ચૂંટણી થઈ ગઈ છે અને અડધી બાકી છે ત્યારે આ મુદ્દાથી વિશેષ ફરક પડશે કે કેમ તે નક્કી નથી, પણ આવું વિશ્લેષણ તો થતું જ રહેશે…