આને કહેવાય બલિહરીઃ એક સમય હતો, જ્યારે સમ ખાવા પૂરતી એકેય ફિલ્મ થિએટરો પાસે નહોતી. જેને જુઓ એ ઓટીટી પર દોડી રહ્યા હતા. હવે મોટા સ્ક્રીન માટે રીતસરની ધક્કમુક્કી થઈ રહી છે. જેમ કે આ મન્થ-એન્ડમાં જૉન અબ્રાહમની ‘સત્યમેવ જયતે-ટુ’ની સાળા-બનેવી, સલમાન ખાન-આયુષ શર્માની ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ સાથે ટક્કર છે. એ પહેલાં આજે એટલે કે 19 નવેમ્બરે ‘બન્ટી ઔર બબલી-ટુ’ આવ્યાં છે. એ રીતે જોતાં, પ્રણયત્રિકોણની જેમ ટિકિટબારીનો ટ્રાયેન્ગલ બની રહ્યો છે.
એ તો સર્વવીદિત છે કે કોઈ પણ નવી ફિલ્મને જામવા, સારું કલેક્શન મેળવવા કમસે કમ બે અઠવાડિયાં જોઈએ. પણ ‘બંટી ઔર બબલી-ટુ’ની રિલીઝના એક જ અઠવાડિયા બાદ એણે ‘અંતિમ’ (26 નવેમ્બર) અને ‘સત્યમેવ જયતે’ (પચીસ નવેમ્બર)નો સામનો કરવાનો છે. અધૂરામાં પૂરું ‘સૂર્યવંશી’ બે અઠવાડિયાંથી અડીખમ ઊભી છે. ટૂંકમાં રિલીઝ પહેલાં અને રિલીઝ પછી બંટી-બબલીએ ટકી રહેવા સંઘર્ષ કરવાનો છે. ચાર ફિલ્મ વચ્ચે સ્ક્રીનની હુંસાતુંસી થશે, જેને લીધે ટિકિટબારીનો નફો વીખરાઈ જશે. અને સૂર્યવંશી, સત્યમેવ જયતે-ટુ, અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ અને બન્ટી ઔર બબલી-ટુ એ ચારમાંથી કઈ પિછેહટ કરશે ને કઈ ટકી જશે એ તો આને વાલા વક્ત હી બતાએગા.
ગુજરાતી ટીવી એન્કરોની ભાષામાં કહીએ તો, બતાવી દઈએ કે ‘સત્યમેવ જયતે’ અને ‘અંતિમ’ મારામારીવાળાં અથવા ઍક્શનપૅક પિક્ચર છે, જ્યારે ‘બંટી ઔર બબલી’ કૉન ફિલ્મ એટલે કે ઠગાઈની વાર્તા કહેતી ફિલ્મ છે.
આજથી સોળ વર્ષ પહેલાં આવેલી અને હિટ સાબિત થયેલી શાદ અલી સેહગલ દિગ્દર્શિત ‘બંટી ઔર બબલી’માં અભિષેક બચ્ચન-રાની મુખર્જી-અમિતાભ બચ્ચનની ત્રિપુટી હતી, જકડી રાખે એવી વાર્તા-પ્રસંગ હતાં, ગુલઝાર સાહેબ લિખિત, શંકર-એહસાન-લૉય સ્વરાકિંત કમાલનાં ગીત-સંગીત હતાં. યાદ કરોઃ “ધડક ધડક”, “ચુપ ચુપ કે”, “નચ બલિયે”, “કજરારે કજરારે” અને “બંટી ઔર બબલી”… અભિષેકના સ્થાને હવે છે સૈફ અલી ખાન, જ્યારે અમિતાભના સ્થાને પંકજ ત્રિપાઠી છે. સૈફ અલી ખાન અને રાની મુખર્જી ઉપરાંત ગલી બૉયથી છવાઈ ગયેલો સિદ્ધાંત ચતુર્વેદી અને નવોદિતા શર્વરી વાઘની જોડી છે.
વાત એ જ છેઃ લોકોને ચૂનો ચોપડવાની. નવી ફિલ્મમાં ઓરિજિનલ બંટી-બબલી યુપીના ફુર્સતગંજમાં સૅટલ્ડ છે. દોઢેક દાયકાથી છેતરપિંડીનો ધંધો છોડી દીધો છે. રાકેશ (સૈફ અલી ખાન) રેલવેમાં ટિકિટ કલેક્ટર છે, જ્યારે વિમ્મી ગૃહિણી. અચાનક એમને ખબર પડે છે કે એમનાં નામે કોઈ લોકોને ઠગી રહ્યું છે. એ છે કુણાલ અને સોનિયા (સિદ્ધાંત ચતુર્વેદી-શર્વરી). આ નવાં બંટી-બબલીને પકડવા પોલીસ ઈન્સ્પેક્ટર જટાયૂ (પંકજ ત્રિપાઠી) રાકેશ-વિમ્મીની મદદ લે છે…
રાઈટર-ડિરેક્ટર વરુણ શર્માએ ‘હમ દોનો’ તથા અન્ય ફિલ્મમાં નીવડેલી જોડી પર સૈફ-રાની પર મદાર રાખવાને બદલે નવાં બંટી-બબલી પર વધુ ફોકસ કર્યું છે. આમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ લોકો જે કરે છે એ આપણે સેંકડો ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. પછી ભલેને એ ઉત્તર પ્રદેશથી અબુ ધાબીની ફાઈવ સ્ટાર હોટેલ કે વિલામાં ઠગાઈ કરે. મને આ ફિલ્મ થોડીઘણી ગમી તો એ માત્ર સૈફ-રાનીને લીધે જ.
મૂળ વાત પર પાછા આવીએ તો, અક્ષય-જૉન-સલમાન પાસે પોતાનો એક ચાહકવર્ગ છે. સૈફ કે રાની કે સિદ્ધાંત ચતુર્વેદી કે શર્વરી એ ક્યાંથી કાઢે? ફૉર એક્ઝામ્પલ, સલ્લુભાઈના ફૅન્સ ‘રેસ થ્રી’ જેવી ફિલ્મના ગલ્લા પણ છલકાવી દે છે. એમને માટે ભાઈને પરદા પર જોવો એ જ મહત્વનું છે, બાકી બધું ગૌણ છે. આવું જ અક્ષય અને જૉન અબ્રાહમનું છે. આની સામે બંટી ઔર બબલીનું એકમાત્ર હથિયાર છેઃ કન્ટેન્ટ અથવા પ્રેક્ષકને રીઝવે એવી સામગ્રી, જેમાં એ ઊણી ઊતરે છે. હું એને પાંચમાંથી અઢી સ્ટાર આપીશ.