લાપશીનું આંધણ મૂકવા જેવા સમાચાર છેઃ કાઠિયાવાડમાં સર્જાયેલી ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ (‘છેલ્લો શો’) 93મા એકેડમી એવૉર્ડ માટે બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મની કેટેગરીમાં નૉમિનેટ થઈ છે. ગયા વર્ષે ભર પૅન્ડેમિકમાં આ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર શો હોલિવૂડના ખાંટુ ઍક્ટર રોબર્ટ દ નિરોએ સ્થાપેલા ‘ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ’માં યોજાયેલો. તો આ વર્ષે એ સ્પેનમાં ‘વેલ્લાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલ’માં ગોલ્ડન સ્પાઈકની સમ્માનિત થઈ.
ફિલ્મના રાઈટર-ડિરેક્ટર પૅન નલિન ચિત્રલેખાને કહે છેઃ “મેં કલ્પનાય કરી નહોતી કે ફિલ્મ ઑસ્કારમાં જશે. ‘છેલ્લો શો’ને દુનિયાભરના સિનેમાપ્રેમીઓનો પ્રેમ તો મળી રહ્યો છે, પરંતુ મને હંમેશાં થતું કે મારી માતૃભૂમિ સુધી મારું સર્જન કેવી રીતે પહોંચાડું? પણ આ સમાચારથી હવે મારા જીવમાં જીવ આવ્યો છે. મનોરંજન, પ્રેરણા અને જ્ઞાનનાં પીયૂષ પીવડાવતા માધ્યમ સિનેમામાં મારો વિશ્વાસ પુનઃ સ્થાપિત થયો છે! એ એક સુભગ સંયોગ છે કે છેલ્લો શો આશા, ઉમેદ, હોપ વિશેની અને આપણા કાઠિયાવાડી જુગાડુ જુસ્સાના સેલિબ્રેશનની ફિલ્મ છે.”
નલિન રમણીકલાલ પંડ્યા એટલે કે પૅન નલિને સર્જેલી સેમી ઑટોબાયોગ્રાફિકલ ‘છેલ્લો શો’નો સમયકાળ છે 2009-2010. એ સમય, જ્યારે ભારતીય સિનેમા ઉદ્યોગ પડખું ફેરવીને ટિનના ડબ્બામાં બંધ નેગેટિવમાંથી ડિજિટલ તરફ જઈ રહ્યો હતો, સિંગલ સ્ક્રીન થિયેટર ધડાધડ બંધ થઈ રહ્યાં હતાં. ચકાચક મલ્ટિપ્લેક્સીસ એમની જગ્યા લઈ રહ્યા હતા. વાર્તા અમરેલી જિલ્લાના એક ગામડાના 8-10 વર્ષની વયનાં પાંચેક બાળકોની આસપાસ ફરે છે. કેન્દ્રમાં છે સમય નામનો ટાબરિયો. રાજકોટના ‘ગૅલેક્સી’ થિયેટરમાં જીવનની પહેલી ફિલ્મ જોઈને સમયને ફિલ્મો જોવાનો ચસકો લાગે છે. એ ‘ગૅલેક્સી’ના પ્રોજેક્શનિસ્ટ સાથે એક વણલખ્યો કરાર કરે છેઃ તમારે મને મફતમાં ફિલ્મ જોવા દેવાની બદલામાં હું તમને મારા લંચબૉક્સમાંથી ઈચ્છા થાય એ ખાવા દઈશ. સ્વાદ-સિનેમાની આ દોસ્તી આગળ જતાં કેવોક વળાંક લે છે એ જોવા-જાણવા ફિલ્મ જોવી પડે.
ઉલ્લેખનીય છે કે આ પહેલી જ વાર ઈન્ટરનેશનલ ઑડિયન્સે કાઠિયાવાડની ધીંગી ધરા, એનાં ગામડાં, કુદરતી સૌંદર્ય પરદા પર માણ્યાં કેમ કે પૅન નલિને ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના ચલાલા, અમરેલી, લાઠી, સાસણગીર વિસ્તારમાં કર્યું છે.
