50 વર્ષ બાવર્ચીનાં… આજેય સ્વાદિષ્ટ

ભારતના કોઈ એક શહેરના કોઈ એક વિસ્તારમાં એક-મજલી મકાનવાળું ઘર. એમાં વસે છે નિવૃત્ત પોસ્ટમાસ્ટર શિવનાથજી, એમના ત્રણ દીકરા, દીકરાના ફૅમિલીવાળું બહોળું કુટુંબ. આ ઘરમાં એક પણ રસોઈયો ટકતો નથી. આવા વેરવિખેર પરિવારમાં એક આનંદી મિજાજના, બહુમુખી પ્રતિભાવાળા રસોઈયા-કમ-નોકર રઘુનો પ્રવેશ થાય છે અને…1972ના જુલાઈમાં રિલીઝ થયેલી બાવર્ચીએ પચાસમાં વર્ષમાં પ્રવેશ કર્યો એમ કહો અથવા પચાસ વર્ષ પૂરાં કર્યાં એમ કહો- એનાથી એની લોકપ્રિયતામાં તલમાત્ર ફરક પડવાનો નથી.

ઑલરાઈટ, બાવર્ચી જેના પરથી બની એ તપન સિંહાની વાર્તા પરથી 1966માં બંગાળી ફિલ્મ બનેલી, પરંતુ હૃીષીકેશ મુખર્જીની એક અલગ મિજાજની ફિલ્મ હતી. ફિલ્મની અનેક ખૂબીમાંની એક એટલે એનો આરંભ. ફિલ્મ ક્રેડિટ ટાઈટલ્સથી ઓપન નથી થતી. આને બદલે, નાટકમાં પરદા પાછળથી અવાજ આવે એમ અમિતાભ બચ્ચન આપણને પાત્રપરિચય કરાવે છેઃ સુસ્વાગતમ. રૂપમ ચિત્ર આપકી સેવા મેં પેશ કરતા હૈ અપના નયા ચિત્રઃ બાવર્ચી...” સાથે સ્ક્રીન પર લાલ કલરનો વેલ્વેટનો પરદો દેખાય છે. નેરેટર સૌથી પહેલાં નેપથ્ય કલાકારોનો પરિચય આપે છેઃ કથા-પટકથા-સંવાદ-ગીતકાર-સંગીતકાર-સાઉન્ડ રેકોર્ડિસ્ટ, વગેરે. અને ઉમેરે છે …ઔર પરદે કે પિછે સે આવાઝ યાને કિ કોમેન્ટરી મેરી, અમિતાભ બચ્ચન કી.

એ પછી, ત્રીજી ઘંટડી વાગે છે ને પરદો ખૂલે છે. કૅમેરાનું ફોકસ મંડાય છે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફર્સ્ટ ફ્લોરના એક મકાન પર. અંદર જાતજાતના અવાજ, ઘોંઘાટ, ક્લેશ, વગેરે. નેરેટર માહિતી આપતાં કહે છે કે મકાનનું નામ શાંતિનિવાસ છે. પણ તરત કહે છેઃ નામ પે મત જાઈયે… ઈસ ઘર કે માલિક હૈ એક રિટાયર પોસ્ટમાસ્ટર. અપની સ્વર્ગવાસી પત્ની કે નામ પર ઉન્હોને મકાન કા નામ રખા હૈ શાંતિનિવાસ...”

ત્યાર બાદ બચ્ચન સાહેબ ઑડિયન્સને એક પછી સભ્યના પરિચય કરાવે છેઃ આપ હૈ શિવનાથ શર્મા યાને દાદૂજી (હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય)… આપ હૈ શિવનાથજી કે બડે બેટે રામનાથ (એ. કે. હંગલ). ઈસ દફ્તર મેં હેડ ક્લર્ક હૈ. દિલ કે બહોત અચ્છે હૈ, સિર્ફ શામ કો જરા પીને કી આદત હૈ… યે હૈ ઈનકી અર્ધાંગિની સીતાદેવી યાને બડી મા (દુર્ગા ખોટે)… શિવનાથજી કે દૂસરે સુપુત્ર હરિનાથ ઔર ઉનકી પત્ની એક કાર એક્સિડન્ટ મેં ભગવાન કો પ્યારે હો ગયે. યે ઉનકી બેટી ક્રિશ્ના (જયા ભાદુરી).” સૌથી નાનો બેટો વિશ્વનાથ શર્મા અથવા બબલૂ (અસરાની) હજી કુંવારો છે. એને મ્યુઝિક ડિરેક્ટર બનવું છે. પ્રતિભાશાળી, તેજસ્વી ક્રિશ્ના એક હૅન્ડસમ કૉલેજિયન-કમ-કુસ્તીબાજના પ્રેમમાં છે, જેને શર્માકુટુંબે રિજેક્ટ કર્યો છે.

