આજકાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રવચન અને એમાં થયેલો મંગળસૂત્રનો પ્રયોગ ચર્ચામાં છે, તો, ગયા મહિને ઈન્દોરની ફૅમિલી કોર્ટના પ્રિન્સિપલ જજે એક કેસમાં ચુકાદો આપતાં કહ્યું કે “પરિણીત સ્ત્રી માટે સિંદૂર લગાડવું એ એની પવિત્ર ફરજ છે”.
પાંથીની મિડલમાં શોભતી લાલચટાક સેર લાગે નાજુકનમણી, પણ હિંદી સિનેમામાં જબરી ઊથલપાથલ સર્જી કાઢે. ભલભલા ટેન્શનમાં પણ હીરોઈન ખાલી એટલું કહી દે કે “તુમ્હે મેરે સિંદૂર કા વાસ્તા” એટલે ફિન્નિશ. બધાની બોલતી બંધ. એવી જ રીતે મંગલસૂત્ર અને કપાળ પરનો ચાંલ્લો.
દક્ષિણના દિગ્ગજ દિગ્દર્શક બાપુએ ચારેક દાયકા પહેલાં એમની તમિળ ફિલ્મ પરથી વો સાત દિન બનાવેલી. એમાં અનિલ કપૂર-પદ્મિની કોલ્હાપુરેને પ્રેમ હોય છે, પણ સંજોગવશાત્ પદ્મિનીએ ડૉ. આનંદ (નસીરુદ્દીન શાહ) સાથે લગ્ન કરવાં પડે છે. એ પછી જ્યારે ડૉ. આનંદને અસલ કહાણી ખબર પડે છે ત્યારે એ અનિલ કપૂરને કહે છે કે એ પદ્મિનીને અપનાવી લે, પણ અનિલભાઈ કહે છે કે “નૉટ પોસિબલ. આપણી એક પરંપરા છે કે એક વાર આદમીએ કોઈ ઔરતની માઁગમાં સિંદૂર પૂર્યું, એના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું એટલે એ ઔરત પેલા આદમીની અર્ધાંગિની બની જાય. જો પદ્મિની એના ગળામાંથી મંગળસૂત્ર ઉતારીને ફેંકી દે તો હું એને અપનાવવા તૈયાર છું… એ ન કરી શકે તો ડૉ. આનંદ, તમે કાઢી નાખો એનું મંગળસૂત્ર…” જો કે એવું બનતું નથી ને અનિલ ત્યાંથી ચાલતી પકડે છે. વર્ષો વીત્યે આપણા સંજય લીલા ભણસાલીએ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના અંતમાં આવો જ સીન રાખેલો. વનરાજ (અજય દેગવન) પત્ની નંદિનીનો ભેટો એના પ્રેમી (સલમાન) સાથે કરાવવા ઈટાલી (કે હંગેરી) જાય છે, પણ ત્રણેવ મળે છે ત્યારે સલમાન, વો સાત દિનની જેવો સંવાદ બોલે છે ને વનરાજ નંદિનીની માઁગમાં સિંદૂર પૂરે છે. મતલબ પ્રેમ કરતાં લગ્ન વધુ મહત્વનાં ને પવિત્ર છે.
વર્ષો પહેલાં અપરિણીત અભિનેત્રી રેખા ગણેશન્ એક જાહેર સમારંભમાં સિંદૂર લગાડીને આવેલી ત્યારે કેવડો કલહ થયેલો એ સૌ જાણે છે. આ તો રિઅલ લાઈફની વાત હતી, બાકી રીલ લાઈફમાં સિંદૂર અને મંગળસૂત્રનો ઉપયોગ નાટકીયવેડા માટે જ થતો હોય છે. ચાર-પાંચ અઠવાડિયાં પહેલાં ભૂલથી એક ટીવીસિરિયલ જોવાઈ ગઈ. એના એક દશ્યમાં હીરોઈન ભગવાનની પૂજા કરતી હોય છે ત્યારે એના હાથમાં કંકુ કંઈ એવી વિચિત્ર રીતે છટકે છે કે બાજુમાં ઊભેલા હીરોને ટચ કરીને એની સેંથીની વચ્ચોવચ પથજાય છે. આવું જ કંઈ ‘મુજસે દોસ્તી કરોગે’ ફિલ્મમાં બનેલું. પૂજા અને રાજ એકમેકને પ્યાર કરતાં હોય છે, પણ સંજોગવશાત્ રાજે ટીના સાથે લગ્ન કરવા એવું નક્કી થાય છે. ક્લાઈમેક્સમાં રાજના હાથમાંથી કંકુની ડાબલી છટકે છે ને અકસ્માત્ પૂજાના કપાળ પર, સેંથી પર છંટકાવ થઈ જાય છે અને સૌ સારાં વાનાં થાય છે.
