તૂટતાં સપનાં, સંબંધ, ક્રિકેટ ને એવુંબધું…

ઈન્ડિયન ટેલિવિઝન પર આવતી બીબાંઢાળ સિરિયલનો પૉપ્યુલર ઍક્ટર સિકંદર અગરવાલ (અર્જિત તનેજા) જયપુર એરપોર્ટ પર લેન્ડ થાય છે. બહાર પ્રશંસકનાં ટોળેટોળાં છેઃ કૅમેરાની ક્લિક, ફ્લેશના ઝબકારા, સેલ્ફી, ઓટોગ્રાફ વગેરે આટોપી હીરો ઘરે જઈને મોબાઈલ ચેક કરી પોતાના પ્રચાર અધિકારીને (પીઆરઓને) ઘઘલાવે છેઃ “એરપોર્ટની પોસ્ટને કેમ લાઈક્સ મળ્યા નહીં? ગમે તે કર, પણ મને લાઈક્સ જોઈએ”.

ડિરેક્ટર શરન શર્માની ‘મિસ્ટર ઍન્ડ મિસેસ માહી’નો આ સીન જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ એના વિશે ઘણું બધું કહી જાય છે. જો કે ફિલ્મનો (મારા માટે) બેસ્ટ, ઈમાનદારીથી લખાયેલો, ચિત્રિત થયેલો સીન છેઃ માતા-પુત્ર (ઝરીના વહાબ અને રાજકુમાર રાવના)નો સંવાદ. પોતાના ટીવી-ઍક્ટર ભાઈની પ્રસિદ્ધની ઈર્ષ્યા, જીવનમાં ખાસ કંઈ ન કરી શકવાનો વસવસો તથા પત્નીની સફળતાનું શ્રેય લેવાના મરણિયા પ્રયાસ કરતા પુત્રને માતા કહે છે કે “શું પ્રસિદ્ધિ જ ખુશી આપી શકે? પ્રસિદ્ધિ તો અફીણના નશા જેવી છે. આજની પેઢી પ્રસિદ્ધિ પામવાની એક એવી જીવલેણ દૌડ લગાવી રહી છે, જેની ફિનિશિંગ લાઈન જ નથી. ખુશી તો અંદરથી અનુભવવાની ચીજ છે”.

ઊલટી થઈ આવે એવી ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવામાં બરબાદ થઈને આજીવન નાખુશ રહેતી પેઢીને આ સીન-સંવાદ ઘણું બધું કહી જાય છે. ફિલ્મની વાર્તા જોઈએ તો, જયપુરનો મહેન્દ્ર ‘માહી’ અગરવાલ (રાજકુમાર રાવ) ક્લબ, ઝોનલ મૅચો રમતો ક્રિકેટર છે. ઈન્ડિયન ક્રિકેટટીમમાં સહભાગી થવાના નિષ્ફળ પ્રયાસ બાદ એ આજકાલ પિતા (કુમદ મિશ્રા)ના સ્પૉર્ટ્સ સ્ટોરમાં ભવિષ્યના વિરાટ કોહલીઓને બૅટ-બૉલ, વેચે છે, જેમાં એને જરાયે રસ નથી. મહેન્દ્રનાં અરેન્જ્ડ મેરેજ મેડિકલ કૉલેજમાંથી નીકળેલી ડૉ. મહિમા ‘માહી’ (જાહ્નવી કપૂર) સાથે થાય છે. એ રીતે ડિરેક્ટર ફિલ્મને એનું શીર્ષક મળે છેઃ ‘મિસ્ટર ઍન્ડ મિસેસ માહી’. મેરેજ પછી પતિ-પત્નીને ખબર પડે છે કે બન્ને ક્રિકેટના ઝનૂની પાગલ છે. લગ્ન બાદ મહેન્દ્ર ફરી ક્રિકેટમાં ટ્રાય કરે છે, પણ એને હાથ નિષ્ફળતા જ આવે છે. દરમિયાન મહેન્દ્ર નોંધે છે કે અર્ધાંગિનીમાં ક્રિકેટની ટેલન્ટ ભરપૂર છે એટલે એ માહીને પ્રોફેશનલ ક્રિકેટર બનાવવા એનું કોચિંગ શરૂ કરે છે. અહીંથી બન્નેનો એક નવો પ્રવાસ શરૂ થાય છે. વાટમાં આવે છે રિષીકેશ મુખર્જીની અભિમાન જેવી ઈર્ષ્યા, અસલામતી, હતાશા… આ બધાંની સાથે પનારો પાડતો મહેન્દ્ર કેવી રીતે પત્નીનો આધારસ્તંભ બની શકે?

