બે નવોદિત તારલાથી ચમકતી સૈયારા

મોહિત સુરિએ ડિરેક્ટ કરેલી ફિલ્મો (આવારાપન,’ આશિકી-2હમારી અધૂરી કહાનીહાફ ગર્લફ્રેન્ડએક વિલન, વગેરે) તમે જોઈ હશે તો ખ્યાલ આવી જ ગયો હશે કે એ રમૂજ-બમૂજથી જરા દૂર રહે છે. હ્યુમર સાથે એને ખાસ લેણાદેણી નથી. સૈયારમાં ઓલમોસ્ટ એવો જ સીન છે. કવચિત એકાદ જોક આમતેમથી આવી ચડે છે. એક સીનમાં ફિલ્મનો હીરો અહાન પાંડે એક મોટા ગજાના પત્રકારની એટલા માટે ધોલાઈ કરે છે કેમ કે એ (પત્રકાર) નેપો કિડને સપોર્ટ કરે છે ને પ્રતિભાશાળી સ્ટ્રગલરની અવગણના. આ સીન જોઈને થયું કે વક્રતા આને જ કહેવાતી હશે? હવે આ જુઓઃ સંઘર્ષશીલ સિંગર ક્રિશ (અહાન પાંડે) જોશ નામના બૅન્ડનો હિસ્સો છે. જોશ ચલાવનાર કેવી (અલમ ખાન) વિદેશમાં રહેતા પિતાશ્રી પાસેથી અભ્યાસ માટે ફી મગાવ્યા કરે છે. એક સીનમાં બૅન્ડને પૈસાની જરૂર હોય છે ત્યારે ક્રિશ કહે છેઃ હજી …નું માસ્ટર્સ બાકી છે”. (એટલે હવે માસ્ટર્સના નામે પૈસા મગાવવામાં આવશે).

ઓકે, પહેલી વાત પહેલાઃ સૈયારાનો અર્થ થાય છે આકાશમાં ચમકતો એવો તારો, જે એક જગ્યાએ સ્થિર રહેતો નથી. બીજી વાતઃ આ ફિલ્મથી બે નવોદિત તારલા ટિન્સેલ અને ગ્લિસેરીનની દુનિયામાં ચમકતા થયા છે. નાયિકા અનિત પડ્ડા, જો કે આ પહેલાં રેવતી દિગ્દર્શિત સલામ વેન્કીમાં કામ કરી ચૂકી છે, જ્યારે અનન્યા પાંડેના કઝિન અહાન પાંડેનો આ ફિલ્મથી સિનેમાપ્રવેશ થયો છે. બન્ને વિશે પછી, પહેલાં આ વાંચોઃ

આશરે વીસ વર્ષથી ફિલ્મ બનાવનાર મોહિતની કથા કહેવાની એક પોતીકી છટા છે. રોમાન્સના કારુણ્ય સાથે સુરીલું સંગીત… સૈયારાનું પણ કંઈ એવું જ છેઃ પહેલા દૃશ્યથી ખ્યાલ આવી જાય છે કે અહીં મસ્તમજાની ઋજુ પ્રણયકથા જોવા મળવાની નથી. મતલબ, પ્રણયકથા હશે, પણ એમાં ચડાવઉતાર હશે.

વાણી બતરા (અનિત પડ્ડા) જર્નલિસ્ટ-કમ-રાઈટર-કમ-કવયિત્રી છે. એ તૈયાર થઈને કોર્ટમાં બેઠી છે. આજે એના રજિસ્ટર મેરેજ છે. પપ્પા-મમ્મી (રાજેશ કુમાર-ગીતા અગ્રવાલ) મીઠાઈનાં બે-ત્રણ બૉક્સ સાથે કોર્ટના પ્રાંગણમાં હાંફળાંફાંફળાં થઈને પ્રવેશે છે. મંગેતર મહેશનાં મમ્મી-પપ્પા પણ આવી પહોચ્યાં છે. બસ, મંગેતર આવે એટલે, ઢમક્યાં ને વર વહુના હાથ મળ્યા… પણ વરના બદલે એનો ફોન આવે છેઃ હું સેન ફ્રાન્સિસ્કો જાઉં છું, મારી વાટ ના જોઈશ. હું બીજી કોઈના પ્રેમમાં છું. ચાલ ત્યારે, આવજે.

