ચલો, બોલો… સુનીલ દત્ત, વિનોદ ખન્ના અને અક્ષયકુમારમાં શું સમાનતા છે? તમે કહેશોઃ “હેંહેંહેં, આટલો ઈઝી ક્વેશ્ચન? ત્રણેવ ઍક્ટર છે.”
રાઈટ યુ આર. એ સિવાય? હવે બોલો?
તો, એ જ કે ત્રણેવ અદાકારે એક સત્ય ઘટના આધારિત અલગ અલગ ફિલ્મોમાં કામ કર્યું. એ ઘટના એટલે ફેમસ નાણાવટી-કેસ. પહેલાં આવી 1968માં આર.કે. નૈય્યર દિગ્દર્શિત સુનીલ દત્ત નિર્મિત-અભિનિત ‘યે રાસ્તે હૈ પ્યાર કે.’ તે પછી વિનોદ ખન્નાની ગુલઝાર દિગ્દર્શિત ‘અચાનક.’ છેલ્લે 2016માં આવી અક્ષયકુમારની ટીનુ દેસાઈ દિગ્દર્શિત ‘રુસ્તમ.’
તાજેતરમાં ગુલઝારની અચાનકની રિલીઝનાં 50 વર્ષ થયાં ને આ કેસ તથા એ ઘટનાથી પ્રેરિત ફિલ્મો સાંભરી આવે છે. પત્રકારમિત્ર દિલીપ ઠાકૂર નોંધે છે કે રિશી કપૂરની જે ફિલ્મથી સ્ટારપદ પર પ્રતિષ્ઠા થઈ તે ‘બૉબી’ આવી 28 સપ્ટેમ્બર, 1973ના રોજ અને ‘અચાનક’ આવી 1 ઑક્ટોબરે, 1973ના દિવસે. મીન્સ કે ‘બૉબી’ રિલીઝ થઈ એના પછીના જ અઠવાડિયે.
હવે, ‘બૉબી’ અને ‘અચાનક’ અથવા રાજ કપૂર અને ગુલઝારની સરખામણી કરવા જઈએ તો પરાણે જોક કરવા જેવું લાગે. હા, કહેવા ખાતર કહી શકાય કે બન્ને સર્જકની માધ્યમ પર જબરી હથોટી. જો કે ગુલઝારે માત્ર 30 દિવસમાં બનાવેલી અને સમીક્ષકો જેની પર ઓવારી ગયેલા એ ‘અચાનક’ 21 દિવસમાં થિએટરમાંથી કાઢી લેવી પડી, જ્યારે ‘બૉબી’ રાજ કપૂર માટે દૂઝણી ગાય સાબિત થઈ.
1958માં મુંબઈ જ નહીં, પણ દેશઆખાને હચમચાવી દેનારી ઘટના એટલે નાણાવટી કેસ. નેવી અફ્સર કાવસ માણેકશૉ નાણાવટીએ બેવફા પત્ની સિલ્વિયા તથા એના પ્રેમી મિસ્ટર પ્રેમ આહુજાની હત્યા કરી. અને શરૂ થયો એક હાઈ પ્રોફાઈલ કેસઃ કે. એમ. નાણાવટી વર્સીસ સ્ટેટ. આ ઘટના પર આધારિત ‘અચાનક’નો સ્ક્રીનપ્લે લખેલો ગ્રેટ ખ્વાજા એહમદ અબ્બાસેઃ
મેજર રણજિત ખન્ના (વિનોદ ખન્ના) 1971ની ભારત-પાકિસ્તાનની જીવસટોસટની લડાઈ લડીને પાછો ફરે છે, પણ ઘરે આવીને એ શું જુએ છે? એ જુએ છે કે પત્ની (લીલી ચક્રવર્તી) અને એનો (મેજર રણજિત ખન્નાનો) મિત્ર પ્રકાશ (અભિનેતા રવિરાજ) પ્રેમમાં છે. મેજર રણજિત બન્નેને શૂટ કરે છે, પોલીસ મેજર રણજિતનો પિછો પકડે છે અને… મેજર રણજિત ભાગે છે ભાગે છે ભાગે છે અને, વર્તમાનમાંથી ભૂતકાળમાં અને ફરી વર્તમાનમાં ફંગોળાતી ફિલ્મ આગળ ભાગતી જાય છે.
આર્મીમાં દુશ્મનથી બચવાની તાલીમનો આ રીતે ઉપયોગ કરવો પડશે એવું સપનામાંય ન ધારતો મેજર રણજિત ગાઢ જંગલમાં પોલીસ અને એના ડાઘિયાં કૂતરાંને હાથતાળી આપતો નાસે છે એ દશ્યો મને આજેય યાદ છે. આવું જ એક દશ્ય એટલે એક ફ્લૅશબૅક. પત્નીના ખોળામાં માથું નાખીને મેજર રણજિત પડ્યો છે. બન્ને મસ્તીએ ચડ્યાં છે. એવામાં મેજર પત્નીને સિગારેટનો હળવો ડામ દે છે. પત્ની ચોંકી ઊઠતાં કહે છેઃ “ફરી આવું ન કરતો. કેમ કે મને આગથી ખૂબ ડર લાગે છે. હું મરી જાઉં તો મારો અગ્નિસંસ્કાર ન કરતો, મને દાટી દેજે.” ત્યારે મેજર રણજિત હસી પડે છેઃ “અરે ગાંડી, મૃત્યુ પછી કોઈને કંઈ જ દરદ થતું નથી.”
સત્ય ઘટનાવાળા કે.એમ. નાણાવટીને આજીવન કેદની સજા થયેલી. પાંચેક વરસ સજા ભોગવ્યા બાદ ગવર્નર વિજયાલક્ષ્મી પંડિતે એની સજા માફ કરેલી, જ્યારે ગુલઝારે ફાંસીની સજાવાળો સવાલ પબ્લિક પર છોડી અંત ઓપન રાખેલો, જે માટે ફિલ્મફેરે એમને બેસ્ટ ડિરેક્ટરની ટ્રોફી એનાયત કરેલી. પોતે મહાનની કક્ષામાં આવતા કવિ અને ગીત-સંગીતને આગવું મહત્વ આપતા હોવા છતા એ કથાપ્રવાહને અવરોધશે એવું લાગતાં અચાનકમાં ગીત રાખ્યાં નહોતાં.
માંડ સવા-દોઢ કલાકની ફિલ્મ અચાનકમાં વિનોદ ખન્નાની ભૂમિકા પડકાર રૂપ હતી. એક એવી વ્યક્તિ, જે પોતાની પત્નીને દિલફાડ પ્રેમ કરે છે એની જ એ ઠંડા કલેજે હત્યા કરે છે. પળવારમાં હીરોમાંથી વિલન. અને કહેવું જોઈએ કે વિનોદ ખન્નાએ બેસ્ટ પરફૉરમન્સ આપેલો. ગુલઝાર સાથે આ પહેલાં એણે ‘મેરે અપને’માં કામ કરેલું.
ગુલઝારના આસિસ્ટન્ટ ડિરેક્ટર રાજ સિપ્પીએ ‘અચાનક’નું નિર્માણ કરેલું. ‘અચાનક’ની રિલીઝનાં ચારેક વર્ષ બાદ રાજ સિપ્પીએ વિનોદ ખન્ના-વિદ્યા સિંહા-અમજદ ખાનને લઈને જકડી રાખતી થ્રિલર ‘ઈનકાર’ બનાવી. રાજભાઈની ‘ઈનકાર’ જેવી જ એક યાદગાર ફિલ્મ એટલે ‘સત્તે પે સત્તા.’