ગયા રવિવારના સોણલા પ્રભાતે સમાચાર વાંચવામાં આવ્યા કે હીચકી, મહારાજ જેવી ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા મીનાકુમારી-કમાલ અમરોહીના બે દાયકાના સહજીવન, એમની સમયાતીત પ્રેમકથા પર એક ચિત્રપટ સર્જી રહ્યા છેઃ ‘કમાલ ઔર મીના’. ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે.
સમાચાર વાંચતાંની સાથે મારું મન તબડક તબડક તબડક કરતું સન 1972ની સાલમાં દોડી જાય છે. બાલ્યાવસ્થાના એ કાળમાં બપોરે ઈસ્કૂલથી ઘેર આવ્યો ત્યારે અમારા માળામાં ગહન ચર્ચા ચાલી રહેલી. ચર્ચાનો વિષય હતોઃ અભિનેત્રી મીનાકુમારીનું અવસાન. એ દિવસે ગુડ ફ્રાઈડે (31માર્ચ) હતી. માળાનાં અમુક દંપતી ફેબ્રુઆરીમાં જ રિલીઝ થયેલી મીનાકુમારીની ‘પાકીઝા’ જોવાનો કાર્યક્રમ ઘડે છે.
ફિલ્મસર્જનમાં બાલ કી ખાલ કાઢવા માટે જાણીતા, ચોકસાઈના આગ્રહી કમાલ અમરોહી એમની સાડાપાંચ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં માત્ર ચાર ફિલ્મ બનાવી શકેલાઃ ‘મહલ’, ‘દાયરા’, ‘પાકીઝા’ અને છેલ્લી ‘રઝિયા સુલતાન’. 1980ના દાયકાના અંતભાગમાં રાજેશ ખન્ના-રાખીને લઈને ‘મજનૂન’ બનાવવાની જાહેરાત કરેલી, જે બની જ નહીં. 1993માં 75 વર્ષની વયે એમનો ઈન્તેકાલ થઈ ગયો.
કમાલ સાહેબ અને મીનાકુમારીના લવ મેરેજ 1952ના વેલેન્ટાઈન’સ ડે (14 ફેબ્રુઆરી)ના રોજ થયેલા. કમાલજીની આ ચોથી શાદી હતી. શાદી થઈ તે પછીના વર્ષે એટલે 1953માં દંપતીએ પોતાની લવસ્ટોરી પર ફિલ્મ બનાવી ‘દાયરા’, જે સુપર ફ્લૉપ થઈ. આ દંપનીના સાહચાર્યની દાસ્તાન રૂપેરી પરદા પર લાવવાની જાહેરાત કરનાર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ ‘દાયરા’ જોઈ કે નહીં એ તો ખબર નથી, પણ એટલું ચોક્કસ કે આ લેખ તે બન્નેની પ્યારકથા વિશે નથી. બલકે મીનાકુમારીની એમની સમકાલીન નરગિસ સાથે થતાં થતાં રહી ગયેલી બે રસપ્રદ ટક્કર વિશે છે.
પહેલી ટક્કરની પૃષ્ઠભૂ છે ફિલ્મફેર એવોર્ડ્સ. વર્ષ હતું 1958. તે વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રી સમ્માનની બે દાવેદાર હતીઃ ‘મધર ઈન્ડિયા’ની ભૂમિકા માટે નરગિસ અને ‘શારદા’ની ભૂમિકા માટે મીનાકુમારી. બન્ને વચ્ચે ન કળાય એવી રાઈવલરી હતી. તે વખતે એવોર્ડ્સના આયોજક ફિલ્મફેર મેગેઝિનને એક વિચાર આવ્યોઃ મેગેઝિનના વચલાં બે પૃષ્ઠ (સેન્ટરસ્પ્રેડ) પર મીનાકુમારી-નરગિસ સાથે ઊભાં હોય એવો ફોટો છાપીએ. સામયિકના પત્રકાર, ઈતિહાસકાર બની રુબેન તરત પહોંચ્યા મીનાકુમારીને ત્યાં ને સહ-તસવીરની વાત કરી. મીનાકુમારી કહે, “સારો આઈડિયા છે, પણ બેબીજી (નરગિસ) માનશે”?
બનીજી કહે “હા હા, જરૂર. એ મારી પર છોડી દો”. મંદ સ્મિત કરતાં મીનાકુમારીએ કહ્યું, “સારું. તો તમે કહેશો ત્યારે અને ત્યાં હું ફોટો પડાવવા આવી જઈશ”.
બની રુબેન નોંધે છેઃ “તે વખતે રાજ કપૂર સાથેના વણસેલા સંબંધના લીધે નરગિસ આરકે કૅમ્પમાંથી જસ્ટ બહાર નીકળેલાં. મીનાકુમારી બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ માટે નોમિનેટ થયાં તે ફિલ્મ, ‘શારદા’ના હીરો રાજ કપૂર હતા. નરગિસને કોઈ નવા વિવાદમાં પડવું નહોતું. આમ મીનાકુમારી-નરગિસની ડ્રીમ-છબિ ડ્રીમ જ રહી ગઈ. એવો ફોટો અમને મળ્યો જ નહીં”.
બીજી થતાં થતાં રહી ગયેલી ટક્કરમાં પણ બની સાહેબ જ ઈન્વોલ્વ હતા. એમના એક રાઈટર-મિત્રે બે હીરોઈનને કેન્દ્રમાં રાખીને એક ચુસ્ત કથાપટકથા લખેલી. આ ફિલ્મમાં મીનાકુમારી-નરગિસ હોય તો ગજ્જબ થઈ જાય, ફિલ્મ સુપરહિટ થઈ જાય. બની એમના લેખકમિત્રને લઈને વાર્તા સંભળાવવા મીનાકુમારીના ઘરે ગયા. વાર્તા એમને ગમી ગઈ. એ કહેઃ “ફાઈન. હું રેડી છું. હવે તમે બેબીજીને વાર્તા સંભળાવો. બે (નાયિકા)માંથી એમને જોઈએ એ પાત્ર સિલેક્ટ કરવા દો. બીજું પાત્ર હું ભજવીશ”.
એ ફિલ્મ પણ ક્યારેય ન બની અને અંદાજમાં રાજ કપૂર-દિલીપકુમારની જેમ ટક્કર થયેલી કે સંજીવકુમાર-દિલીપકુમારની ‘સંઘર્ષ’, ‘વિધાતા’ કે દિલીપકુમાર-રાજકુમાર (‘સૌદાગર’) એવી ટક્કર થતાં થતાં રહી ગઈ.
બની રુબેન લખે છે કે “દાક્તરી તપાસમાં એવું બહાર આવ્યું કે મીનાકુમારીનું અવસાન લીવર સીરોસીસથી થયું, પણ મારા હિસાબે એનું અવસાન ઈમોશનલ સીરોસીસથી થયું”.