ફ્રાઈડે ફર્સ્ટ શોની મજા અને સજા…

ચાર દીવાલોની વચ્ચે ગોંધાઈને લૅપટૉપ પર ‘ફૅમિલી મૅન’ કે ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ કે પછી કોરિયન વેબ સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ જોનારી આજની પેઢીની મને ખરેખર દયા આવે છે કેમ કે એમણે ‘શુક્રવારે પડેલું પિચ્ચર’ શુક્રવારે જ પહેલા શોમાં જોઈ પાડવાનો અનુભવ લીધો નથી.

-અને મારા જેવા ‘70ના દાયકામાં ઊછરેલા સિનેમાપ્રેમી માટે આ વર્ષે દિવાળી વહેલી આવી ગઈ છે, કેમ કે આજથી, શુક્રવાર, 22 ઑક્ટોબરથી મારા શહેર મુંબઈમાં (અને મહારાષ્ટ્રભરમાં) લાંબા ઈન્ટરવલ બાદ થિએટરો ફરી ઊઘડી રહ્યાં છે.

આ વાત સમજવા, બિગ ઓપનિંગની પૂર્વસંધ્યાએ ‘કાર્નિવલ સિનેમાઝ’ના પ્રશાંત કુલકર્ણી (હેડ, સેલ્સ-માર્કેટિંગ-ન્યુ બિઝનેસ)ને ફોન ખખડાવું છું તો એ ઉત્સાહમાં કહેઃ “શોના ટાઈમિંગથી લઈને સિનેમા હૉલ અડધો જ ભરવાનો, નાસ્તાપાણી કરવા હોય તો થિએટરની બહાર જઈને કરવાનાં, વગેરે નિયમો સરકારે રાખ્યા હોવા છતાં થિએટરો ફરી ઊઘડે છે એ વાતથી જ અમે એક્સાઈટેડ છીએ. સેફ્ટી માટે અમે ટિકિટ લેવા લાઈન ન લાગે, સમય પણ બચે એ માટે જાતજાતનાં પગલાં લઈ રહ્યાં છીએ. અમે ઈચ્છીએ કે ફિલ્મપ્રેમીઓ ફરીથી મોટા પરદાનો અનુભવ માણવા આવે સાથે એમની સુરક્ષા પણ જળવાય…”

સંયોગથી આજકાલ વૉટ્સઍપ પર ‘હરિશ્ચંદ્ર સિનેમા’ (કદાચ રાજકોટ)ની બહાર મૂકેલા એક પાટિયાનો ફોટો વાઈરલ થયો છે, જે જોઈને મને સિનેમા સાથેની મારી લવ-હૅટ રિલેશનશિપ યાદ આવી જાય છે.

જેમ કે…

તે સમયે (1970ના દાયકામાં) ઍડવાન્સ બૂકિંગ, કરન્ટ બૂકિંગની બારી સામે લાગતી લાઈનમાં ગડદાપાટું ખાઈને લીલા-પીળા-ભૂરા રંગની, પાતળા કાગળવાળી ટિકિટ હાથમાં આવતી ત્યારે રાજપાટ મળ્યાનો આનંદ થતો. વૅકેશનમાં ઘરથી ચાર-પાંચ કિલોમીટરની પદયાત્રા કરીને શ્રેયસ-ઉદય-ઓડિયન જેવાં થિયેટરની ટિકિટો મેળવવી કે થિએટરની દીવાલ પર કાચેમઢ્યા કબાટમાં ‘આગામી આકર્ષણ’નાં ફોટા જોવા એ એક બેસ્ટ ટાઈમપાસ ઍક્ટિવિટી હતી.

તે વખતે એટલે અમારી પાસે બે વિકલ્પ રહેતાઃ કાં સાડાત્રણ રૂપિયામાં સ્ટૉલ એટલે કે ભૉંયતળિયે બેસીને ફિલ્મ જુઓ, ઈન્ટરવલમાં સમોસા ખાઓ અથવા થોડા વધુ ખર્ચીને સુખી ઘરના પરિવાર સાથે બાલકની એટલે કે પહેલે માળે બેસીને જુઓ… પણ આ સ્કીમમાં સમોસા ન મળે કેમ કે એનું બજેટ બાલકનીની ટિકિટને ફાળવી દેવામાં આવેલું. અમે પહેલો વિકલ્પ પસંદ કરતા કેમ કે અમારે માટે ફિલ્મ જેટલું જ મહત્વ સમોસાનું હતું. આજે પણ છે.

