સાદી, પણ સ્વાદિષ્ટ રસોઈ જેવી તરલા

આજે (7 જુલાઈએ) ઝી5 પર રિલીઝ થઈ છેઃ ‘તરલા,’ જે આપણાં સૌનાં પ્રિય પાક-સમ્રાજ્ઞી તરલા દલાલના જીવન પર આધારિત છે. તરલાબહેનની ભૂમિકા હુમા કુરેશીએ ભજવી છે, ડિરેક્ટર છે પીયૂષ ગુપ્તા. ફિલ્મમાં હુમા કુરેશી ઉપરાંત ફિલ્મમાં શરીબ હાશમી (જે બન્યો છે તરલા દલાલના હસબન્ડ નલ્લુ અથવા નલિન દલાલ), ભારતી આચરેકર, વીણા નાયર, વગેરે છે.

ફિલ્મ ઓપન થાય છે પુણેની જવાન, મધ્યમવર્ગી તરલા શાહના કૉલેજના દિવસોથી. તરલાને જીવનમાં કંઈ કરવું છે, પરંતુ એના સપનાને પાંખો મળે ત્યાં તો એનાં લગ્ન મુંબઈના ધનાઢ્ય પરિવારના નલિન દલાલ સાથે થાય છે. અહીંથી શરૂ થાય છે પાકકલાને વન-વુમન બિઝનેસ એમ્પાયર બનાવી દેનારી એક સ્ત્રીનો પ્રવાસ. પ્રખ્યાત શેફ, દોઢસોથી વધુ કૂક બુકનાં લેખિકા, ટીવી પર રસોઈ-શોનાં સંચાલિકા, પાકશાસ્ત્ર શીખવતાં પ્રશિક્ષક પદ્મશ્રી તરલાબહેનનો પ્રવાસ. આમાં કેવીક અડચણ આવે છે, એનો સામનો એ કેવી રીતે કરે છે.

 

તરલાબહેનનાં સંતાન દીપકભાઈ-રેણુબહેન અને સંજયભાઈમાં સૌથી નાના, બાહોશ આન્ત્રપ્રેન્યોર સંજય દલાલ માતાના પાકકૌશલને એક નવી ઊંચાઈએ લઈ ગયા. રેણુબહેને પણ મમ્મીનો વારસો સાચવ્યો. સંજયભાઈએ મમ્મીની રેસિપી વિશેની વેબસાઈટ, પુસ્તકો, રેડી-ટુ-મેક વ્યંજનો ‘તરલા દલાલ ફૂડ્સ’ (‘ટીડીએફ’) પર ઘણું કામ કર્યું. એમનાં પત્ની મોના દલાલે પણ સાસુમાનો વારસો સાચવ્યો. ‘મેન્યૂસ્ક્રિપ્ટઃ ફૂડસ્ટોરીઝ બાય મોના દલાલ’ હેઠળ એ શુદ્ધ મેક્સિકન સેવપૂરી, થાઈ કચોરી ચાટ, ઢોકળાં સુશી જેવી અઢળક ફ્યુઝન વાનગીઓ તથા જાતજાતની કેક્સ બનાવે છે.

મને યાદ છે, વર્ષો પહેલાંની ‘ટીડીએફ’ અંગેનું એક ઘરેલુ પત્રકારમિલન. તરલાબહેને વિકસાવેલી અમુક પંજાબી સબ્જી ચખાડવા તરલાબહેન-સંજયભાઈએ દક્ષિણ મુંબઈમાં એમના ઘરે ચૂંટેલા 5-6 પત્રકારોને બોલાવેલા, જેમાં આપનો વિશ્વાસુ ગયેલો. તરલાબહેને ‘ટીડીએફ’ના પૅકેટ્સમાંથી રસોઈ બનાવી અમને જમાડેલા. પત્રકારોની વિદાય બાદ અમે ગપ્પાં મારતાં બેઠેલાં.