ડિરેક્ટર મોહિત સુરીની ફિલ્મ ‘હમારી અધૂરી કહાની’માં વસુધા (વિદ્યા બાલન)નો પતિ હરિ પ્રસાદ (રાજકુમાર રાવ) પાંચ વર્ષ ગાયબ રહ્યા બાદ અચાનક એક દિવસ પ્રગટ થાય છે. આવતાંવેંત એની નજર પત્નીની સેંથી પર જાય છેઃ “તુમ્હારા સિંદૂર ઔર મંગલસૂત્ર કહાં હૈ”? વસુધાને આવો માલિકી જમાવતો સવાલ પસંદ આવ્યો ન હોય એમ છાશિયું કરતાં કહે છેઃ “માઁગ મેરી… સિંદૂર તુમ્હારા”. જાણે ફિલ્મનું ટાઈટલ. ઈન ફૅક્ટ, સિંદૂર શીર્ષકવાળી આપણે ત્યાં ઢગલાબંધ ફિલ્મો બની છે, ખાસ કરીને 70 અને 80ના દાયકામાં. ‘સિંદૂર ઔર બંદૂક’, ‘સિંદૂર કી સૌગંધ’, ‘ખૂન કા સિંદૂર’, ‘સિંદૂર બને જ્વાલા’, ‘ઉધાર કા સિંદૂર’… સિંદૂર અને સુહાગ અને મગળસૂત્રની આસપાસ ફરતી ફિલ્મ દક્ષિણ ભારતના નિર્માતા ખૂબ બનાવતા. મદ્રાસના નિર્માતાની 1976માં આવેલી ‘ઉધાર કા સિંદૂર’માં રાજા (જિતેન્દ્ર) જેને પ્રેમ કરતો હોય છે એ રેખા (રીના રૉય)ને બદલે એની બહેન શાંતા (આશા પારેખ) સાથે લગ્ન કરે છે. ક્લાઈમેક્સમાં શાંતા સ્યુસાઈડ કરે છે, પતિના ખોળામાં અંતિમ શ્વાસ લેતાં પહેલાં એ પોતાનું સિંદૂર ભૂંસીને રેખાની સેંથીમાં લગાડે છે.
આવા જ મદ્રાસી કે. રવિશંકરની ‘સિંદૂર’ ફિલ્મમાં હીરો વિજય (જિતેન્દ્ર) એની પત્ની લક્ષ્મી (જયાપ્રદા)ના ચારિત્ર્ય પર શંકા કરી એને કાઢી મૂકે છે. લક્ષ્મી ત્યારે પ્રેગ્નન્ટ હોય છે, જેની વિજયને ખબર નથી. હતાશ લક્ષ્મી એક મંદિરમાં જાય છે. વીજળીના કડાકાભડાકા સાથે તૂટી પડેલા વરસાદમાં લક્ષ્મીની માઁગનું સિંદૂર ભૂંસાઈ જાય છે. એ કંઈ સમજે તે પહેલાં મંદિરના પૂજારી એને ઍડવાઈઝ આપતાં કહે છેઃ “બેટી, અબ તુજે બિના સિંદૂર કી વિધવા બન કર બચ્ચે કો પાલના હોગા”. કોઈ ફિલ્મમાં ગાંધર્વ લગ્નના સીનમાં સિંદૂર, કંકુ ન હોય તો હીરો કે (હીરોઈન)ના લોહીથી કામ ચાલી જાય છે.
ક્યારેક સિંદૂર સંવાદની ગરજ પણ સારે. ‘દીવાર’માં ઈન્સ્પેક્ટર રવિ વર્મા (શશી કપૂર)ને ખબર પડે છે કે વર્ષોથી ગુમશુદા એના પિતા (સત્યેન કપ્પુ) શ્રીજીચરણ પામ્યા છે ત્યારે એ મમ્મી (નિરૂપા રૉય)ને માઠા સમાચાર મોઢેથી આપવાને બદલે એને સિંદૂર-ચાંદલો કરતાં અટકાવે છે. મનમોહન દેસાઈની ‘અમર અકબર એન્થની’માં આનું રિવર્સ છેઃ નિરૂપા રૉયને એમ છે કે એના પતિદેવ (પ્રાણ) ક્યારનાયે કાળધર્મ પામ્યા છે… એટલે અકબર (રિશી કપૂર) જ્યારે એને કંકુની ડાબલી આપે છે ત્યારે એ ગુસ્સે થાય છે. જો કે અકબર એને ખુશખબર આપતાં કહે છે કે એનો સુહાગ જિંદા છે… એટલું જ નહીં, પણ કડેધડે છે.
