યે મેરા ગીત, જીવનસંગીત, કલ ભી કોઈ દોહરાયેગા

હિંદી સિનેમાના મહાન સ્વરકારોની પંગતમાં બિરાજતા મુકેશચંદ માથુર જો હયાત હોત તો 22 જુલાઈ, 2023એ એમના 100મા બર્થડેનું સેલિબ્રેશન ધામધૂમથી થયું હોત. નો પ્રોબ્લેમ. એમના દેશ-વિદેશના ફૅન્સે જન્મશતાબ્દી વર્ષની ઉજવણી શરૂ કરી દીધી છે, જે વરસભર ચાલવાની છે.

22 જુલાઈ, 1923ના દિલ્હીમાં જન્મેલા મુકેશનું જીવનસંગીત 27 ઑગસ્ટ, 1976ના રોજ અમેરિકાના ડેટ્રોઈટની એક હૉસ્પિટલમાં વીરમ્યું. તે વખતે એવી વાતો વહેતી થઈ કે ડેટ્રોઈટના લાઈવ કન્સર્ટમાં ગીત ગાતી વખતે મુકેશજીને હાર્ટ અટૅક આવ્યો ને એ સ્ટેજ પર ઢળી પડ્યા, પરંતુ મુકેશજીના અંતિમ સમયની રજેરજ વિગત રજૂ કરી છે વૉઈસ ઑફ સમય તરીકે પ્રખ્યાત એવા હરીશ ભીમાણીએ એમના લતા મંગેશકર વિશેના પુસ્તક ‘ઈન સર્ચ ઑફ લતા’માં, જેનો ગુજરાતી અનુવાદ ડૉ. શરદ ઠાકરે કર્યો છે. મુકેશજીના અંત સમયનું આ કથાકથન લાગણીનીતરતું તો છે જ, સાથે સાથે એ જીવનના કેટલાક અઘરા પાઠ પણ શીખવી જાય છે.

મુકેશજીને એમની તબિયત વિશે કાળજી લેવાની ચેતવણી અવારનવાર આપવામાં આવતી. 34 વર્ષની વયે એમને ડાયાબીટીસ આવી ગયેલો. ૧૯૭૬ની એમની છેલ્લી સંગીતયાત્રા પહેલાં એમને ચાર-ચાર હાર્ટ અટૅક આવ્યા હતા. આનાથી એમણે ચેતી જવું જોઈતું હતું, પણ પહેલા બે અટૅકના દોઢેક મહિના બાદ તો એ કેનેડા, યુ.એસ.એ.માં દસ લાઈવ કન્સર્ટ્સ આપીને પાછા આવી ગયેલા. દરેક હાર્ટઅટૅક વખતે એમને છાતીમાં દુખાવો થતો નહીં. ઑક્સિજન આપવામાં આવતાં જ એમની તબિયત સુધરવા માંડતી. આના લીધે પણ એ જરા બેધ્યાન થઈ ગયેલા.

હવે જઈએ 1976ના ઑગસ્ટમાં. કેનેડા, યુ.એસ.એ.માં મુકેશજી-લતા મંગેશકરના કાર્યક્રમોની હારમાળા યોજાયેલી. સાથે હતા હૃદયનાથ મંગેશકર, 26 વર્ષી નીતિન મુકેશ, વગેરે. ટોરન્ટો (કેનેડા)ના કાર્યક્રમ આટોપી કાફલો અમેરિકા આવ્યો. 26 ઑગસ્ટ, ૧૯૭૬. ડેટ્રોઈટના કન્સર્ટની તૈયારી પુરજોશમાં ચાલી રહી હતી. ઢળતી સાંજે સૌએ ડેટ્રોઈટની હોટેલ પેંટ્યૂટ્રેમાં ચેકઈન કર્યું. મુકેશજી નવના આંકડાને શુકનવંતો માનતા. રૂમમાં જતાં પહેલાં મુકેશજીએ પુત્ર નીતિનને કહ્યું, “રૂમનંબર જો…૨૦૦૭! આવતી કાલનો આપણો અમેરિકા ખાતે સળંગ 9મો કાર્યક્રમ છે, કાલે તારીખ પણ સત્યાવીસ છે, જેનો સરવાળો પણ નવ થાય છે. તું જોજે, કાલનો કાર્યક્રમ યાદગાર બની જવાનો!”