અચાનક નેરેટર સ્વરમાં ઉત્કંઠા ભેળવીને કહે છેઃ અભી એક ઔર જરૂરી પાત્ર સે મિલાના રેહ ગયા હૈ. બાવર્ચી રઘુ (રાજેશ ખન્ના). અને એન્ટ્રી થાય છે રસોઈયા રઘુનંદનની એટલે રાજેશ ખન્નાની. કહો કે રસોઈયાના સ્વાંગમાં આવેલો દેવદૂત. રઘુ મીઠડો-બોલો છે, બધી કળામાં પાવરધો છેઃ પાકકળા-ગાયન-વાદન-નૃત્ય, વગેરે. ટૂંક સમયમાં એ ઘરના બધા સભ્યનાં દિલ જીતી લે છે, એમને પ્રસન્ન જીવન જીવવાની કળા શીખવી જાય છે.

ફિલ્મના અંતમાં રઘુ શાંતિનિવાસમાંથી પ્રસ્થાન કરતો હોય એવું દશ્ય છે. સાથે બચ્ચન સાહેબનો સ્વરઃ ઔર રઘુ એક નયે અશાંતિમય ઘર કી તલાશ મેં જા રહા હૈ. હમ આશા કરતે હૈ વો અશાંતિમય કમસે કમ ઘર આપકા ના હો…

એ હૃીષીદાની કમાલ અથવા કહો કે હૃીષીદા જેવા સર્જક જ આવું સાહસ કરી શકેઃ આખી ફિલ્મમાં રાજેશ ખન્ના ગાંધીટોપીમાં છે, એક પણ વાર એની પૉપ્યુલર હૅરસ્ટાઈલ બતાવી નથી, પોશાકમાં ખાખી હાફ પેન્ટ-શર્ટ, રોમાન્ટિક હીરો તરીકે અતિપ્રખ્યાત હોવા છતાં એની કોઈ હીરોઈન નથી. 1971માં આવેલી હૃીષીદાની આનંદની જેમ. હૃીષીદા માટે કેેરેક્ટર મહત્વનું છે, ભલે એને ભજવનારો સુપરસ્ટાર હોય. 

 

પારિવારિક મૂલ્યનું મહત્વ સમજાવતી, કોઈ પણ જાતના વાયોલન્સ વિનાની એક સિમ્પલ ફિલ્મ, જેને મળ્યો નખશિખ હીષીદાનો કોમિક સ્પર્શ. એમના આ સ્પર્શને લીધે જ વેફરપાતળી વાર્તા હોવા છતાં 130 મિનિટની ફિલ્મમાં છેક સુધી આપણો રસ જળવાઈ રહે છે. હીષીદાની પટકથા ગુલઝારના સંવાદ, કૈફી આઝમીનાં ગીતો અને મદન મોહનનું સંગીત. અને હા, મહાન નૃત્યકાર ગોપીકિશનની કોરિયોગ્રાફી કેમ ભુલાય? જરા યાદ કરો, ભોર આયી ગયા અંધિયારા… ઈન્ડિયન સેમી-ક્લાસિકલ અને દીવાનગીભરી વેસ્ટર્ન બંદિશવાળું આશરે નવ મિનિટનું આ સોંગ નથી, પણ એક સ્ક્રિપ્ટ છે. ફિલ્મની આખી વાર્તા, જીવનની ફિલસૂફી આ એક ગીતમાં સમાઈ છે. ગીત-સંગીત-નૃત્ય-એડિટિંગ-ઍક્ટિંગના અદભુત સંયોજનવાળા આ ગીત માટે માટે મન્ના ડે-કિશોરકુમાર-હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય-નિર્મળા દેવી-લ્ક્ષ્મી શંકરે સ્વર આપ્યા.

આ સિવાયનાં ગીતોઃ કાહે કાન્હા કરત બરજોરી (લક્ષ્મી શંકર), તુમ બિન જીવન કૈસા જીવન (મન્ના ડે), મોરે નૈના ભાવેં નીર (લતા મંગેશકર), વગેરે. મારા હિસાબે બાવર્ચીનાં ગીતસંગીત અલ્પ મૂલ્યાંકિત છે, એની જોઈએ એવી કદર થઈ નથી.

જાણીને નવાઈ લાગે કે એ વર્ષની ટિકિટબારી પર સૌથી વધુ નફો કરનારી ફિલ્મમાં બાવર્ચીનો આઠમો નંબર હતો. અને કઈ કઈ ફિલ્મ એ વર્ષે રિલીઝ થયેલી? સીતા ઔર ગીતા, પાકીઝા, અપના દેશ, રાજા જાની અને બેઈમાન.

આશરે અઢી દાયકા બાદ ડેવિડ ધવને ગોવિંદા-કરિશ્મા કપૂર-પરેશ રાવલ, વગેરેને લઈને પોતાની સ્ટાઈલમાં બાવર્ચી; બનાવીઃ હીરો નંબર વન. ફિલ્મ હિટ જરૂર થઈ પણ એમાં ઓરિજિનલ ચાર્મ નહોતો.

(કેતન મિસ્ત્રી)