બસ્તર: છત્તીસગઢના બસ્તર જિલ્લામાં અત્યારે અનોખા પ્રકારના ફૂલો ઉગી નીકળે છે જે ફૂલો દેખાવમાં એકદમ કોરોના વાઈરસ જેવા જ હોય છે. કોરોના વાયરસ જેવા દેખાતા હોવા છતાં આ ફૂલ તેમજ તેનાં પાંદડાં ઘણા ઉપયોગી છે. પાંદડાં ઔષધીય ગુણ ધરાવે છે અને ફૂલોનો ઉપયોગ રંગ બનાવવામાં થાય છે.
આખી દુનિયા કોરોના વાયરસથી ત્રસ્ત છે. તેવામાં આ વાયરસનું ક્યાંય નામ લેવાય અથવા એ વાયરસ જેવી કોઈ આકૃતિ કે વસ્તુ દેખાય તો લોકો ગભરાઈ જાય તે સ્વાભાવિક છે. પરંતુ બસ્તર જિલ્લામાં આવેલી મટનાર ઘાટી આ સમયે ‘ઓલી’ કે ‘અલ્લી’ નામના ફૂલોથી આચ્છાદિત થઈ ગઈ છે. જેને લીધે આ ઘાટીની સુંદરતા વધી ગઈ છે. અલ્લી ફુલ ભારતમાં ફકત બસ્તરમાં જ જોવા મળે છે.
ભારતમાં પહેલીવાર પૂનામાં કોરોના વાયરસનું ચિત્ર લેવામાં આવ્યું. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’ (ICMR)ના પૂના સ્થિત ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી’ (NIV)ના વૈજ્ઞાનિકો ગયા માર્ચ મહિનાના અંતમાં પહેલીવાર કોરોના વાયરસનું ચિત્ર સામે લઈ આવ્યા. આ ચિત્ર ‘ઈમેજ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ’ (TEM) ઇમેજિંગના ઉપયોગ દ્વારા કોરોના વાયરસનું ચિત્ર લેવામાં આવ્યું.
આ ફોટો ‘ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ’માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
વનસ્પતિશાસ્ત્રી ડોક્ટર એમ. એલ. નાયકે જણાવ્યું કે, ‘ઓલી એટલે કે અલ્લી ફૂલ છત્તીસગઢમાં બસ્તરની પથરાળ ઘાટીઓમાં જોવા મળે છે. ગામના સ્થાનિક લોકો આ ફૂલને ‘અલ્લી’ નામથી ઓળખે છે. આ ફૂલ મેલાસ્ટોમેસ પરિવારનું છે અને એનું વૈજ્ઞાનિક નામ છે ‘મેમેકોલીન એડ્યુલ’. ભારતમાં તેનું નામ ‘ઓલી’, ‘આયર્ન વુડ’ તો શ્રીલંકામાં ‘કોરાકહ’ (વાદળી ધુમ્મસ)ના નામથી ઓળખાય છે. તેમાં પીળી ડાઈ તેમજ ગ્લૂકોસાઈડ હોય છે. શ્રીલંકામાં ઓલી ફૂલોનો ઉપયોગ રંગ બનાવવા માટે થાય છે. બૌદ્ધ ભિક્ષુકો વર્ષોથી આ ફૂલનો ઉપયોગ કપડાંને રંગ કરવામાં કરતા આવ્યા છે. ચટાઈને રંગવામાં પણ આ ફૂલના રંગનો ઉપયોગ થાય છે.
આયુર્વેદ ચિકિત્સક નિખિલ દેવગન જણાવે છે કે, ‘ઓલીના પાંદડાનો રસ એન્ટી ડાયેરિયલ છે. એથી જ બસ્તરના ગ્રામવાસીઓ પેટની કે પાચનની કોઇ પણ સમસ્યામાં આ ફૂલનાં પાંદડાનો રસ દવા તરીકે લે છે. ઓલીની ડાળખીનો દાંતણ તરીકે પણ ગ્રામીણ લોકો ઉપયોગ કરે છે’.