એ રાતે મુકેશજી ઘસઘસાટ ઊંઘી ગયા. બીજા દિવસે સવારે સાડાપાંચ વાગ્યે જાગી રોજની જેમ રામાયણ વાંચવા લાગ્યા. એમણે કહ્યું કે, “આજે મારે આખો દિવસ આરામ કરવો છે, જેથી સાંજે કાર્યક્રમમાં ફ્રૅશ રહી શકાય.” નીતિન હોટેલની રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ લેવા ગયા, પણ એમણે જીન્સ પહેરેલું એટલે ડ્રેસકોડ મુજબ પ્રવેશ ન મળ્યો. એ રૂમમાં આવીને ભૂખ્યાપેટે પોઢી ગયા.

અચાનક નમતા બપોરે નીતિનની ઊંઘ ઊડી. પિતા હળવેકથી પગની પાનીએ ગલગલિયાં કરીને એને જગાડવાની કોશિશ કરી રહ્યા હતા. સાથે સાથે એ ધીમા સૂરમાં ગીત પણ ગણગણી રહ્યા હતા. નીતિને કહ્યું, “પપ્પા, બસ, દસ જ મિનિટ મને સૂવા દો.”

એ પછી મુકેશજીએ લતાજીના રૂમમાંથી હાર્મોનિયમ મગાવ્યું. એ હંમેશાં કાર્યક્રમ શરૂ થતાં પહેલાં રિયાજ કરતા. રૂમબૉય હાર્મોનિયમ ફરશ ઉપર મૂકીને ચાલ્યો ગયો… અને ચાર-ચાર હાર્ટ અટૅકનો સામનો કરી ચૂકેલા મુકેશજી નીચા નમીને એ ઉઠાવી રહ્યા હતા ત્યાં ઝડપથી નીતિન એમની પાસે પહોંચી ગયા અને હાર્મોનિયમ ઉઠાવી પલંગ પર ગોઠવી દીધું.

નીતિન તૈયાર થયા. હવે તૈયાર થવાનો વારો મુકેશજીનો હતો. એમણે ટીવીસેટ ૫૨ ૫ડેલું અખબાર મગાવ્યું. નીતિને અખબાર એમના હાથમાં આપ્યું, પણ એની ઉપર મૂકેલી સાંઈબાબાની વીંટી જમીન પર પડી અને પગ સાથે અથડાઈ. નીતિને સમ્માનપૂર્વક વીંટીને આંખોએ અડકાડી, પણ એ ક્ષણે એક આશંકા ઘર કરી ગઈ કે પિતા પર કશુંક અનિષ્ટ ઘુમરાઈ રહ્યું હતું.

છાપું લઈને મુકેશજી બાથરૂમમાં ચાલ્યા ગયા. નીતિન હાર્મોનિયમ પાસે ગયા ને ગીત ગાવા માંડ્યા. થોડી વાર બાદ એમણે બૂમ મારીઃ “પાપા, તમે ઠીક તો છોને?”

ત્રીજી વારની પૃચ્છા બાદ જવાબ મળ્યોઃ “હા, સારું છે.”

છતાં નીતિને કહ્યું કે “બાથરૂમનો દરવાજો અંદરથી બંધ ન કરશો.” દીકરાની વાત માની મુકેશજીએ સ્ટૉપર ખોલી નાખી.

થોડી વાર પછી બાથરૂમનું બારણું ઊઘડ્યું. નીતિને માથું ઊંચું કરીને જોયું તો દરવાજાની વચ્ચોવચ પિતા ઊભા હતા, એ પરસેવાથી નીતરી રહ્યા હતા, એમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. નીતિનને ખ્યાલ આવી ગયો કે આ હાર્ટ અટૅક છે. એ એમને ટેકો આપવા ઊભા થયા, પણ મુકેશજી જેમતેમ કરીને જાતે જ પલંગ સુધી પહોંચી ગયા અને ઢળી પડ્યા.

હોટેલનો ફિઝિશયન એ દિવસે રજા ઉપર હતો, પણ તરત બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવી. નીતિને એમને ઑક્સિજન-સિલિન્ડર લાવવાની રિકવેસ્ટ કરી. એમને ખબર હતી કે પ્રાણવાયુ આપવાથી પાપાને રાહત મળે છે.

