આજે એટલે 28 જુલાઈએ આલિયા ભટ્ટ-રણવીરસિંહ તથા ધર્મેન્દ્ર-જયા ભાદુરી-શબાના આઝમી જેવા કલાકારોને ચમકાવતી ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થઈ છે. ફિલ્મમાં પંજાબી-બંગાળી સંસ્કૃતિના સંઘર્ષની વાત છે અર્થાત્ દિલ્હીનો છોકરો અને બંગાળી છોકરી. બન્નેનાં કુટુંબ વચ્ચે કલ્ચરના તફાવતનો સંઘર્ષ. યાદ હોય તો યામી ગૌતમ અને આયુષ્માન ખુરાનાની, સ્પર્મ ડોનેશનની પૃષ્ઠભૂમાં સર્જાયેલી ‘વિકી ડોનર’માં આ જ વાત હતીઃ યામી બંગાળી અને આયુષ્માન દિલ્હીનો. બન્નેનાં કુટુંબ વચ્ચે જાતજાતની ખેંચતાણ. અર્જુન કપૂર-આલિયા ભટ્ટની ‘ટુ સ્ટેટ’માં મદ્રાસી વિરુદ્ધ દિલ્હીનો મામલો હતો. છેક 1981માં આવેલી ‘એક દૂજે કે લિયે’માં મદ્રાસ વર્સીસ યુપી હતાં.
એવું નથી કે સાત વર્ષના ગાળા બાદ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ ડિરેક્ટ કરનાર કરણ જોહરે આ બધી ફિલ્મોની કૉપી કરી છે. એણે ટિપિકલ ‘ધર્મા પ્રોડક્શન’ની પારિવારિક ચિત્રપટની પરંપરા જાળવીને ઈમોશન-પ્યાર-કૉમેડી-નાચનાગાનાની ભેળ બનાવીને પીરસી છે. હશે. આપણે વાત કરવી છે રૉકીની પ્રેમિકા રાનીની એટલે કે આલિયા ભટ્ટની.
બાબત એવી છે કે ગયા અઠવાડિયે, ‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીની લેટેસ્ટ ફિલ્મ ‘બવાલ’ ઓટીટી પર રિલીઝ થઈ. ફિલ્મમાં વરુણ ધવન-જાહ્નવી કપૂર લગ્ન બાદ યુરોપનાં વિવિધ સ્થળની મુલાકાત લે છે, જેમાંનું એક છેઃ જર્મનીનું ઑશવિત્ઝ. ઑશવિત્ઝ એટલે કૉન્સન્ટ્રેશન કૅમ્પ, ગૅસ ચેમ્બરની ત્રાસદીનો વિશાળ વિસ્તાર. ગૅસ ચેમ્બરમાં જાહ્નવી પતિ વરુણને કહે છેઃ “તને નથી લાગતું કે, આપણી અંદર પણ થોડોઘણો હિટલર વસે છે?” અને “દરેક સંબંધે ઑશવિત્ઝમાંથી પસાર થવું પડે છે.” આની પર ખાસ્સી બવાલ મચી છે. હિટલરના દમનનો ભોગ બનેલા જ્યુઈશો રોષે ભરાયા છે. એમનું કહેવું છે કે “અમારી પર જે વીતી એને નિતેશ તિવારીએ સાવ ક્ષુલ્લક, ગૌણ બનાવી દીધું.” જ્યુઈશ માનવઅધિકાર સંઘે તો કહી દીધું કે ‘બવાલ’ને ઓટીટી (અમેઝોન પ્રાઈમ) પરથી ઉતારી જ લો.
આ સીન-સંવાદ જોઈસાંભળીને મારું મરકટ જેવું મન હૂપાહૂપ કરતું 2018માં પહોંચી જાય છે અને ‘રૉકી ઔર રાની ઍટ સૅટરા’ની હીરોઈન આલિયા ભટ્ટની વાત સાંભરે છે. 2018ના ઉનાળામાં મેઘના ગુલઝારની ‘રાઝી’ રિલીઝ થવાની હોય છે. મુખ્ય અદાકારઃ આલિયા ભટ્ટ-વિકી કૌશલ. રિલીઝ પહેલાં અમે થોડાક પત્રકારો આલિયા ભટ્ટનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા હોઈએ છીએ. ‘રાઝી’નો વિષય ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ટેન્શનનો, પડોશી મુલ્કની લશ્કરી હિલચાલની ખૂફિયા બાતમી મેળવવાનો હતો. તે વખતે આલિયાએ કહેલું, “મને પહેલી વર્લ્ડ વૉર, બીજી વર્લ્ડ વૉરમાં શું થયેલું એ જાણવામાં રસ પડે. ખાસ તો એડોલ્ફ હિટલર કૅરેક્ટર તરીકે મને ઈન્ટરેસ્ટિંગ અને ઈન્ટ્રિગિંગ લાગતોઃ કાફી અજીબ લગતે થે. એણે શું શું કર્યું એમાં રસ પડતો. તમને ખબર છે કે નહીં એની મને ખબર નથી, પણ હું અમુક અંશે જર્મન છું. મારાં નાનીમા 1929માં બર્લિનમાં જન્મેલાં. નાનીમાના પિતા જર્મન હતા. 1930ના દાયકામાં હિટલરના શાસન વખતે નાનીમાના પિતા ભૂગર્ભમાંથી નાઝી અને હિટલર વિરુદ્ધ અખબાર પ્રકાશિત કરતા. છેવટે 1937ની આસપાસ હિટલરના સૈનિકોએ એમને શોધી કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં ધકેલી દીધા. પિતાની ધરપકડ બાદ મારાં નાનીમા અને એમનાં માતા બર્લિનથી રાતોરાત ભાગી છૂટ્યાં. ચેકોસ્લોવેકિયાની સરહદ વટાવી જંગલમાં પગપાળા જેમતેમ ઈન્ગ્લેન્ડ પહોંચીને ત્યાં આશ્રય લીધેલો. મારી મમ્મીનો જન્મ બર્મિંઘામમાં થયો.”
આલિયાનાં મમ્મી એટલે સોનીનાં જર્મન માતા કશ્મીરી નરેન્દ્ર નાથ રાઝદાનને પરણેલાં. 1986માં એમનાં લગ્ન મહેશ ભટ્ટ સાથે થયાં ને એમનું સંતાન તે આલિયા ભટ્ટ.
-અને હા, આલિયાનું ઔર એક જર્મન કનેક્શન જોઈએ તો, એની ‘હાઈવે’ બર્લિન ફૅસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી.