ઘટના નંબર એકઃ અલાહાબાદ હાઈ કોર્ટની લખનૌ બેન્ચમાં ‘આદિપુરુષ’ને બૅન કરવા વિશેની સુનાવણી ચાલી રહી છે. કોર્ટે કડક શબ્દમાં કહ્યું કે દર વખતે હિંદુઓએ જ સહન કરવાનું? તમે (નિર્માતા-દિગ્દર્શક) શ્રીરામ-સીતાજી-હનુમાનજી-રાવણ બતાવો છો ને ફિલ્મના આરંભમાં સૂચના મૂકો છો કે આ ચિત્રપટ રામાયણ આધારિત નથી. શું સિનેમાપ્રેમીને મૂરખ સમજો છો?
ઘટના નંબર બેઃ બેએક દિવસ પહેલાં ડિરેક્ટર-ઍક્ટર શેખર કપૂરે ટ્વિટ કર્યું કે “1995માં ‘બૅન્ડિટ ક્વીન’ માટે મને ફિલ્મફૅર એવૉર્ડ એનાયત થવાનો હતો તે પહેલાં આયોજકોએ મને સૂચના આપેલી કે તમારા પ્રતિભાવમાં કોઈ પણ જાતના પોલિટિકલ-કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ કરતા નહીં.” શેખર કપૂરે વચન પાળ્યું, પણ સ્ટેજ પર બન્ને હાથમાં હાથકડી પહેરીને ગયેલા. ડાકુરાણી ફુલન દેવીના જીવન પર આધારિત ‘બૅન્ડિટ ક્વીન’ પર તે વખતની સરકારે એમ કહીને પ્રતિબંધ મૂકેલો કે ફિલ્મ હિંસાપ્રચુર છે તથા રેપ સીન પણ જુગુપ્સાપ્રેરક છે. પછી શેખર કપૂર અને નિર્માતાએ સુપ્રીમ કોર્ટનાં બારણાં ખટખટાવેલા. કોર્ટે ફિલ્મ રિલીઝ કરવાની અનુમતિ આપી, પણ ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને’ ફરીથી જોઈ, વાંધાજનક દશ્યોની કાપકૂપ (17 મિનિટ) કરી પછી જ રિલીઝ થઈ.
-અને ઘટના નંબર ત્રણ તે એ કે ગયા અઠવાડિયે મેં ફિલ્મની રિલીઝ પહેલાં વાંધાવચકા નીકળે એ વિશે લખેલું તો મુંબઈના મલાડથી મુકેશભાઈએ મેસેજ કરીને પુછાવ્યું કે “એવો કોઈ કિસ્સો ખરો કે ફિલ્મની રિલીઝ કોઈ કારણસર એની પર પ્રતિબંધ આવ્યો હોય, ને ફિલ્મને પાછી ખેંચી લેવી પડી હોય?”
મેસેજ વાંચીને અચાનક મસ્તિષ્કમાં ફ્લૅશબૅક માટે ફેમસ સંતૂરની સુરાવલી રણઝણવા માંડે છે ને હું જઈ પહોંચું 1950ના દાયકામાં. ૧૯૫૭ની સાલમાં આવો એક કિસ્સો બનેલો. કિશોરકુમાર, શકીલા, મુબારક, રાધાકિશન, આપણા કૃષ્ણકાન્ત (કેકે), મહેમૂદ જેવા કલાકારોને ચમકાવતી એક ફિલ્મ રિલીઝ થઈઃ ‘બેગુનાહ’. ડિરેક્ટર નરેન્દ્ર સૂરી માટે લેખક-દિગ્દર્શક-અભિનેતા આઈ.એસ. જોહરે કથા લખેલી. ફિલ્મમાં શંકર-જયકિશને સ્વરાંકિત કરેલાં ગીતો તો હતાં જ, પણ કેકેએ આપેલી માહિતી મુજબ, એમાં જયકિશને નાનકડો રોલ પણ કરેલો. એક સીનમાં જયકિશન પિયાનો વગાડતાં વગાડતાં દર્દભર્યું ગીત ગાય છેઃ ‘અય પ્યાસે દિલ બેજુબાં, તુઝકો મૈં લે જાઉ કહાં’… ગીતને કંઠ આપેલો મુકેશે. બીજાં ગીતો પણ લોકજીભે ચડેલાં.
