સૌંદર્ય જોનારની આંખોમાં હોય છે એવું કોઈ ક્વોટજીવીએ કહ્યું છે. એવી જ રીતે, ફિલ્મનો પ્રકાર- ઍક્શન-ઈમોશન કે કોમેડી એ જોનારની આંખોમાં હોય છે. ઘણી એવી ફિલ્મો હોય છે જે વિનાકારણ કોમેડી બની જાય છે. ગઈ કાલે મોડી રાતે ટીવી પર સર્ફિંગ કરતાં કરતાં એક ફિલ્મ જોઈઃ 1968માં આવેલી ‘ગૌરી’. (સર્જક એ. ભીમસિંહની ધારણા મુજબ) હૃદયવીણાના તાર ઝણઝણાવતી, લાગણીનીતરતી ફિલ્મ કેવી રીતે કોમેડી બની ગઈ એ તમે વાર્તા વાંચીને વાંચીને જાણો.
બનારસના શેઠ રામ પ્રસાદ (શિવરાજ)ના જીવનનું એકમાત્ર ધ્યેય છે અંધ દીકરી ગૌરી (નૂતન)ને પરણાવવી. રામ પ્રસાદનો ભેટો આગ્રામાં વસતા શાદીના એજન્ટ મણિરામ (ઓમપ્રકાશ) સાથે થાય છે. લોભિયો મણિરામ પણ ઉંમરલાયક દીકરી ધનવંતી (લક્ષ્મીછાયા)ને વળાવી દેવાની વેતરણમાં છે. મણિરામ કા અનાથ ભતીજા (સંજીવકુમાર) કાલેજમાં ભણે છે, એનો રૂમપાર્ટનર સુનીલ (સુનીલ દત્ત) છે. મણિરામ જ્યારે સંજીવની ફી આપવામાં અખાડા કરે ત્યારે ફી સુનીલ ભરી કાઢે. સંજીવને આ ગમતું નથી. સુનીલ હે છેઃ “ક્યા મૈં ઈતના બૂરા હૂં કિ તુમ્હારી એક્ઝામ કી ફીસ તક નહીં દે સકતા”?
સુનીલ અને કાલેજમાં પઢતી ગીતા (મુમતાઝ)ને સ્નેહ છે. સિમલામાં રહેતા સુનીલના પિતા અને ગીતાની માતાને પણ સંતાનો ક્યારે પરણી જાય એની ચિંતા છે. એમને ખબર નથી કે સુનીલ-ગીતાએ આ અંગે આત્મનિર્ભર બનીને વૃક્ષ ફરતે ફુદરડી ફરીને ગીત ગાઈ લીધાં છે. સુનીલ ગ્રૅજ્યુએટ બનીને માતાજી (લીલા મિશ્રા) પાસે પહોંચે છે ત્યારે એ લાયક કન્યા ગીતાના ફોટોગ્રાફ સાથે તૈયાર છે. સુનીલ ફોટો જોતો જ નથી. એ કહે છેઃ “મૈંને લડકી ઢૂંઢ લી હૈ, માઁ”.
બેટાની વાત સાંભળી ભારે હૈયે મા ગીતાના પિતાજીને કહે છેઃ “શાયદ ઈશ્વર કો યે રિશ્તા મંજૂર નહીં”.
આ બાજુ ગીતા આજીજી કરે છેઃ “પિતાજી, એક બાર આપ સુનીલ સે મિલ તો લીજિયે, હમ એકદૂસરે સે બહોત પ્યાર કરતે હૈ”, પણ પિતાજી તો પુત્રીને લઈને બનારસ જતા રહે છે. ટોક-વિધિન-ટોકમાં સુનીલને ખબર પડે છે કે એ અને એની મા એક જ કન્યાની વાત કરી રહ્યાં છે. નાચતોકૂદતો એ પણ બનારસ પહોંચી જાય છે.
દરમિયાન લાલચી મામા મણિરામ ભતીજા સંજીવને સેઠ રામ પ્રસાદની ઈકલૌતી બેટી ગૌરી સાથે શાદી રચાવવા મનાવી લે છેઃ “સેઠ રામ પ્રસાદ સે જો દહેજ મિલેગા ઉસસે ધનવંતી કી શાદી હો જાયેગી”.
