ઓપનિંગ ક્રેડિટ્સમાં “મૂલ કહાની કે લેખક ક્રિશ્ન દેવ યાજ્ઞિક” એવું વાંચીને મેં બાજુમાં બેઠેલા સમીક્ષકમિત્રને કોણી મારી… હિતેનકુમાર-હિતુ કનોડિયા-નીલમ પંચાલ-જાનકી બોડીવાલા-અંશને ચમકાવતી, ક્રિશ્નદેવ યાજ્ઞિક-કે.ડી. લિખિત-દિગ્દર્શિત અને કેદાર-ભાર્ગવના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકવાળી ‘વશ’ ગયા વર્ષે ઓલમોસ્ટ આ જ સમયે આવીને ધૂમ મચાવી ગયેલી. એના પરથી સર્જાયેલી ‘શૈતાન’ આજે (8 માર્ચે રિલીઝ) થઈ.
સ્ટોરીટાઈમઃ ધૂમ કમાણી કરતો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કબિર (અજય દેવગન) પરિવાર સાથે વરસાદી વીકએન્ડ માણવા શહેરથી દૂર આવેલા પોતાના ફાર્મ હાઉસ પર જાય છે. પરિવારમાં છે પત્ની જ્યોતિ (જ્યોતિકા), ટીનેજ લાડલી જાહ્નવી (જાનકી બોડીવાલા), જરા વહેલો મોટો (ઓવરગ્રોન) થઈ ગયેલો, પ્રેક્ષકને ઈરિટેટ કરતો આઠ-વર્ષી નાનકો ધ્રુવ (અંગદ રાજ)… શહેરથી જંગલ વચાળે આવેલા ફાર્મ હાઉસ જતાં વાટમાં ધાબા પર મળેલો વનરાજ (આર. માધવન્) બંગલા સુધી આવી ચડે છે કેમ કે એના ફોનની બૅટરી ડેડ છે. પંદરેક મિનિટના ચાર્જિંગ બાદ જતો રહેશે એવું એ કહે છે, પણ એ જવાનું નામ જ નથી લેતો. આટલું જ નહીં, પણ કબીરની લાડલી જાહ્નવી (જાનકી બોડીવાલાએ) ડરામણા વનરાજનો સાથ આપવા માંડે છે, એ કહે એમ કરે છેઃ ચાની ભૂકી ફાંકી જાય છે, પોતાના ગાલે તમાચા મારે છે, ચાકુથી મમ્મી-પપ્પા પર વાર કરે છે, કેમ કે વનરાજે એની પર વશીકરણ કર્યું છે. વનરાજ પોતાને સર્વશક્તિમાન ઈશ્વર ગણાવે છે. એ જાહ્નવીને ને પોતાની સાથે લઈ જવા માગે છે, માતા-પિતા વહાલસોયી પુત્રીને છોડવા તૈયાર નથી અને છેડાય છે સારા-ખરાબનું દ્ધંદ્ધ. ડિરેક્ટર વિકાસ બહલે હિંદી ફિલ્મ સર્જી છે. સંગીતકાર કેદાર-ભાર્ગવનું સ્થાન લીધું છે અમીત ત્રિવેદીએ.
મૂળ કૃતિમાં દીકરીની ભૂમિકા ભજવનારી જાનકી બોડીવાલાએ રિમેકમાં પણ એ જ ભૂમિકા ભજવી છે. વનરાજનો પડ્યો બોલ ઝીલી લેતી વખતે એના ચહેરાના હાવભાવ, અંગભંગિમા સંવાદ વગર ઘણું બધું કહી જાય છે. અને વનરાજ કરતાં પ્રતાપ (હિતેનકુમાર) બેટર (કહો કે ડરામણા) હતા. માધવન્ સારો અદાકાર હોવા છતાં અહીં નથી જામતો. અજય-જ્યોતિકા સરસ.
બે શબ્દ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને કૅમેરાવર્ક (સુધાકર રેડ્ડી) વિશે. આમ તો કોઈ બી ફિલ્મમાં બન્ને મહત્વનાં હોય, પણ હૉરર, સાઈકૉલૉજિકલ થ્રિલરમાં પ્રેક્ષકને જકડી રાખવાની જવાબદારી એમની પર હોય. ઉદાહરણ તરીકે માધવનની એન્ટ્રીવાળો સીન. એ વેળાએ કૅમેરાએન્ગલ અને મ્યુઝિક પ્રેક્ષકને હિન્ટ આપી દે છે કે આ માળોહાળો કંઈ કરવાનો છે. બીજો સીન. કાળી રાત ને ધોધમાર વરસાદમાં બંગલામાં કંઈ બન્યું છે કે એ ચેક કરવા પુલીસ અફ્સર કૉન્સ્ટેબલ સાથે બંગલા પર આવે છે. સામે પરિવારે એવું વર્તન કરવાનું છે કે ઘરમાં બધું નોર્મલ છે. તમે ખુરશીમાં ઉભડક થઈ જાવ છોઃ હમણાં કંઈ બનશે. એક સીનમાં ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમાં તરતા રબરના મગર પર મંડરાયેલો કૅમેરા અને મ્યુઝિક પણ વાતાવરણ સૅટ કરી આપે છે.
ઓલરાઈટ. ‘શૈતાન’ સામે મારો મૂળભૂત વાંધો છે પટકથા (આમિલ કિયાન ખાન). પટકથાનાં બાકોરાં (જે વર્ણવવામાં સ્પોઈલરનો ભય છે). ઓકે, આ જુઓઃ વનરાજનો મોટિવ અથવા એ જે કંઈ કરે છે એ શું કામ કરે છે એ બધું કાચુંપાકું રંધાયું છે. ઓલમોસ્ટ કાચું. અને સંવાદ? “તુમે લગા તુમ મુજે પૈસે સે ખરીદ લોગે?” અરે યાર… ‘શૈતાન’ એક સરસ હૉરર કે સુપરનૅચરલ થ્રિલર બની શકી હોત, પણ ચીવટના અભાવવાળું ડિરેક્શન, વધુપડતો લાંબો, ગળે ન ઊતરે એવો, અતાર્કિક, નિરાશાજનક ક્લાઈમૅક્સ એને એવરેજ ફિલ્મ બનાવી મૂકે છે. ‘વશ’નો ક્લાઈમેક્સ- “ન રહેશે વાંસ ન વાગશે વાંસલડી” તથા ટ્રીટમેન્ટ બેટર હતાં. ‘ક્વીન,’ ‘સુપર થર્ટી’ અને છેલ્લે ‘ગુડબાય’ જેવી ફિલ્મના સર્જક પાસે સરસ વિષય પરથી સરસ ફિલ્મની અપેક્ષા હતી.