રસોઈને લગતી ૧૪૦થી વધુ કૂક બુક લખનારાં તથા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે પદ્મશ્રી એવૉર્ડ મેળવનારાં તરલાબહેનનો જન્મ-ઉછેર પુણેમાં. ગુલાબબહેન અને ધરમદાસ શાહનાં મોટાં દીકરી તરલાબહેનને યુવાવસ્થામાં રસોઈમાં કોઈ ખાસ રુચિ નહોતી. જો કે શૈશવકાળમાં એમનાં માતાની તબિયત નરમગરમ રહ્યાં કરતી એટલે આઠેક વર્ષની ઉંમરથી એમને રોટલી-શાક, દાળ-ભાત, બનાવતાં આવડી ગયાં.

સાસરામાં મહારાજ, બાઈ, વગેરે હતાં, પણ પતિને ખુશ કરવા તરલાબહેન નિતનવી રેસિપી શીખતાં. નલિનભાઈ અમેરિકાથી ભણીને આવેલા એટલે એમને વેસ્ટર્ન ફૂડ ભાવતું અને તરલાબહેનને ગુજરાતી રસોઈ સિવાય કંઈ ન આવડે, પણ પુસ્તકો વાંચીને એ શીખ્યાં. તે વખતે મુંબઈમાં એક પારસી બાનુના કૂકિંગ ક્લાસ ચાલતા, પણ એ નૉન-વેજિટેરિયન વાનગી શીખવતાં એટલે શુદ્ધ શાકાહારી તરલાબહેનને એ ન ફાવ્યું. એમણે પોતાની રીતે ઘરે પ્રયોગ કરવા માંડ્યા. પછી તો એમણે કૂકિંગ ક્લાસ શરૂ કર્યા.

 

વાનગીઓની રીતનું તરલાબહેનનું પહેલું પુસ્તક પ્રકાશિત કરનાર ‘વકીલ ઍન્ડ સન્સ’ના અરુણભાઈ મહેતાએ મને એક રસપ્રદ કિસ્સો કહેલો. ગયા વર્ષે 90 વર્ષની વયે અરુણભાઈનું નિધન થયું. એમના શબ્દોમાં, “1960ના દાયકામાં મારા કાકા અમારો પ્રિન્ટિંગ બિઝનેસ સંભાળતા. તે વખતે તરલાબહેને એમને રસોઈની રીત વિશેનું પુસ્તક છાપવા કહ્યું તો કાકાએ છાશિયું કરતાં કહ્યું, “બૈરાં તો બાળપણથી જ રસોડામાં હોય… રસોઈ બનાવવાની ચોપડી એ કયે દહાડે વાંચવાનાં?”

જો કે તરલાબહેને મનમાં ગાંઠ વાળેલી કે પુસ્તક તો છપાવવું જ છે. 1973-1974ના અરસામાં, દલાલપરિવારના પડોશી એવા અરુણભાઈએ એમનું પહેલું પુસ્તક છાપ્યું- ‘ધ પ્લેઝર ઑફ વેજિટરિયન કૂકિંગ.’ આ પુસ્તકની પાંત્રીસથી વધુ આવૃત્તિ થઈ, પંદર લાખથી વધુ કૉપીઝ ભારત ઉપરાંત આફ્રિકા જેવા દેશોમાં વેચાઈ.

દેશ-વિદેશની હજારો મહિલાને પાકકલા શીખવી એમને આત્મનિર્ભર બનાવાવનું, સેંકડોને આન્ત્રપ્રેન્યોર બનાવવાનું શ્રેય જેમને મળે એવાં તરલાબહેનું 2013ના નવેમ્બરમાં 77 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું.

-અને ફિલ્મ કેવી છે? ફિલ્મ ઓકે છે. શરૂઆતમાં ગતિ થોડી ધીમી છે, પણ પછી એક પછી એક પ્રસંગની ઘટમાળ આવતી જાય છે. ‘દંગલ,’ ‘છિછોરે,’ ‘સિઆચીન વૉરિયર્સ’ જેવી ફિલ્મમાં રાઈટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળનાર ડિરેક્ટર પીયૂષ ગુપ્તાની તરલા ત્રણ હજાર રૂપિયા-પર-ડિશ જેવી, જોતાં જ આફરો ચડાવી દેતા બૂફે જેવી નથી, પણ ભાણજી લવજીના ચોખ્ખા ઘીથી મઘમઘતી સાદી, પણ સ્વાદિષ્ટ વાનગી જેવી છે.