તુંબાડઃ પ્રેક્ષકની ભૂલ સુધારવા ફરી આવવું પડ્યું…

એક હતા બિમલ રોય, જેમણે જંગલ પર છવાયેલા ગાઢ ધુમ્મસ, અંધકાર, નીરવતાથી એક ગૂઢ વાતાવરણ સર્જેલું હૉરર રોમાન્ટિક ‘મધુમતી’માં. એક રાહી અનિલ બર્વે છે, જે ધોધમાર વરસતો વરસાદ, અંધકાર અને ગૂઢ વાતાવરણમાં એકલા હોવાની ધાસ્તી જેટલી સામગ્રીથી પ્રેક્ષકનાં રૂવાડાં ખડાં કરી દે છે ‘તુંબાડ’માં.

વસ્તુ એ છે કે હાલ હિંદી સિનેમા અજાયબના પ્રાંતમાં આવી ઊભો છે. નવી ફિલ્મ ભાગ્યે જ રિલીઝ થઈ રહી છે, સામે ઢેરસારી પુરાણી ફિલ્મો રિ-રિલીઝ થઈ રહી છે, જેમાં એક છે રાહી અનિલ બર્વેની લોકકથા આધારિત સાઈકોલોજિકલ, હૉરર માસ્ટરપીસ ‘તુંબાડ’. ૨૦૧૮માં ‘તુંબાડ’ રિલીઝ થયેલી ને દેશભરના સમીક્ષકોએ એને બે હાથે વધાવી લીધેલી, પણ પ્રેક્ષકો થિએટરમાં જોવા ગયા નહીં. આથી ફ્લૉપનું લેબલ ચિપકાવી એને અભરાઈ પર ચડાવી દેવામાં આવી. હવે ૨૦૨૪માં એ ફરી રિલીઝ થઈ છે ત્યારે પ્રેક્ષકો થિએટર છલકાવી રહ્યા છે. જાણે આમ કરીને એ છ વર્ષ પહેલાંની ભૂલ સુધારી રહ્યા છે. નવા પ્રેક્ષક મળ્યા એ છોગામાં.

પોણાબે કલાકની ફિલ્મની વાર્તા ત્રણ કાળખંડમાં આકાર લે છે, જેનો આરંભ થાય છે ૧૯૧૮માં. મહારાષ્ટ્રમાં સાતારાથી થોડેક દૂર આવેલું ગામ તુંબાડ. ગામના વાડામાં (કહો કે જાગીરમાં) અમર્યાદ કીમતી ખજાનો છુપાયેલો છે એવી બાતમી વાડાના વયોવૃદ્ધ માલિક સરકાર કને હોવા છતાં એ શોધી શક્યા નથી. સરકારનું અનૌરસ સંતાન વિનાયક (સોહમ શાહ) છે, જેણે બાળપણથી છૂપા ખજાનાની વાત સાંભળી છે. સરકારના મૃત્યુ બાદ માતાની જિદના કારણે નાયકે તુંબાડ છોડવું પડે છે, પણ પંદર વર્ષ બાદ એ ખજાનો શોધવા પરત આવે એ છે બીજો કાળખંડ. વાર્તાના ત્રીજા ભાગમાં લોભ અને સ્વચ્છંદતામાં રમમાણ વિનાયક એના સંતાનને શાપીત ખજાનાની શોધનો, લોભ-લાલચનો વારસો સોંપે છે. ત્યાં સુધીમાં તો ભારતને સ્વાતંત્ર્ય મળી ગયેલું, રાજારજવાડાં નાબૂદ થઈ ગયેલાં, એમની માલમિલકતનું પણ વિલીનીકરણ થઈ ગયેલું. તો ખજાનાનું શું? જુઓ ‘તુંબાડ’.

‘થેન્ક યુ મિસ્ટર ગ્લાડ’ જેવી અનેક નવલકથાના જાણીતા મરાઠી રાઈટર, નાટ્યલેખક અનિલ બર્વેના સુપુત્ર લેખક-દિગ્દર્શક રાહી અનિલ બર્વેની ‘તુંબાડ’નાં મૂળ છે નારાયણ ધારપની એક શોર્ટ સ્ટોરી, જેના હાર્દમાં છે માનવીની સૌથી મોટી નબળાઈઃ લોભ-મોહ-માયા. ૧૯૯૭માં ૧૮ વર્ષની વયે રાહીએ આ મરાઠી લોકકથા વાંચી ત્યારથી એમના મગજ પર ફિલ્મ બનાવવાની ધૂન સવાર થયેલી. ૨૦૦૭થી ૨૦૦૯ દરમિયાન એમણે ૭૦૦ જેટલાં પાનાં લખી કાઢ્યાં. વિષયવસ્તુ સાંભળીને સાતેક નિર્માણકંપની પૈસા રોકવા આગળ આવી, જેમાં આનંદ એલ. રાયથી લઈને ‘શિપ ઓફ થિસસ’વાળા આપણા આનંદ ગાંધી, મુકેશ શાહ, અભિનેતા-નિર્માતા સોહમ શાહ (જે ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવે છે), અમિતા શાહ, વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૧૨માં ફિલ્મ બની ગઈ, પણ એડિટિંગ બાદની ફિલ્મથી સોહમ અને રાહી નિરાશ થયાઃ બાત કૂછ બની નહીં. ત્રણેક વર્ષ બાદ ફિલ્મ નવેસરથી શૂટ થઈ, દુનિયાભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલી. ૨૦૧૮માં ‘તુંબાડ’ ભારતમાં રિલીઝ થઈ.

આજથી આશરે ૧૦૫ વર્ષના મહારાષ્ટ્રના એક ગામડામાં આકાર લેતું કથાનક ફિલ્મનું મહત્વનું પાત્ર છે. એ કાળનું સર્જવામાં સર્જકોએ લમણાની નસ તોડી નાખી છે, ગામ, ગામનો બિહામણો લાગતો ગૂઢ વાડો, ધોધમાર વરસતો વરસાદ, હસ્તર દેવીનું મંદિર… એક માહોલ સરજાયો છે. ફિલ્મના વિષયને વફાદાર રહેવા ધમાકેદાર, ઘોંઘાટિયા સંગીત કે આંખો આંજી દેતા પ્રકાશઆયોજનને બદલે રાહી અને એમની ટીમે વીએફએક્સ તથા સાઉન્ડ ડિઝાઈનિંગથી ધારી અસર ઊપજાવી છે.

આજે એટલે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના દેશભરમાં ચિત્રપટ દિવસ ઊજવાઈ રહ્યો છે તે નિમિત્તે ૯૯ રૂપિયામાં ‘તુંબાડ’ અને કોઈ પણ ફિલ્મ જોવા મળશે. જો તમારા શહેરમાં, દેશમાં થિએટરનો મેળ ન પડે તો ‘પ્રાઈમ વિડિયો’ પર છે. જોઈ કાઢો.