રૂમની બારીઓ ખોલી નાખવામાં આવી. મુકેશજી એમના ઢીલા પડી ગયેલા અવાજમાં સૂચના આપી રહ્યા હતા, “(લતા) દીદીને જાણ કરવાની જરૂર નથી…’’ પણ બે મિનિટમાં બધાં એમના રૂમમાં આવી ગયાં. મુકેશજીએ રામાયણ ગ્રંથ છાતી ઉપર મૂકવા કહ્યું. પછી ભીડ જોઈને એમણે લતાજીને કહ્યું, “તમે ચિંતા નહીં કરતાં. એક ઈન્જેક્શનમાં તો ઊભો થઈ જઈશ. તમે હૉલ પર પહોંચો, હું પણ કપડાં બદલીને આવું છું.”

ત્રણ-ચાર મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. ડૉક્ટર આવ્યા. નીતિને અકળાઈને ઑક્સિજન સિલિંડર વિશે પૂછ્યું તો જવાબ મળ્યોઃ “નીચે એમ્બ્યુલન્સમાં છે.”

એ જ વખતે મુકેશજીનું બ્લડપ્રેશર કથળવા માંડ્યું, અંતનો આરંભ થઈ ચૂક્યો હતો. હૉસ્પિટલ પહોંચતાં જ એમને ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા. અહીં નીતિનને કહેવામાં આવ્યું કે બસ, અહીંથી આગળ નહીં જઈ શકાય.’’

એકદમ ફિલ્મી દશ્ય હતું- મુકેશજી ઈમ૨જન્સી રૂમમાં પ્રવેશી રહ્યા હતા, એમણે માથું ફેરવીને નીતિનની દિશામાં જોયું અને નીતિનને લાગ્યું કે જાણે એની આંખો કંઈ જોઈ શકતી ન હતી, ચહેરા ઉપર એક હળવું સ્મિત. પિતા-પુત્રની એ છેલ્લી મુલાકાત.

થોડી વાર પછી એક ફ્રેન્ચ ડૉક્ટર બહાર આવ્યા. એમણે નીતિનને કહ્યું કે “કોઈ સગાંને બોલાવવા હોય તો બોલાવી લો.” નીતિને પૂછ્યું, “શું ઈન્ડિયાથી મારી મમ્મીને બોલાવી શકું?’’

જવાબમાં ડૉક્ટરે કહ્યું, “થોભો.” એ અંદર સરકી ગયા. થોડી વારમાં એક ઈન્ડિયન ડૉક્ટર આવ્યાઃ “મુકેશજીની હાલત અત્યંત ગંભીર છે–ભારતથી કોઈને દોડાવાનો અર્થ નથી. હું પોતે મુકેશજીનો ફૅન છું. તમને ખાતરી આપું છું કે મુકેશજીને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે. અમે એમને ઈલેક્ટ્રિક શૉક્સ પણ આપી રહ્યા છીએ…”

થોડી જ વારમાં, લતાજી ત્યાં આવી પહોંચ્યાં અને બેન્ચ પર બેસી ગયાં. તેઓ કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં ન હતાં. તેમ છતાં તેમણે નીતિનને એક બાજુ પર બોલાવીને કહી દીધું, “ઈશ્વરની મરજી સામે આપણે લાચાર છીએ.’’ આશાનો આછોપાતળો તંતુ પણ આ વાક્યથી તૂટી ગયો. નીતિને હકીકતનો સ્વીકાર કરી લીધો. એને એક જ વિચાર વારંવાર સતાવતો હતો, ઑક્સિજન-સિલિન્ડર રૂમમાં લઈ આવવામાં આવ્યું હોત તો?
હજુ વીસેક મિનિટ પહેલાં મુકેશજીએ લતાજીને કહ્યું હતું કે “હમણાં કપડાં પહેરીને આવું છું.”

-અને એ કપડાં પહેરીને આવ્યા ખરા… પણ એક લાંબા પ્રવાસે જવા માટે.

આ વાતને 47 વર્ષનાં વહાણાં વીતી ગયાં હોવા છતાં મુકેશ એમના પ્રશંસકોનાં દિલમાં આજે પણ હયાત છે, આજે પણ દેશદુનિયામાં સંગીતપ્રેમી એમનાં ગીતો સાંભળીને ઝૂમે છે.

હૅપી હન્ડ્રેન્થ બર્થડે, મુકેશજી.