બ્રેકઅપથી ઉદાસીની ખીણમાં ધકેલાઈ ગયેલી વાણીનો નવો પ્રવાસ શરૂ થાય છે. એ કોઈ મિડિયા કંપનીમાં લેખિકા તરીકે જોડાય છે. હીરો ક્રિશ (અહાન પાંડે) સંઘર્ષશીલ સિંગર છે. કપરું બાળપણ, માનું અવસાન, ડિપ્રેશનમાં શરાબને દોસ્ત બનાવનાર કૅરલેસ બાપ (વરુણ બદોલા)… ક્રિશને વાતે વાતે ગુસ્સે થવાની, સિગારેટો ફૂંકવાની, હેલ્મેટ વગર મોટરબાઈક દોડાવવાની જેવી ભમરાળી આદતો છે. સમજોને કે, કબીર સિંહ. વાણી ધીર-ગંભીર છે, નાનીનાની વાતો ડાયરીમાં ટપકાવે છે, રાતે સાડાઆઠ પછી કામ કરતી નથી, બૅડ વર્ડ્ઝ પ્રત્યે ઈતરાજી છે. કુદરત આ બન્નેને સાથે લાવે છે, વાણી-ક્રિશનો ભેટો થાય છે, બન્ને એકબીજા પ્રત્યે આકર્ષાય છે, પણ પ્યારની પગદંડી પર સ્પીડબ્રેકર પણ છે. કેમ કે દિલ તોડવામાં આપણા સંજયભાઈ (લીલા ભણસાલી) પછી મોહિત સુરિનો નંબર આવે છે. તો, શું વાણી-ક્રિશનો સંબંધ સ્પીડબ્રેકર ઈઝીલી વટાવી જશે?

કથા-પટકથા સંકલ્પ સદાનાનાં છે તથા સંવાદ લખ્યા છેઃ રોહન શંકરે. સંકલ્પનો સ્ક્રીનપ્લે જરા વધારેપડતી છૂટછાટ લે છે. જેમ કે એક પણ આલબમ રિલીઝ કર્યા વિના ક્રિશ દેશ-વિદેશમાં શો કરવા માંડે છે, એ ગમે ત્યારે શો કૅન્સલ કરે છે અને. ગમે ત્યારે ગાવા માંડે છે. એનો રજમાંથી સૂરજ બનવાની સફર આંખના પલકારામાં પૂરી થઈ જાય છે.

 સૈયારાને જીવંત રાખે છે એનાં નાયક-નાયિકા. અહાન-અનીત બન્ને સરસ છે. બન્ને ડિરેક્ટર પર વિશ્વાસ રાખી એને સમર્પિત થઈ ગયાં છેશીર્ષકગીત અને બીજાં ગીતો પણ ગણગણવાં ગમે એવાં છે. કથામાં ભલે નાવીન્ય ન હોય, પણ કૉન્ફ્લિક્ટ ચોંકાવી જાય છે, ખળભળાવી જાય છે, પ્રેક્ષકને ઈમોશનલ બનાવે છે. અને મોહિતની ઈમાનદારી, નિષ્ઠા પ્રત્યે બેમત નથી.

સૈયારાનો વિજય, જો કોઈ હોય તો તે એ કે આ ફિલ્મ આજની પેઢીને થિયેટર તરફ પાછી વાળશે, યંગ ઑડિયન્સ ફીલિંગ સાથે થિયેટરમાં પ્રવેશશે. કોઈ પણ જાતના મોટા વળવળાંક વિનાની, પણ ઈમાનદારીથી સર્જાયેલી સૈયારા વીકએન્ડમાં અનુભવી શકાય.