…તો થયું હોત પરફેક્ટ લૅન્ડિંગ

ઈન્ડિયન એરફોર્સનો નિવૃત્ત કૅપ્ટન વીર મ્હાત્રે (અક્ષયકુમાર) મુંબઈની એક સસ્તી, પણ સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસતી રેસ્ટોરાંમાં ઢોસો ખાતાં ખાતાં સામે બેઠેલા વેન્ચર કેપિટલિસ્ટ (પ્રકાશ બેલાવડી)ને કહે છે કે “આ જ ઢોસો તમે ફાઈવસ્ટાર હોટેલમાં ખાવા જશો તો તમારી પાસેથી બસ્સો રૂપિયા લઈ લેશે ને સ્વાદમાં કશોયે ભલીવાર નહીં હોય તમને જાણીને નવાઈ લાગશે કે ફાઈવસ્ટાર હોટેલના શેફ પણ અહીં જ ઢોસો ખાવા આવે છે”. ઝડપી મિટિંગ બાદ પેલા વેન્ચર કેપિટલિસ્ટ વિદાય લે છે ને વેઈટર ટેબલ ક્લીન કરવા આવે છે ત્યારે કેપ્ટન વીર એને પેલા વેન્ચર કેપિટલિસ્ટની પ્લેટ લઈ જતાં રોકે છે કેમ કે એમાં હજુ અડધો ઢોસો બચ્યો છે. વીર મ્હાત્રે એ એંઠો, છાંડેલો ઢોસો ખાઈને પછી જ પ્લેટ ક્લીન કરવા કહે છે. વાહ! ગજ્જબનું ડિટેલિંગ ભાઈ!

આ અને આવા અનેક, પરાણે ખેંચાયેલા સીન, ફ્લેશબેકમાં એક ફ્લેશબેક ને એ ફ્લેશબેકમાંયે ફ્લેશબેક, કોઈ પણ જાતની રિલીફ ન આપતાં ગીતો, વગેરે જોતાં એમ લાગે કે ડિરેક્ટર સુધા કોન્ગારાનો એડિટિંગ ડિપાર્ટમેન્ટ કદાચ હડતાળ પર હશે.

તમિળ રાઈટર-ડિરેક્ટર સુધા કોન્ગારા પ્રસાદે 2020માં તમિળ સુપરસ્ટાર સૂર્યાને લઈને ‘સૂરારાઈ પોત્તરુ’ બનાવેલી, જે પેન્ડેમિકના લીધે સીધી ઓટીટી પર (એમેઝોન પ્રાઈમ પર) રિલીઝ થયેલી. 2003માં અપાર સંઘર્ષ બાદ સસ્તાં વિમાનભાડાંની દેશની પહેલી એરલાઈન ‘એર ડેક્કન’ શરૂ કરનારા કૅપ્ટન જી.આર. ગોપીનાથની ઓટોબાયોગ્રાફિકલ બુક ‘સિમ્પ્લી ફ્લાઈ’ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી ‘સૂરારાઈ પોત્તરુ’ની હિંદી રિમેક છે ‘સિરફિરા’, જે મિશન મંગલ, મિશન સેનિટરી પેડ, મિશન હોકી (ગોલ્ડ), મિશન બેલબોટમ, મિશન રામસેતુ અને છેલ્લે મિશન રાનીગંજ બાદ અક્ષયકુમારનું આ નવું મિશન છેઃ લો કોસ્ટ એરલાઈન.

મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં વસતા કેપ્ટન વીર મ્હાત્રેનું સસ્તી, સૌને પરવડે એવી ઉડિપી હોટેલ આકાશમાં શરૂ કરવાનું સપનું છે. એક એવી એરલાઈન જેનાં ભાડાં દેશની આમ જનતાને પરવડે. આ માટે એ બધું દાવ પર લગાવી દે છે. કેપ્ટન ગોપીનાથ મૂળ કર્ણાટકના અને મૂળ ફિલ્મમાં પણ દક્ષિણ ભારતીય પૃષ્ઠભૂ હતી. હિંદી આવૃત્તિ માટે મહારાષ્ટ્રિયન પૃષ્ઠભૂ રાખવામાં આવી છે.