બાળપણનું સપનું, એ સપનાને વાસ્તવિકતામાં પલટવાનો સંઘર્ષ તથા આત્મખોજની વાત કહેતી ‘મિસ્ટર ઍન્ડ મિસેસ’માં મૂળ વાત છે કોચ અથવા જીવનસાથીની, જેમની કદી નોંધ લેવાતી નથી. અગરવાલ-પરિવારમાં આવી એક કોચ છેઃ મહેન્દ્રની માતા (ઝરીના વહાબ). બીજા છે મહેન્દ્રના ક્રિકેટકોચ રહી ચૂકેલા બેની દયાલ શુક્લા (રાજેન્દ્ર શર્મા). જો કે એથીયે મહત્વની વાત અહીં છે હેપિનેસની. આનંદ-ઉલ્લાસની. શું પ્રસિદ્ધિ જ માણસને હેપિનેસ આપી શકે? ફિલ્મ દર્શકને ખુશ રહેવાની વ્યાખ્યા માંડી આપે છે, પણ એ માટે ખૂબબધો ટાઈમ લીધો છે.

મધ્યાંતર પહેલાં ડિરેક્ટરે વાર્તા, પાત્રોની માંડણી કરવામાં સમય લીધો છે, જેના કારણે ફિલ્મ ડેડ પિચ પર રમાતી પાંચ-દિવસીય ટેસ્ટ મૅચની ગતિએ આગળ વધે છે. મધ્યાંતર બાદ ફિલ્મ ફંટાઈ જાય છે. અચાનક મહેન્દ્રનો આંતરિક સંઘર્ષ કેન્દ્રસ્થાને આવી જાય છે. સતત પત્નીની પડખે રહેતો પતિ માત્ર એક પ્રસંગ બાદ મહિમાની તરક્કીમાં રસ લેવાનું બંધ કરી દે? એ વાત ગળે ઊતરતી નથી.

બીજું, પ્રોફેશનલ ક્રિકેટ (કે કોઈ પણ સ્પૉર્ટ્સ)માં આટલી સરળતાથી ટોચ પર પહોંચી શકાય? “રજા છે તો વાળ કપાવી આવું” જેટલી સરળતાથી માહી દાક્તરી છોડીને ક્રિકેટમાં ઝંપલાવી દે છે. ભારતનાં લાખ્ખો બાળકોની જેમ, બાળપણમાં શેરીમાં રમવાથી વિશેષ એણે સ્પોર્ટ્સમાં કંઈ ઉકાળ્યું ન હોવા છતાં? આનાથી એક ખોટો મેસેજ જાય છે કે સ્પોર્ટ્સમાં ટોચ પર પહોંચવું જરાય અઘરું નથી.

ડિરેક્ટર શરન શર્મા અને જાહ્નવીએ આ પહેલાં આપણને ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ આપી છે. ‘મિસ્ટર ઍન્ડ મિસ્સ માહી’ માટે જાહ્નવીએ બે વર્ષ ટ્રેનિંગ લીધી છે, જે પરદા પર દેખાય છે, રાજકુમાર રાવ રાબેતા મુજબ સ-રસ. કુમુદ મિશ્રા, રાજેશ શર્મા, વગેરેએ પણ કમાલનું કામ કર્યું છે. એટલું કહી શકાય કે ફિલ્મનાં વિષયવસ્તુ સારાં છે, કલાકારકસબીની મહેનત પણ દેખાય છે. દર્શક સાથે તાલ મિલાવવા સંઘર્ષ કરતી આશરે સવાબે કલાકની ફિલ્મ ઉમદા અભિનય માટે જોઈ શકાય.