પૅન નલિનના પિતા રમણીકલાલ પંડ્યા ખીજડિયા જંક્શન ક્રૉસિંગ પાસે ચાની લારી ચલાવતા. ત્યાં જ નલિનનો જન્મ. બાળપણથી ચિત્રકામ, ફિલ્મોમાં રસ ધરાવતા નલિનભાઈના જીવને પછી એવો વળાંક લીધો કે એ પહેલાં મુંબઈ અને પછી અમેરિકા, ફ્રાન્સ પહોંચ્યા, ‘સમ્સારા,’ ‘વૅલી ઑફ ફ્લાવર્સ,’ ‘એન્ગ્રી ઈન્ડિયન ગૉડેસેસ’ જેવી ડઝનબંધ ફિલ્મો તથા ડૉક્યૂમેન્ટરીઝ સર્જી દુનિયામાં ડંકો વગાડ્યો.
એ કહે છેઃ “ખીજડિયા જંક્શનથી જતી-આવતી ટ્રેનમાં મોટી કાળી પતરાંની પેટી જોતો ત્યારે ખ્યાલ નહોતો કે એમાં શું હશે. સમજણા થયા ત્યારે ખબર પડી કે એમાં ફિલ્મની નેગેટિવના ડબ્બા હોય. પહેલી ફિલ્મ લાઠીમાં જોઈને ઘેલો થઈ ગયેલો. એ પછી અમરેલીમાં અઢળક ફિલ્મો જોઈ. ત્યાં થિયેટરના પ્રોજેક્શનિસ્ટ સાથે મેં દોસ્તી કરેલી. એ મને મફત ફિલ્મ જોવા દેતા ને બદલામાં હું મારાં બા (હંસાબહેન પંડ્યા)એ બનાવેલાં દાળઢોકળી, રિંગણાંનો ઓળો, બાજરાનો રોટલો, વગેરે એમને જમાડતો.”
આ ફિલ્મના નિર્માતા છે ધીર મોમાયા (‘જુગાડ મોશન પિક્ચર’), પૅન નલિન (‘મોનસૂન ફિલ્મ્સ’). આ ઉપરાંત કેટલાક ઈન્ટરનેશલ પ્રોડ્યુસર અને હવે ‘રૉય કપૂર ફિલ્મ્સ’ પણ જોડાયા છે. ધીર મોમાયા આ પહેલાં ‘તીન ઔર આધા,’ ‘નામદેવ ભાઉ’ જેવી ફિલ્મ તથા મ્યુઝિક વિડિયો અને ઍડફિલ્મ્સ બનાવી ચૂક્યા છે. એ કહે છેઃ “છેલ્લો શો એક હૃદયસ્પર્શી પારિવારિક ફિલ્મ છે. એક પણ લોકપ્રિય બોલિવૂડ સ્ટાર ન ધરાવતી ગુજરાતી ફિલ્મ ઑસ્કારમાં જાય એ ખરેખર થ્રિલિંગ છે. આ પહેલાં જેમની અનેક ફિલ્મો ઑસ્કારમાં ગઈ છે એવા ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યૂટરોએ અમારી ફિલ્મના રાઈટ્સ લીધા છે.”
ફિલ્મના કાસ્ટિંગ ડિરેકટર દિલીપ શંકરે રબારી-મેર-સિદી સમાજમાંથી આવતા ભાવિન રબારી-ભાવેશ શ્રીમાળી-રિચા મીણા-દિપેન રાવલ-પરેશ મહેતા જેવાં બાળકોને પસંદ કરી એમને અભિનય માટે સજ્જ કર્યા. આ ઉપરાંત અન્ય કલાકારો ગુજરાતી રંગભૂમિના છે. છેલ્લો શો 14 ઑક્ટોબરે ગુજરાત તેમ જ ભારતનાં ચૂંટેલાં શહેરોમાં રિલીઝ થશે.