કઠલઃ ઍબસર્ડ, પણ ફળદાયી સંદેશવાળી કૉમેડી…

આ અઠવાડિયે બે ઓટીટી મંચ પર બે મહિલા પોલીસવાળી સિરીઝ, ફિલ્મ આવી. પ્રાઈમ વિડિયોની દહાડમાં છે સોનાક્ષી સિંહા, તો ‘કઠલઃ અ જૅકફ્રૂટ મિસ્ટરી’માં છે સાન્યા મલ્હોત્રા. કામ કરવાનો બન્નેનો અપ્રોચ ઉત્તર-ધ્રુવ જેવો છે.

આપણે ‘કઠલ…’ની વાત કરીએ. મધ્ય ભારતના અંતરિયાળ ગામડાના સામાજિક-સાંસ્કૃતિક સમીકરણના થિમવાળી ફિલ્મ ‘કઠલઃ અ જૅકફ્રૂટ મિસ્ટરી’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે.

કઠલ એટલે ફણસ. આ પ્રહસનની વાર્તાના કેન્દ્રમાં છે મહિમા બસોર (સાન્યા મલ્હોત્રા) નામની લોઅર કાસ્ટની એક પોલીસ અફ્સર. મોબા નામના મધ્ય ભારતના કોઈ કાલ્પનિક નગરમાં (કહો કે મથુરામાં) એક વગદાર રાજકારણી (વિજય રાઝ)ના બગીચામાંથી બે પુષ્ટ, રસાળ ફણસની ચોરી થાય છે. અંકલ હોન્ક બ્રીડનાં ઈમ્પૉર્ટેડ ફણસ એટલાં મહત્વનાં છે કે જો એનું અથાણું બનાવીને મોટા નેતાને ખવડાવે તો રાજકારણીને પ્રધાનપદ મળી શકે એમ છે એટલે એ ફણસચોરીની પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. મહિમા બસોરને ફણસની ચોરીનું ઈન્વેસ્ટિગેશન સોંપવામાં આવે છે. પોલીસ માટે કેટલાયે મહત્વનાં કામ, કેસ છે, પણ આખું તંત્ર રાજનેતાનાં ફણસ શોધવામાં લાગી જાય છે.

ડિરેક્ટર તરીકે યશોવર્ધન મિશ્રાની આ પહેલી ફિલ્મ છે. આ પહેલાં એમણે મહારાષ્ટ્રના નાશિકની પૃષ્ઠભૂમમાં ‘મંડી’ નામની એક શૉર્ટ ફિલ્મ સર્જેલી. ફિલ્મના સહલેખક છે યશોવર્ધનના પિતા રાઈટર અશોક મિશ્રા, જેમણે શ્યામ બેનેગલની ‘વેલકમ ટુ સજ્જનપુર’માં શ્યામ બેનેગલ સાથે કામ કરેલું.

 

-અને યશોવર્ધનના સસરા અદભુત અદાકાર દિલીપ જોશી, એટલે કે જેઠાલાલ ચંપકલાલ ગડા. હા, દિલીપ જોશીનાં સુપુત્રી નિયતિના એ હસબંડ થાય ને ફિલ્મમાં ડિરેક્ટરના સહાયકની મહત્વની કામગીરી બજાવનાર રિત્વિક જોશીના બનેવી.

પહેલી ફિલ્મ માટે ડિરેક્ટર યશોવર્ધને જેમને વિશેષાધિકાર (પ્રિવિલેજ) નથી એવા લોકોની વાર્તા કહેવાનું પસંદ કર્યું છે. એક સીન છેઃ કોઈ ગામડિયો ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશને આવે છે. પોલીસ કહે છે, “બૈઠો…” એટલે પેલો બે હાથ જોડીને જમીન પર બેસી જાય છે. મતલબ, એના મનમાં કેવું કોતરાઈ ગયું હશે કે પોલીસ સામે ખુરશી પર બેસાય જ નહીં. ફિલ્મમાં સોશિયલ કોમેન્ટરી, ઊંચનીચના ભેદભાવ, વગેરે છે, પણ એ સાવ સહજતાથી, હસતાં હસાવતાં કહેવાયાં છે. ધાણી ફૂટે આવી ડાયલૉગબાજી નથી.

આ સૅટાયર અથવા સામાજિક-રાજનીતિક વ્યંગાત્મક ફિલ્મ તો છે જ, સાથે સાથે એમાં બનતા ઘણા બધા પ્રસંગ જોતાં લાગે કે આ જરા વધારે પડતું છે, “આવું તે કાંઈ બનતું હશે,” પણ એ આપણી આસપાસ આપણે જે જોઈએ છીએ એનું જ પ્રતિબિંબ છે.

 

ફિલ્મમાં સિનેમાના પોલીસ વિશેની આપણી જે રાબેતા મુજબની કલ્પના હોય છે અથવા આપણે જેવા પોલીસ જોવા ટેવાયેલા છે એને તોડવામાં આવી છે. પોલીસ તો બાવડાંબાજ, કદાવર, કરડાકીવાળા જ હોય અને એમનું ચિત્રણ પણ એવું જ કરવામાં આવે છે. કદાચ આવું ચિત્રણ આપણને પોલીસ પાસે જતાં રોકે છેઃ પોલીસ સ્ટેશન જઈશું તો નકામા સલવાઈ જઈશું, હેરાન થઈ જઈશું એવું આપણે માની લેતા હોઈએ છીએ.

આમીર ખાનની દંગલથી લઈને બધાઈ હો, પગલૈઈટ, પટાખા જેવી ફિલ્મોમાં મસ્ત અભિનય કરનારી સાન્યા મલ્હોત્રાની કૉમિક ટાઈમિંગ, જે વિસ્તારની (મથુરાની) વાર્તા કહેવાઈ છે એ વિસ્તાર, ત્યાંની ભાષા-બોલી વિશેની સમજ, વગેરે કમાલનાં છે. સાન્યાના વીજળીક સ્ફુર્તિવાળા અભિનય ઉપરાંત ‘કઠલ…’ને વિજય રાઝ, રાજપાલ યાદવ (બ્રેકિંગ ન્યુઝ શોધતા, સતત રીલ બનાવતા મોબા સમાચારના વરિષ્ઠ પત્રકાર) અનંત જોશી, નેહા સરાફ, ગોવિંદ પાંડે, શશી રંજન જેવા પ્રતિભાશાળી ઍક્ટર્સનો ટેકો મળ્યો છે. અને ફિલ્મની પ્રિ-ક્લાઈમેક્સમાં, દસ મિનિટ માટે આવેલા રઘુવીર યાદવ. કમ્માલ.

મને આ ફિલ્મ ગમી ગઈ. ખાસ તો વિષય, ઝાઝો સમય બગાડ્યા વિના મૂળ વાત પર જવાની ડિરેક્ટરની કાબેલિયત, ઝાકઝમાળ વિનાની, સિમ્પ્લિસિટીથી થયેલી માવજત. પોલિટિકલ સૅટાયર હોવા છતાં એ કોઈ પરટિક્યુલર વિચારધારા તરફ ઝૂકતી નથી. બોલચાલની ભાષાવાળા સંવાદમાં જે કહેવું છે એ કહી દે છે. જેમ કે, “આઈપીસી એટલે ઈન્ડિયન પિનલ કોડ નહીં, પણ ઈન્ડિયન પોલિટિકલ કોડ.”