-અને ‘શોલે’. અમે જ્યાં રહેતા એ ઈશાન મુંબઈના પરા ઘાટકોપરના ઓડિયન થિયેટર (હવે ઓડિયન મૉલ ને મલ્ટિપ્લેક્સ)માં ‘શોલે’ રિલીઝ થયેલી. અમે બ્લૅકમાં ટિકિટ લેવાની તજવીજ કરતા હતા ત્યારે પાછળ ક્રાઈમ બ્રાંચની પોલીસ પડેલી (નો કિડિંગ! ખરેખર). આમ છતાં હું ને અમારી ‘ફ્રાઈડે મૅટિની ગૅન્ગ’ના મેમ્બર્સ દિલીપ-ખીમજી-મહેન્દ્રુ-સચદે અને બૉબી પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા વગર થિએટરથી થોડેક દૂર એક અવાવરુ જગ્યાએ ટિકિટ ખરીદીને ને ફર્સ્ટ શોમાં ‘રમેશ સિપ્પીનું 70 એમએમનું નવલું નજરાણું’ જોઈને જ જંપ્યા. કમનસીબે આ લખાય છે ત્યારે એક મેમ્બર બૉબી એટલે કે મહેશ જોશીના જીવનનો અકાળે ધી એન્ડ આવી ગયો છે.

ખેર. બીજો એક જિગરી અશોક ને હું અંગ્રેજી ફિલ્મો જોવા જતા. હોલિવૂડની ફિલ્મો અને જેમ્સ હેડલી ચેઈઝની બકુલ વોરાએ એટલે જ અશ્વિની ભટ્ટે અનુવાદ કરેલી નવલકથાઓ વાંચીને અંગ્રેજી ભાષા તથા અમેરિકન જનજીવનનો ખ્યાલ મેળવી શકાય એવું કોઈએ અમારાં મગજમાં ઠસાવી દીધેલું. સાઉથ મુંબઈના ન્યૂ એમ્પાયર, એક્સલસિયર, સ્ટર્લિંગ, રીગલ જેવાં થિએટરોમાં અંગ્રેજી ફિલ્મો લાગતી. આખી ફિલ્મમાં માંડ બે-ચાર વાક્ય સમજાય તોયે ઘણું. ક્યારેક ‘ચિત્રલેખા’ ગ્રુપનું ફિલ્મસામયિક ‘જી’ હાથ લાગી જતું તો એમાં વ્રજ શાહે લખેલી હોલિવૂડ ફિલ્મની વાર્તા વાંચીને જોવા જતા. ‘ટાવરિંગ ઈન્ફર્નો’ જોઈને તો સ્તબ્ધ થઈ ગયેલા.

સાન ફ્રાન્સિસ્કોમાં 138 માળની એક નવીનક્કોર બિલ્ડિંગના ઉદઘાટનના દિવસે 81મા માળે આગ, 135મા માળે પાર્ટી, અગનજ્વાળા, લિફ્ટ પાસે ધમાચકડી, ચીસાચીસ… ટાવર ડિઝાઈન કરનાર આર્કિટેક્ટ, (પૉલ ન્યૂમૅન) તથા ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ (સ્ટિવ મૅક્વિન) બને એટલા લોકોને બચાવે છે. અહાહાહા… ‘ટાવરિંગ ઈન્ફર્નો’ તથા ‘મેકેના’ઝ ગોલ્ડ’, ‘ધ ગ્રેટ એસ્કેપ’, ‘36 ચેમ્બર ઑફ શાઓલિન’ જેવી ફિલ્મોએ અમને એવા મંત્રમુગ્ધ કરી મૂકેલા કે વારંવાર જોવા જતા.

બસ તો, 22 ઑક્ટોબરે ફર્સ્ટ શોમાં રંગીલા જાસૂસ જેમ્સ બૉન્ડની ‘નો ટાઈમ ટુ ડાઈ’ જોવાના ઉન્માદમાં સિનેમા સાથેના પ્યાર-મહોબ્બત-નફરતના જઝબાતની આંધી મનમાં આવી પડે છે, જેને લેપટૉપ ઉતારી અહીં પેશ કરી છીએ. હવે આને સ્ટાર આપવાની જવાબદારી તમારી (હેંહેંહેં)! અને હા, આ લેખની સિક્વલ આવી શકે છે.

(કેતન મિસ્ત્રી)