કલ્કિઃ મહાનાયક તો મહાનાયક હી હોતા હૈ…

છેલ્લા થોડા સમયથી સાઉથવાળાઓને (ખાસ કરીને તેલુગુ ફિલ્મમેકરોને) સારું ફાવી ગયું છેઃ વાર્તા કોઈ બી હોય, એમાં હિંદુ પુરાણનો ટ્રૅક, પાત્રો સમાવી લેવાનાં. વાત વર્તમાનની જ હોય, પણ યુ સી, આર્યસંસ્કૃતિ, રામાયણ, મહાભારતનો સંદર્ભ હોય તો લોકો આફરીન પોકારી જાય.

તેલુગુમાંથી હિંદીમાં ડબ થયેલી ‘કલ્કિઃ2898 એડી’નું પણ આવું જ છે. ‘ગેમ્સ ઓફ થ્રોન’, ‘લૉર્ડ ઑફ ધ રિંગ્ઝ’, જેવી ફિલ્મમાંથી પ્રેરણા લઈને મહાભારત, શ્રીકૃષ્ણ, અર્જુન, કર્ણ, અશ્વત્થામા જેવાં પાત્રો તથા મહાભારતના અમુક અંશ ઘુસાડીને એમાં આજથી હજારો વર્ષ પછીની સૃષ્ટિની (ફ્યુચરિસ્ટિક વર્લ્ડની)વાત કરવામાં આવી છે. અધધધ લાંબીલચ ફિલ્મ (ત્રણ કલાક ને અમુક મિનિટ), પાત્રોની ગિરદી, કોણ શું બોલે છે, શું કામ બોલે છે, કોને કહે છે, એ સમજવાની નિષ્ફળ માથાકૂટ બાદ જ્યારે થિએટરમાંથી હું બહાર નીકળ્યો ત્યારે મને એવું લાગ્યું જાણે કેટલા યુગ વીતી ગયા.

કુરુક્ષેત્રના યુદ્ધ પછીનાં પાંચેક હજાર વર્ષ બાદ અને આજથી આશરે આઠસો વર્ષ પછીના કળિયુગમાં આ માઈથોલોજિકલ-કમ-સાયન્સ ફિક્શન આકાર લે છે. દૈત્યોએ પૃથ્વીનો સત્યાનાશ વાળી દીધો છે, એકમાત્ર કાશી બચ્યું છે. પ્રજાની હાલત એટલી ખરાબ છે કે પીવાનું પાણી પણ નથી. ‘અમારાં પાપ ધોઈ ધોઈને ગંગા સુકાઈ ગઈ છે’ એવું એક પાત્ર કહે છે. નગરની વચ્ચોવચ એક વિરાટ ટાવર છે, જેની પર વસ્યો છે દૈત્યોનો ફ્યુચરિસ્ટિક કૉમ્પ્લેક્સ. નીચેના રહેવાસીઓને લાગે છે કે કૉમ્પ્લેક્સમાં સુખ-સુવિધા છે, એમણે ત્યાં જઈને સહિત-રહિતનો ભેદ મિટાવવો છે. દીપિકા પદુકોણનું પાત્ર ગર્ભવતી છે. અશ્વત્થામા (અમિતાભ બચ્ચન)ના કહેવા મુજબ, એના ગર્ભમાં ભગવાન છે એટલે કૉમ્પ્લેક્સવાળો શેતાન સુપ્રીમ યાસ્કિન (કમલ હસન) એને (બાળકને) ખતમ કરવા માગે છે. કૉમ્પ્લેક્સમાં એન્ટ્રી આપવાની લાલચમાં ભૈરવ (પ્રભાસ)ને આ કામ માટે મોકલવામાં આવે છે. ભૈરવ-પ્રસૂતા સ્ત્રી વચ્ચે અડીખમ ઊભા છે અશ્વત્થામા. દિશા પટણી બની છે ભૈરવની ગર્લફ્રેન્ડ.

યસ, એક અલાયદી સૃષ્ટિની કલ્પના, એને સાકાર કરવા બદલ પ્રોડક્શન ડિઝાઈનર (નીતિન જિહાની ચૌધરી)ને, ડિરેક્ટર અશ્વિન નાગને અને એમની વીએફએક્સ ટીમને 100માંથી 100 માર્ક્સ. હોલિવૂડની ‘મૅડમૅક્સ’ કે ‘માર્વેલ’ની ફિલ્મોથી પ્રેરિત ઍક્શન સીન્સ પણ સરસ છે. બેલ્ગ્રેડમાં વસતા અવ્વલ દરજ્જાના સિનેમેટોગ્રાફર જૉર્જે સ્તોજિલ્કોવિકે ઍક્શન સીન્સ શૂટ કર્યા છે.

અશ્વત્થામાની ભૂમિકામાં છવાઈ જવા બદલ અમિતાભ બચ્ચનને 100માંથી 150 માર્ક્સઃ ગ્રેટ એન્ગ્રી ઓલ્ડ મૅન બ્રિલિયન્ટ. બાકીનું બધું ઠીક મારા ભઈ. એમાંય ઈન્ટરવલ પહેલાં તો ફિલ્મ ની-રિપ્લેસમેન્ટ બાદ ચાલવાનો સંઘર્ષ કરી રહેલા કાચબાની ગતિથી ચાલે છે. ઈન ફેક્ટ, ઈન્ટરવલ પહેલાંની ફિલ્મ અસ્તવ્યસ્ત વેરવિખેર છે. જાણે ડિરેક્ટરને કંઈ સૂઝ્યું ન હોય એમ ધડમાથા વિનાના એક પછી એક સીન એમણે ખડકી દીધા છે. જબરદસ્તીથી કૂલ લાગવાનો પ્રયાસ કરતા પ્રભાસની એન્ટ્રીનો લાંબોલચ સીન, એનો કોમેડી કરવાનો, રોમાન્સ કરવાનો સંઘર્ષ. આપણને થાય કે આ શું ચાલી રહ્યું છે. ફિલ્મનું એક મહત્વનું પાત્ર (શાશ્વત ચેટર્જી) કંટાળાના ભાવ સાથે કહે છેઃ “ઈસકા કોઈ સાયન્ટિફક રીઝન તો હોગા”? મતલબ, જે કંઈ બની રહ્યું છે એ એને જ નથી સમજાતું. આ સંવાદ આખી ફિલ્મનો નિચોડ છે. પેલું ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મનું મીમ છેનેઃ “કેહના ક્યા ચાહતે હો”? ઈન્ટરવલ પછી બચ્ચન સાહેબની એન્ટ્રી બાદ, ભૈરવ-અશ્વત્થામાના યુદ્ધ બાદ ફિલ્મ પકડ જમાવે છે.

ટૂંકમાં ‘કલ્કિ’… અમિતાભ બચ્ચન માટે તથા પ્રોડક્શન ડિઝાઈન માટે તથા વીએફએક્સમાં આપણે ત્યાં કેવું કામ થાય છે એ જાણવામાં રસ હોય તો જોવાય. અને હા, ટૂંક સમયમાં બીજો પાર્ટ આવશે. કમસે કમ એટલી આશા રાખીએ કે પહેલા કરતાં એની લંબાઈ ઓછી હોય, ઓવર ધ ટોપ એક્ટિંગ ને કારણ વિનાની ભદ્દી કોમેડી એમાં ન હોય.