પોતાની કારકિર્દીની લગભગ પચીસમી ફિલ્મ માટે ડિરેક્ટર અનુરાગ કશ્યપે વાર્તા સ્પેનથી આયાત કરી છે. ‘2.12 દો બારા’ 2018માં આવેલી સ્પેનિશ સસ્પેન્સ-થ્રિલર ‘મિરાજ’ની ઑફિશિયલ રિમેક છે. બન્યું એવું કે અનુરાગને ‘મિરાજ’ એટલીબધી ગમી ગઈ કે એણે હિંદીમાં બનાવવાનું નક્કી કરી લીધું. અહીંયાં કોને કેટલી સમજાશે, કોણ જોવા જશે, કેટલી ચાલશે, એ બધું ગૌણ છે. મને ગમીને બસ, મારે બનાવવી છે. ફિલ્મમાં તાપસીના મોંમાં એક ડાયલોગ છેઃ “મુઝે સિરિયસલી સમજ નહીં આ રહા કિ ક્યા હો રહા હૈ…” આ સંવાદ ફિલ્મ કેવી હશે એનો અણસાર આપી દે છે. ગમ્મત એ છે કે ‘દો બારા’ જોવા તો ખાસ ધસારો નથી થયો, પણ મૂળ ફિલ્મ ‘મિરાજ’ માટે સિનેમાપ્રેમીમાં કુતૂહલ જાગ્યું ને નેટફ્લિક્સ ખોલીને એ જોઈ રહ્યા છે. આને કહેવાય બલિહારી.
વાર્તા 1990 અને વર્તમાન સમય વચ્ચે હીંચકા ખાતી રહે છે. બનેલું એવું કે 1990માં એક વરસાદી, તોફાની રાતે 12 વર્ષનો બાલક અનય રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે. મરતાં પહેલાં અનય પડોશીને પોતાની પત્નીની હત્યા કરતાં અને હત્યાના પુરાવા મિટાવતો જોઈ જાય છે. આ દુર્ઘટનાનાં પચીસ વર્ષ બાદ નર્સ અંતરા (તાપસી પન્નૂ) પતિ (રાહુલ ભટ્ટ) અને પુત્રી સાથે નવા ઘરમાં શિફ્ટ થાય છે અને એક પછી એક અજીબ ઘટના બનવા માંડે છે.
બે જુદા જુદા સમયકાળમાં (1990માં અને 2021માં) બનેલી-બનતી ઘટના વચ્ચેની કડી છે એક જૂનો ટેલિવિઝન સેટ. કેમ કે તાપસી જે ઘરમાં શિફ્ટ થાય છે એમાં એ જ જૂનો ટીવીસેટ છે… ફિલ્મના સર્જક રેડિયો અને ટેલિવિઝન પર પ્રસારિત થતા સમાચારના માધ્યમથી દર્શકનાં ગળે એ હકીકત ઉતારવાની કોશિશ કરી રહ્યા છે કે જે તોફાન ટીવીના પરદા પર દેખાય છે એવું તોફાન આવે ત્યારે ક્યારેક ક્યારેક તે વખતે એવી ઘટના ઘટે છે જે શું કામ ઘટી એનું કારણ વિજ્ઞાન પાસે પણ હોતું નથી. મિરાજ એટલે મૃગજળઃ સત્યની પાસે જવાની કોશિશ કરીએ છીએ, પણ એ દૂર જતું જાય છે.
અભિનયમાં તાપસી પન્નૂ રાબેતા મુજબ સ-રસ. ‘થપ્પડ’માં તાપસીનો હસબંડ બનેલો પાવેલ ગુલાંટી અહીં મર્ડર કેસની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં જામે છે. આ સિવાય સાસ્વતા ચેટર્જી-રાહુલ ભટ્ટ-હિમાંશી ચૌધરી-નિધિસિંહ, વગેરેએ પણ સારું કામ કર્યું છે.
જો વીકએન્ડમાં તમારો મૂડ કંઈ મનોરંજન મેળવવાનો, રિલેક્સ થવાનો કે મોજમસ્તીનો છે તો ‘દો બારા’ તમારા માટે નથી કેમ કે કથાનક જટિલ છે. ફિલ્મ જોતી વખતે એકાગ્રતા એ હદે રાખવી પડે છે કે અંધારામાં બૉક્સમાંથી સમોસું કે પૉપકૉર્ન ફંફોસવા રહ્યા તો એટલી વારમાં વાર્તાનો તંતુ તૂટી જાય. અરે યાર, મૂવી જોવા આવ્યા છે. કંઈ કેબીસી રમવા કે બુદ્ધિચાતુર્યની કસોટી કરાવવા થોડા આવ્યા છીએ? એક પત્રકારમિત્રે ટકોર કરી કે, ફિલ્મ સમજવા દોબારા જોવી પડશે.
બસ તો, ફિલ્મ જોવી કે નહીં એ તમે જ નક્કી કરો. હા, જો તમને ટાઈમ-ટ્રાવેલ અને કૉમ્પ્લિકેટેડ કથાનકવાળી સસ્પેન્સ-થ્રિલર ગમતી હોય તો પહોંચી જાઓ નજીકના થિએટરમાં.