‘સિરફિરા’ની મુશ્કેલી છે પળે પળે આવી જતો મેલોડ્રામા. તમે એક પ્રેરણાદાયી સત્યકથા નહીં, પણ એક ટિપિકલ હિંદી ફિલ્મ જોઈ રહ્યા છો એવું પળે પળે તમને યાદ કરાવવામાં આવે છે. અહીં એક સંઘર્ષપુરુષ નથી, પણ હીરો છે, જે ખેડૂત છે, અલગારી યુવાન છે, એ પાઈલટ છે, એ પ્લેન રિપેર કરે છે, એને હિસાબકિતાબ આવડે છે, એ પ્રેમી છે, પતિ છે, નવજાત શિશુનો પિતા છે. એ બધું જ છે. સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે ડિરેક્ટર પર હીરો સવાર થયો હશે.

વીર મ્હાત્રેની પત્ની રાણીની ભૂમિકામાં રાધિકા માદન છે. એ બેકર છે, બેકરી-કમ-રેસ્ટોરાં ચલાવે છે. મૂળ ફિલ્મની જે તાકાત હતી (પતિ-પત્નીના સંબંધ) એ અહીં કમજોર કડી બનીને રહી ગયા છે. જો કે રાધિકાએ કામ સારું કર્યું છે. તો ભારતીય એરલાઈન ઈન્ડસ્ટ્રીના માંધાતા, ખંધા પરેશ ગોસ્વામી (પરેશ રાવલ)નું પાત્ર ‘જેટ એરવેઝ’ના નરેશ ગોયલ પર આધારિત છે. અને ફિલ્મમાં બેસ્ટ સીન વીર મ્હાત્રે અને પરેશ ગોસ્વામીના છેઃ પરેશની એરલાઈનના બિઝનેસ ક્લાસમાં બન્નેની પહેલી મુલાકાતથી લઈને ડગલે ને પગલે થતી એમની ટક્કર. પરેશભાઈ, રાબેતા મુજબ, એમની ઠંડી ક્રૂરતાથી છવાઈ જાય છે. મૂળ તમિળ ફિલ્મમાં પણ આ રોલ એમણે જ ભજવેલો. વીર મ્હાત્રેના મામા સસરાની ભૂમિકામાં રંગભૂમિના ઉત્તમ અદાકાર જય ઉપાધ્યાયને જોઈને આનંદાશ્ચર્ય થયું.

એકાદ-બે સીનમાં વિજય માલ્યાનું પાત્ર પણ દેખા દે છે. રેકોર્ડ સ્ટ્રેઈટ કરવા માટે કહેવું જોઈએ કે કેપ્ટન ગોપીનાથ પાંચેક વર્ષ જ ‘એર ડેક્કન’ ચલાવી શક્યા હતા. 2008માં એમણે વિજય માલ્યાની ‘કિંગફિશર’ સાથે ભળી જવાની ફરજ પડી હતી. પછી ‘એર ડેક્કન’નું અને ‘કિંગફિશર’નું શું થયું એ આપણે જાણીએ છીએ. જો કે આ બધું ‘સિરફિરા’માં બતાવવામાં આવ્યું નથી. 1990ના દાયકાથી શરૂ થયેલી ફિલ્મ 2003માં ડેક્કનની ઉડાન બાદ પૂરી થાય છે.

ટૂંકમાં એટલું જ કહેવાનું કે 155 મિનિટ લાંબી ફિલ્મનું જો એડિટિંગ ચુસ્ત થયું હોત, પેટ-કમર પરની વધારાની ચરબી જેવા, નાટકીયવેડાથી ખદબદતા સીન (દાખલા તરીકે કેપ્ટન વીર મ્હાત્રેના પિતાના મૃત્યુની કથાવાળો સીન) તથા ગીતો ઓછાં કરી સંઘર્ષકથા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો ફિલ્મ સેફ, પરફેક્ટ લેન્ડિંગ જેવી હોત.