ભારત-પાકિસ્તાન યુદ્ધના ઓળા ધીરે ધીરે આછા થઈ રહ્યા છે, પણ ઈન્ટરનેટ પર યુદ્ધ હજુ ચાલુ જ છે. દેશઆખાને એકજૂટ બનાવનાર ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન અને યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈન્ટરનેટ પર જાતજાતની કમેન્ટ, જોક્સ, મીમ્સ, ફિલ્મના સીન્સ વાયરલ થતા રહે છે. જાણે યુદ્ધ મજાકનો વિષય હોય.
હશે. જે ફિલ્મોના સીન્સ વાયરલ થયા એમાંની એક એટલે ‘ઉરિઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક. ખાસ તો એમાં પરેશ રાવલના સંવાદ વાયરલ થયા.
૨૦૧૬માં જૈશ-એ-મોહમ્મદ દ્વારા જમ્મુ-કશ્મીરના ઉરી વિસ્તારમાં થયેલા અટેકમાં આપણા ૧૯ જવાન શહીદ થયા. તે પછી એક મિટિંગમાં (ફિલ્મમાં) વડા પ્રધાન (રજિત કપૂર) નેશનલ સિક્યોરિટી એડવાઈઝર ગોવિંદ ભારદ્વાજને (પરેશ રાવલને) પૂછે છે કે હવે આપણે શું કરવું જોઈએ? ત્યારે એ જવાબ આપે છેઃ
“પીઓકેમાં ઘૂસીને ટેરરિસ્ટ લૉન્ચપૅડ, એમના અડ્ડા, ત્યાં સંતાયેલા ફિદાઈન… બધાને ખતમ કરી નાખીએ.”
આગળ એ ઉમેરે છેઃ “આજ સુધી આપણે કોઈ દેશ પર પહેલાં હુમલો નથી કર્યો. પાકિસ્તાન આપણી આ ભલમનસાઈનો ફાયદો ઉઠાવતું આવ્યું છે. ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯… બલકે આપણી સહનશીલતાને નબળાઈ સમજી લેવામાં આવે છે. આ જ સમય છે એમનાં દિલમાં ડર બેસાડવાનો. એને ખાતરી થઈ જવી જોઈએ કે હિંદુસ્તાન હવે ચૂપ નહીં બેસી રહેઃ યે નયા હિંદુસ્તાન હૈ… યે હિંદુસ્તાન ઘરમેં ઘૂસેગા ભી ઔર મારેગા ભી.”
૨૦૧૯ના પ્રજાસત્તાક દિવસે રિલીઝ થયેલી ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના લેખક-દિગ્દર્શક આદિત્ય ધર સાથેની મારી મુલાકાતના અંશ પુનઃ રજૂ કરું છું, જે અત્યારે પ્રાસંગિક લેખાશેઃ
કશ્મીરી પંડિત આદિત્ય ધર મૂળ શ્રીનગરનો, પણ ઉછેર-અભ્યાસ બધું દિલ્હીમાં. એને આર્મીમાં જવું હતું, પણ ડિસ્લેક્સિયાએ એનાં અરમાનમાં પંક્ચર પાડી દીધું. એ નપાસ થયો. એ કહેઃ “આજે પણ મને સવા, પા અને પોણોમાં લોચા પડે છે. બેંગલોરમાં હોટેલ મેનેજમેન્ટ ભણ્યો, પણ ઝુકાવ પહેલેથી ફિલ્મલેખન તરફ એટલે મુંબઈ આવ્યો, દિગ્દર્શક પ્રિયદર્શનની ‘આક્રોશ’ માટે ડાયલોગ્સ લખ્યા. તે પછીનો સમય ખરાબ હતો. ૨૦૦૯થી ૨૦૧૬ સુધીમાં મારી અનેક ફિલ્મો બનતાં બનતાં રહી ગઈ. આબિદ સુરતીની ગુજરાતી નવલકથા ‘સૂફી’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયેલું એ પણ અટકી ગઈ. કરણ જોહર માટે ‘રાત બાકી’ બનાવવાનો હતો. બધું નક્કી હતું. કૅટરિના કૈફ અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથે દસેક દિવસમાં શૂટિંગ શરૂ કરવાનું હતું, પણ ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકાર સાથે કામ કરવા પર પ્રતિબંધ આવી ગયો. દસ દિવસમાં બીજો કલાકાર ક્યાંથી શોધવો? એ પ્રકરણ પણ ક્લોઝ. સતત નિષ્ફળતાથી કંટાળીને પાછા દિલ્હી જવાનું નક્કી કર્યું ત્યાં ટીવી પર સર્જિકલ સ્ટ્રાઈકના સમાચાર જોયા ને એના પરથી ફિલ્મ બનાવવાનો વિચાર જન્મ્યો…”
ફિલ્મના અતિપ્રચલિત સંવાદ, ‘હાઉ’ઝ ધ જોશ?’ વિશે એ કહેઃ “મારા એક અંકલ આર્મીમાં હતા. બાળપણમાં અમે કશ્મીર જતા ત્યારે અંકલ અમને લાઈનમાં ઊભાં રાખી જોરથી બરાડેઃ ‘હાઉ’ઝ ધ જોશ?’ અમારે બોલવાનું ‘હાઈ, સર.’ જેનો અવાજ સૌથી મોટો એને એ ચોકલેટ આપતા. ‘ઉરી…’ના લેખન વખતે બાળપણની આ સ્મૃતિ એમાં આવરી લીધી. ફિલ્મની રિલીઝ બાદ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં આ સંવાદ બોલ્યા ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો.”
વિકી કૌશલ, યામી ગૌતમ, પરેશ રાવલ, સ્વરૂપ રાવલ, માનસી પારેખ ગોહિલ, જેવા કલાકારોને મુખ્ય ભૂમિકા ચમકાવતી ‘ઉરી…’નું મોટા ભાગનું શૂટિંગ યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવેલા દેશ સર્બિયામાં થયું. કેમ કે આર્મીમાં વપરાતાં લાઈટવાળાં હેલ્મેટ, નાઈટવિઝન ગોગલ્સ, કમરપટ્ટા, ઑટોમેટિક ગન્સ, હેલિકૉપ્ટર અહીં મળવાં મુશ્કેલ. ત્યાંથી ઈમ્પોર્ટ કરવામાં કડાકૂટ હતી એટલે ત્યાં જ શૂટિંગ કર્યું.
રસપ્રદ વાત એ કે ઉરી… બાદ આદિત્યે ફિલ્મ ડિરેક્ટ કરી નથી. એણે ‘આર્ટિકલ 370’ તથા થોડા સમય પહેલાં ઓટીટી પર આવેલી ‘ધૂમધામ’નાં લેખન-નિર્માણ સંભાળ્યાં. બન્નેમાં નાયિકા ધર્મપત્ની યામી ગૌતમ. ડિરેક્ટર તરીકે એની બીજી ફિલ્મ ‘ધુરંધર’ આ વર્ષે રિલીઝ થશે. રણવીરસિંહ-સંજય દત્ત-આર. માધવન-અર્જુન રામપાલ-આહના કુમરા જેવા કલાકારોને ચમકાવતી ‘ધુરંધર’ દેશવિદેશના ગુપ્તચરોની કામગીરી વિશેની, સત્ય ઘટનાથી પ્રેરિત છે.