પરફેક્ટ. બસ, એક નાની સમસ્યા છેઃ મામાજી ભતીજાને કહેવાનું ભૂલી જાય છે કે “ગૌરી કે આંખોં કી રોશની નહીં હૈ”.
મંગળફેરા વખતે અંધ ગૌરી વરમાળા પિતાના ગળામાં નાખવા જાય છે કે પિતા એના કરકમળ સંજીવ તરફ લઈ જતાં કહે છેઃ “અંહંહંહં… બેટી, ઈધર ઈધર”… ત્યારે સંજીવને ખબર પડે છે કે, ગૌરી તો બ્લાઈન્ડ છે. એ ચાચા સાથે ઝઘડો કરીને લગ્નમંડપ છોડીને જતો રહે છે.
સેઠ રામ પ્રસાદ કહે છેઃ “થોડી-બહોત ઈજ્જત થી, વો ભી આજ મિટ્ટી મેં મિલ ગઈ”.
ગૌરી કહે છેઃ “ઈસસે અચ્છા તો ઝહર ખા લેતી”.
ગૌરીની સખી બસંતી (ઊર્મિલા ભટ્ટ) ગુસ્સામાં આવીને સંજીવ માટે ન કહેવા જેવું કહી નાખે છે ત્યારે ગૌરી એને તમાચો ચોડી દેતાં કહે છેઃ “ઉનકો બૂરા કેહતે હુએ તુમ્હે જરા ભી હિચકિચાહટ નહીં હુઈ”?
ગાલ પંપાળતાં બસંતી કહે છેઃ “યે થપ્પડ ખાકર તુમ્હારે લિયે મેરી ઈજ્જત ઔર બઢ ગઈ”.
ગીતાને મળવા બનારસ આવેલા સુનીલનો ભેટો સંજીવના ચાચા મણિરામ સાથે થાય છે. મણિરામની આશા મરી પરવારી નથી. એ સુનીલને પટાવે છેઃ “બેટા, યે તુમ્હારે દોસ્ત સંજીવ કી ઈજ્જત કા સવાલ હૈ. તૂ ઉસે ઢૂંઢ કે લા”.
સુનીલ ગૂગલ મૅપ્સની મદદ વિના સંજીવને શોધી એને ગૌરી પાસે જવા વીનવે છેઃ “જરા સોચો, અગર તુમ ગૌરી કો ઠુકરાઓગે તો ઉસકે જીવન મેં ક્યા રેહ જાએગા”? ગૌરી કે લિયે તુમ્હે યે બલિદાન દેના હોગા”. સંજીવ માની જાય છે.
આ તરફ ગૌરીને કોઈ ચમત્કારિક દાક્તર મળી જાય છે. એ કહે છેઃ “મૈં તુમ્હે આંખોં કી રોશની વાપસ દૂંગા”.
ગૌરીની ઈચ્છા તો નથી, પણ એને ખબર પડે છે સંજીવ વાપસ આવી રહ્યો છે ત્યારે એ ઑપરેશન માટે માની જાય છે.
ગીતાના પપ્પા (ગીતા તો યાદ છેને? એ બનારસમાં છે) ગીતાનાં લગ્ન સુનીલ સાથે કરાવવા રાજી થાય છે. ગીતા ખુશખબર આપવા સુનીલને લેટર લખે છે. સંજીવ ગૌરી પાસે જતો રહે, સુનીલ-ગીતા પરણી જાય, ધન્વંતરી પણ પરણી જાય, બધાં પરણી જાય, બહોત ખૂબ, પણ…
ગૌરી પાસે જતાં પહેલાં સુનીલ-સંજીવ શિકારે જવાનું નક્કી કરે છે. એમાં જરા લોચો વાગી જાય છે. જંગલમાં સંજીવ ધસમસતા ધોધમાં પટકાય છે. આ આઘાતજનક સમાચાર સાંભળતાં રામ પ્રસાદ હાર્ટઅટૅકથી મરી જાય છે.
આ તરફ ગૌરી કા આપરેશન કામિયાબ રહા. એને સૌથી પહેલાં લગનમંડપ છોડીને ગયેલા પતિના ચરણોનાં દર્શન કરવા છે. ડૉક્ટર મણિરામને કહે છેઃ “જબ તક ગૌરી કે આંખો કી પટ્ટી નહીં ખૂલતી ઉસે કિસી ભી બાત કા સદમા લગના નહીં ચાહિયે”.