ક્યાંક સંવાદ ચોટદાર ન લાગે તો સિંદૂરની આસપાસ ફરતાં ગીતો સ્વરબદ્ધ કરવામાં આવે છેઃ “રખ લાજ મેરે સિંદૂર કી અથવા “મેરી માઁગ મે તેરા સિંદૂર હૈ”… અથવા “ચૂટકીભર સિંદૂર સે તુમ અબ યે માઁગ ઝરા ભર દો”… બાજીરાવ મસ્તાનીમાં કાશીબાઈને પતિદેવ બાજીરાવ અને મસ્તાનીના સંબંધ વિશે અણસાર આવતાં પિંગા સોંગમાં ગાય છેઃ “દોનો કી માઁગ લગે સૂની આધી આધી”…
ઈન્ટરેસ્ટિંગ્લી, એવીયે ફિલ્મો આવી, જેમાં હીરો-હીરોઈન પરિવારને બેવકૂફ બનાવવા પતિ-પત્ની હોવાનું નાટક કરતાં હોય. એમાં કોઈ જમાનાના ખાધેલ વડીલ ખોંખારો ખાઈને કહેઃ “બેટી, તુમ્હારી માઁગ મેં સિંદૂર ક્યોં નહીં હૈ”? અને પછી હીરોને આદેશ કરે “ચલો બેટા, બહુ કી માઁગ મેં સિંદૂર ભરો”… આવા ટાઈમે હીરોનો દોસ્તદાર કે હીરોઈનની બહેનપણી કંઈ ગેમ રમી જાય ને સિચ્યુએશન સંભાળી લે. રોહિત શેટ્ટીની ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં રાહુલ અને મીનાઅમ્મા (શાહરુખ-દીપિકા પદુકોણ) આ રીતે રહેતાં હોય છે ત્યારે એક રિવાજ મુજબ રાહુલે પત્નીને તેડીને ટેકરી પર આવેલા મંદિર જવાનું હોય છે. અહીં સુધી તો ઠીક હતું, પણ ઉપર પહોંચ્યા પછી સિંદૂર લગાડવાનું હતું. તો જ વિધિ કમ્પ્લિટ થાય. મીનાઅમ્મા ઈમોશનલ થઈ જાય છે, પણ રાહુલ તત્કાળ સિંદૂર અને મીનાની લાગણી પ્રત્યે દુર્લક્ષ કરીને મોઢું ફેરવી લે છે.
જો કે મૉડર્ન જમાનામાં ફરાહ ખાને ‘ઓમ શાંતિ ઓમ’માં આપણને સિંદૂરનું મહત્વ સમજાવ્યું. પુનર્જન્મના પ્લોટવાળી ફિલ્મમાં 1970ના દાયકાની હીરોઈન શાંતિ (દીપિકા પદુકોણ) કહે છેઃ “હર ઔરત કા ખ્વાબ હોતા હૈ સિંદૂર… સુહાગન કે સર કા તાજ હોતા હૈ સિંદૂર… એક ચૂટકી સિંદૂર કી કીમત તુમ ક્યા જાનો રમેશ બાબુ”? વર્ષો વીત્યે શાંતિ જેવી દેખાતી સૅન્ડી (દીપિકા)એ આ સંવાદ બોલવાનો આવે છે ત્યારે એ હસવાનું ખાળી શકતી નથી.
તમને આવી કોઈ ફિલ્મ યા આવે તો કહેજો. હા, એક સ્પષ્ટતાઃ આમાં આપણી સંસ્કૃતિ, પરંપરા, રીતરિવાજની મશ્કરી કરવાની નથી. હેતુ માત્ર હિંદી સિનેમામાં મંગળસૂત્ર, ચાંદલો, સિંદૂરનો કેવો મેલોડ્રામેટિક ઉપયોગ થાય છે એનું રિ-રન કરવાનો છે. આજકાલ તો આવી ફિલ્મ કે સીન ફિલ્મમાં તો નથી હોતા, હા, ક્યારેક ટીવીસિરિયલમાં જોવા મળી જાય છે.