રિલીઝ બાદ ફિલ્મ સારી ચાલી રહી હતી, પણ ત્યાં જ- સબૂર… આ શું? અમેરિકાના જગવિખ્યાત ડિસ્ટ્રિબ્યૂટર પૅરેમાઉન્ટ પિક્ચર્સની ‘બેગુનાહ’ના નિર્માતા અનુપચંદ શાહ પર નોટિસ આવીઃ “આથી જત જણાવવાનું કે ‘બેગુનાહ’ ૧૯૫૪માં રિલીઝ થયેલી કૉમેડી ‘નૉક ઑન વૂડ’ની નકલ છે. આ ફિલ્મ (‘નૉક ઑન વૂડ’)નું ડિસ્ટ્રિબ્યૂશન અમે કર્યું છે.”
નોટિસ આપી તો આપી, પૅરેમાઉન્ટે ‘બેગુનાહ’ના નિર્માતાઓ પર કોર્ટમાં કેસ પણ કર્યો. હવે, ‘નૉક ઑન વૂડ’ હોલિવૂડના તે વખતના પ્રખ્યાત ઍક્ટર-કૉમેડિયન-સિંગર ડૅની કેને ચમકાવતી સુપરહિટ ફિલ્મ હતી. ફિલ્મમાં ડૅની વેન્ટ્રિક્વોલિસ્ટ બનેલા. વેન્ટ્રિક્વોલિસ્ટ એટલે એ કળાકાર, જે હાથમાં ઢીંગલો કે ઢીંગલી લઈને એવી રીતે બોલે કે પ્રેક્ષકને એમ જ લાગે કે ઢીંગલો-ઢીંગલી બોલી રહ્યાં છે.
-અને માળો હાળો કેસ પણ ફટાફટ ચાલ્યો. નામદાર જજે પૅરેમાઉન્ટ પિક્ચર્સની તરફેણમાં ચુકાદો આપ્યો. તે વખતે ‘બેગુનાહ’ મુંબઈમાં સ્વસ્તિક સિનેમામાં ચાલી રહી હતી. કેકેએ મને કહેલું તે મુજબ 13મું અઠવાડિયું હતું પણ અમુક ફિલ્મપંડિત કહે છે કે રિલીઝ બાદનો 10મો દિવસ હતો. એ જે હોય તે, જજમેન્ટ આવતાં જ એની પર બૅન મૂકવામાં આવ્યો. ફિલ્મ ઉતારી લેવામાં આવી એટલું જ નહીં, પણ બૉમ્બે હાઈ કોર્ટે હથોડો પછાડતાં એમ પણ કહ્યું કે ‘બેગુનાહ’ની જેટલી નેગેટિવ હોય એનો નાશ કરો.
કહાનીમાં ટ્વિસ્ટ તો એ છે કે ફિલ્મની રિલીઝ અને એની પર પ્રતિબંધ આવ્યો એનાં સાઠેક વર્ષ બાદ પુણે સ્થિત ‘નૅશનલ ફિલ્મ આર્કાઈવ્સ’ને જયકિશનના કોઈ ચાહક પાસેથી ‘બેગુનાહ’ના અમુક રીલ મળેલા. આ એ જ રીલ હતા, જેમાં જયકિશન દર્દભર્યું ગીત ગાય છે.
કૉપી કરવા માટે મૂળ નિર્માતા વિતરક દ્વારા આપણી કૉર્ટમાં કેસ થાય, ચુકાદો એમની તરફેણમાં આવે ને ફિલ્મ ઉતારી લેવી પડે એવો આ કદાચ વિરલ કિસ્સો હશે. હેંને?