ચાણક્યને પણ શરમાવે એવા મામાજી મણિરામ દાકતરની સલાહનો ઉપયોગ જરા જુદી રીતે કરે છે. એ સુનીલને કહે છેઃ “જો બકા, સંજીવ તારી સાથે શિકાર પર ગયો અને મરી ગયો. આ આઘાતથી રામ પ્રસાદ મરી ગયા. સંજીવના મોતના સમાચાર ગૌરી સાંભળશે તો, ઈસમેં કોઈ શક નહીં કી વો ભી મર જાયેગી. અગર ગૌરી મર ગઈ તો મારે જીવીને શું કરવું? સમાજ તુઝે 4-4 લોગ કા હત્યારા કહેગા… એના કરતાં તું ગૌરીનો પતિ બની જા”.
સુનીલ કહે છેઃ “લેકિન મૈં સંજીવ નહીં સુનીલ હૂં યે જાનકે ગૌરી કો સદમા લગેગા”.
મણિરામઃ (તુંય શું બબૂચક છો એ ઢાળમાં) “હમણાં નહીં કહેવાનું. સાંભળ, ગૌરી બડી ધાર્મિક હૈ. આપણે એની આગળ રામાયણ, મહાભારત જેવા ધાર્મિક ગ્રંથના પાઠ ભણતાં ભણતાં આ સત્ય કહીશું તો એટલો આઘાત નહીં લાગે, સમજ્યો”?
કન્ફ્યુઝ સુનીલ કહે છેઃ “મામાજી, તમે મને એવા રસ્તા પર લાવી દીધો છે કે ન હું પાછળ જઈ શકું ન આગળ. જો ભી કરના હૈ, જલદી કરો.
આંખોનાં તેજ લઈને હૉસ્પિટલથી ઘરે આવેલી ગૌરી પિતાજીની છબિ જોઈ સજળ આંખે કહે છેઃ “પિતાજી, આપને મેરે લિયે ક્યા કૂછ નહીં કિયા… ઈતને બરસ આપને મેરી આંખો કે લિયે અપની આંખો સે આંસુ બહાયે, ઔર જબ મૈં આપકે દર્શન કે કાબિલ હુઈ તો આપ ચલે ગયે”.
પછી એ સંજીવ બનીને આવેલા સુનીલને કહે છેઃ “લગ્નમંડપમાં છોડી જવાનું ગિલ્ટ ન રાખોઃ ઈક અંધી લડકી કો તો કોઈ ભી ઠૂકરા સકતા હૈ. યે તો આપકી મહાનતા હૈ કિ આપ સુબહ કો ભૂલે ઔર શામ વાપસ ઘર આ ગયે”…
હવે આગળ શું? ‘કિસી ઔર કો અપના પતિ સમજ રહી પતિવ્રતા, ધાર્મિક ખયાલો વાલી ગૌરી પર ક્યા બીતેગી જબ ઉસે પતા ચલેગા કિ વહ કિસી ગૈર કે સાથ રેહતી હૈ”… બચાડી ગીતાનું શું? એનો મંગેતર તો ગૌરીનો નકલી પતિ બની બેઠો છે… આખી વાતમાં સંજીવ ક્યાં છે?
બે હાથમાં માથું દબાવી હું ચાનો ચોથો કપ ખાલી કરું છું, મારા જેવો ધૈર્યવાન શ્રોતા પણ હિંમત હારી જાય છે. ટીવી સ્વિચઓફ્ફ કરીને હું પલંગમાં પડતું મૂકું છું. જો તમારે આગળની વાર્તા જાણવી હોય તો ફિલ્મ યુટ્યુબ પર છે. મારી નજરે જોશો તો એન્જોય કરી શકશો.
અરે હા, એક વાત કહેવાની રહી ગઈઃ ડિરેક્ટરને એમ કે આપડે બહુ ઈમોશનલ ફિલ્મ બનાવી છે એટલે કોમિક રિલીફ માટે ફિલ્મમાં અકાઉન્ટન્ટ રાધેશ્યામ (રાજેન્દ્રનાથ) અને મણિરામની બેટી ધનવંતી (લક્ષ્મીછાયા)ની કોમેડી વણી લીધી છે.