આર. બાલ્કિની ‘ઘૂમર’માં ભૂતપૂર્વ ટેસ્ટક્રિકેટર, હાલ ફુલટાઈમ દારૂડિયા પૅડીના મોંમાં એક સંવાદ મૂકવામાં આવ્યો છેઃ “જિંદગી જબ આપકે મુંહ પર દરવાજા બંદ કરતી હૈ, તો ઉસે ખોલના નહીં, તોડના પડતા હૈ…” આ સંવાદ ફિલ્મનાં ઘાટ-ગતિ-મૂડ બનાવી તો દે છે, પણ…
હમ્મ્મમ ‘પણ’ આવ્યું ખરું! શું કામ આવ્યું? એ પછી… પહેલાં આ વાંચોઃ જીવનમાં કંઈ કરવાની ગાંઠ વાળી લો અને પૂરા પુરુષાર્થથી મંડી પડો તો હજાર હાથવાળો ઈશ્વર “અનહોની કો ધોની, સૉરી, હોની કર દે” એવા મધ્યવર્તી વિચાર પર આધારિત આ ક્રિકેટફિલ્મ ઘૂમરનાં મુખ્ય પાત્રો છેઃ ભૂતપૂર્વ ટેસ્ટક્રિકેટર પદમસિંહ ઉર્ફે પૅડી (અભિષેક બચ્ચન), ક્રિકેટર અનિના (સૈય્યમી ખેર), એના અંધશ્રદ્ધાળુ પિતા (શિવરાજસિંહ ડુંગરપુર), દાદીમા (શબાના આઝમી), બૉયફ્રેન્ડ (અંગદ બેદી), વગેરે. સૌએ સરસ કામ કર્યું છે.
વળી ખેલાડીની (કે કોઈ પણ કાળા માથાના સફળ માનવીની) સંઘર્ષકથામાં પ્રેક્ષકને હંમેશાં રસ પડે છે. આથી જ આજકાલ સિંગિંગ-ડેન્સિંગના ટીવી-રિઆલિટી શોમાં સ્પર્ધકની કળા કરતાં એના સંઘર્ષને વધુ બઢાવીચઢાવીને દેખાડવામાં આવે છે. ‘ઘૂમર’ની વાત કરીએ તો એની મૂળ વાત પ્રેરણાદાયી છે, પણ કથા-પટકથા (બાલ્કિ-રાહુલ સેનગુપ્તા-રિશી વીરમણિ)નો પનો જરીક ટૂંકો પડતાં એ એક રેગ્યુલર ક્રિકેટફિલ્મ બનીને રહી જાય છે.
હોલિવૂડની ‘રૉકી’થી લઈને ‘મિલિયન ડૉલર બેબી’ કે ઘરઆંગણે ‘ચક દે,’ ‘મેરી કૉમ’, ‘એમ.એસ. ધોની’ જેવી ધાંસૂ સ્પૉર્ટ્સ ફિલ્મોની પંગતમાં બેસવાની ટ્રાય કરતી ‘ઘૂમર’ની ટૂંકમાં વાર્તા જોઈએ તોઃ પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર અનિનાની નૅશનલ ટીમમાં પસંદગી થાય છે, પણ એક કારએક્સિડન્ટમાં એ જમણો હાથ ગુમાવી દે છે. અકસ્માત બાદ અનિના ક્રિકેટ જ નહીં, જીવનમાંથી રસકસ ગુમાવી દે છે, પરંતુ અનેક વર્ષ પહેલાં ઈજાના કારણે ક્રિકેટટીમમાંથી બહાર ફેંકાઈ ગયેલો પદમસિંહ સોઢી પૅડી (અભિષેક બચ્ચન) અનિનાને ડાબા હાથે નવી જ સ્ટાઈલની સ્પિન બોલિંગ કરવાની ટ્રેનિંગ આપે છે, અનિનાનું કોચિંગ કરવાની સાથે સાથે એ આપણને જીવનના અઘરા પાઠ પણ ભણાવે છે.
અહીં એક જિજ્ઞાસાઃ શું નેશનલ ક્રિકેટટીમમાં દિવ્યાંગ (એક હાથવાળા) ખેલાડીને સ્થાન મળે ખરું? અલબત્ત, ડિરેક્ટરે અમુક દાખલા-દલીલ સાથે આ પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે, પણ એ દલીલ ગળે ઊતરતી નથી.
બીજી જિજ્ઞાસાઃ રજને સૂરજ બનાવનારા પ્રશિક્ષકો કે મદદગારો દારૂડિયા જ હોવા જોઈએ? જુઓની, આર. બાલ્કિની જ ‘શમિતાભ’માં દારૂડિયા અમિતાભ સિંહાનું પાત્ર ભજવતા બિગ બી પ્રતિભાશાળી, પણ મૂક ઍક્ટર દાનિશ (ધનુષ)નો અવાજ બની એની ઍક્ટિંગ કરિયરને ટોચ પર પહોંચાડે છે. એ પહેલાં, 2005માં નાગેશ કુકનૂરની ક્રિકેટફિલ્મ ‘ઈકબાલ’માં (નસીરુદ્દીન શાહ) ભૂતપૂર્વ ક્રિકેટર હોય છે, પણ હવે એ શરાબી છે. એ નિર્ધન, મૂક-બધિર ઈકબાલ (શ્રેયસ તળપદે)ને બોલિંગની એવી જોરદાર તાલીમ આપે છે કે એ ઈન્ડિયન ક્રિકેટ-ટીમમાં સિલેક્ટ થઈ જાય છે. શું કરિયરનો અંત આવી જાય એટલે દારૂની બાટલીના શરણે થઈ જવાનું?
આર. બાલ્કિ (‘ચિની કમ,’ ‘પા,’ ‘પૅડમૅન,’ ‘ચુપ’)એ ‘ઘૂમર’ની પ્રેરણા હંગેરીના પિસ્તોલ શૂટર કારોલી ટેકાક્સ પરથી લીધી છે. 1910માં બુડાપેસ્ટમાં જન્મેલા શૂટર કારોલીનો જમણો હાથ ઈજાગ્રસ્ત થયો તે પછી એમણે આકરી પ્રૅક્ટિસ કરીને લેફ્ટ-હૅન્ડથી શૂટિંગમાં બે ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા.
બાલ્કિની બધી ફિલ્મની જેમ અહીં પણ અમિતાભ બચ્ચન ટૂંકી, પણ મજેદાર ભૂમિકામાં દેખાય છે. અને બાલ્કિની બધી ફિલ્મોની જેમ વન-લાઈનર્સ જોવા મળે છે. જેમ કેઃ એક ટેસ્ટ બાદ ટીમની બહાર ફેંકાઈ ગયેલો પૅડી કહે છેઃ “મૈં એક દિન ક્રિકેટ ખેલના ચાહતા થા, મૈં એક દિન હી ક્રિકેટ ખેલ પાયા…”
ઓવરઑલ, ‘ઘૂમર’ ખરાબ ફિલ્મ નથી, બલકે બહેતરીન ફિલ્મ બનતાં બનતાં રહી ગયેલી એક એવરેજ ફિલ્મ છે. ‘ગદર-ટુ’ અને ‘ઓમએમજી-2’ જોઈ કાઢી હોય તો વીકએન્ડમાં જોવા જજો.