મેંહકે હુએ રાઝની કથા…

ખૂન ખૌલી ઊઠે છે સમાચાર સાંભળીનેઃ પાંચ નરાધમોએ મૈસુરમાં મેડિકલનું ભણતી કન્યાનો ગેન્ગરેપ કર્યો તથા એના બૉયફ્રેન્ડ પર હુમલો કર્યો. રેપ બાદ બન્ને પર થયેલી બર્બરતા હચમચાવી જાય છે. રેપ-વિક્ટિમ અને એનો બૉયફ્રેન્ડ હજી શારીરિક-માનસિક આઘાતમાંથી બહાર આવ્યાં નથી.
હિંદી સિનેમામાં મહદંશે રેપ જેવા સંવેદનશીલ વિષયને ક્રૂર રીતે હાથ ધરવામાં આવે છે. ખાસ તો પીડિતાની, એના પરિવારની માનસિક સ્થિતિ પર ભાગ્યે જ કોઈ સર્જકે કૅમેરા ફોકસ કર્યો છે. આવી એક ફિલ્મ એટલે 1978માં આવેલી રેખા-વિનોદ મેહરાને ચમકાવતી ‘ઘર’. વાર્તા એટલી જ કે મુંબઈના જુહુ વિસ્તારના એક સિનેમા-થિયેટરમાંથી લેટ નાઈટ શો બાદ ઘેર પાછાં ફરી રહેલાં સુખી દંપતી પર હુમલો થાય છે, પત્ની પર સામૂહિક બળાત્કાર થાય છે. આ ઘટના બાદ પતિ-પત્ની સાથે મળીને કરુણાંતિકા ભૂલવાના, જીવન નવેસરથી શરૂ કરવાનો સંઘર્ષ કરે છે…
એન.એન. સિપ્પી નિર્મિત ‘ઘર’ની વાર્તા લખેલી નાટ્યકાર દિનેશ ઠાકૂરે. ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા પણ એમણે ભજવેલી. ડિરેક્ટર હતા માણિક ચેટરજી. આ ફિલ્મ વિશેની એક ઈન્ટરેસ્ટિંગ વાત લેખક-દિગ્દર્શક-કવિ ગુલઝાર સાહેબ પાસેથી જાણવા મળેલી.
બનેલું એવું કે મુંબઈના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં સેટ લાગી ગયેલો. વિનોદ મહેરા, રેખા, વગેરે મુખ્ય કલાકારોની તારીખો મળી ગયેલી, પણ શૂટિંગ શરૂ થવાના ગણતરીના  દિવસો પહેલાં માણિકદાને અકસ્માત થયો એટલે એન.એન. સિપ્પીએ ગુલઝાર સાહેબને એ શિડ્યુઅલ ડિરેક્ટ કરી આપવા વિનંતી કરી.
ગુલઝાર અને માણિક ચેટરજી બન્ને બિમલ રૉયના સહાયક, બન્નેની કારકિર્દી સાથે શરૂ થયેલી. ના પાડવાનો સવાલ નહોતો. એમની દ્વિધા એ હતી કે એમણે રેખા સાથે પહેલાં કામ કર્યું નહોતું, એનો કોઈ ખાસ પરિચય નહોતો. “જોઈશું… પડશે એવા દેવાશે” એમ વિચારી ગુલઝાર સમયસર સેટ પર પહોંચી ગયા. પંચમદાએ (રાહુલ દેવ બર્મને) સ્વરાંકિત કરેલા “તેરે બિના જિયા જાયે ના” ગીતનું પિક્ચરાઈઝેશન કરવાનું હતું. રેખા પણ સમયસર સેટ પર હાજર થઈ ગઈ. એણે જોયું કે હજી તો તૈયારી ચાલી રહી છે એટલે એણે ગુલઝારને સવાલ કર્યોઃ “બધું રેડી થતાં કેટલી વાર લાગશે”?
ગુલઝારે કહ્યું કે “આજે પહેલો દિવસ છે એટલે થોડી વાર લાગશે”…
“ઠીક” કહીને રેખાએ ત્યાંથી ચાલતી પકડી.
થોડા સમય બાદ શૉટ રેડી થઈ ગયો, પણ આ શું? રેખા ક્યાં? આસિસ્ટંટ આખા સ્ટુડિયોમાં ફરી વળ્યા, પણ રેખા મળી નહીં. હવે એની પ્રતીક્ષા કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. છેવટે લન્ચ બ્રેક પૂરો થયો ત્યાર પછી રેખાની એન્ટ્રી થઈ.
આ કિસ્સા વિશે ગુલઝારજીએ કહ્યું: “એ વખતે મેં રેખાને પૂછ્યું નહીં કે બહેન, તું અચાનક ક્યાં ગાયબ થઈ ગયેલી, પણ મને પાછળથી ખબર પડી કે એ નજીકના થિયેટરમાં મારી ફિલ્મ ‘આંધી’ જોવા ગયેલી.
ગુલઝાર સાહેબ ઉમેરે છેઃ “મેં એને મજાકમાં કહ્યું કે, તું એ જોવા ગઈ હશે કે ગુલઝાર નામનો આ ડિરેક્ટર કેટલાં પાણીમાં છે… બરાબરને? ત્યારે રેખાનો જવાબ મને ચોંકાવી ગયો”.
રેખા કહે: “ના ના. આ તો મને થયું કે ‘આંધી’ હમણાં જ રિલીઝ થઈ છે. તમે એ વિશે મારી સાથે ચર્ચા કરો તો મારે જવાબ શું આપવો? એટલે તમે શૉટ રેડી કરતા હતા એ દરમિયાન હું ‘આંધી’ જોઈ આવી”!
માત્ર 45 વર્ષની વયે દુનિયામાંથી એક્ઝિટ લેનાર વિનોદ મેહરા અને રેખાના સેન્સિટિવ અભિનય ઉપરાંત ‘ઘર’નું બેજોડ પાસું હતું ગુલઝારનાં ગીતો ને રાહુલ દેવ બર્મનનું સંગીત:- “ફિર વોહી રાત હૈ”, “આપ કી આંખો મેં”, “તેરે બિના જિયા જાયે ના”, “આજકલ પાઁવ જમીં પર નહીં રેહતે મેરે”, “બોતલ સે ઈક બાત”, જેવાં ગીત આજેય એફએમ પર સાંભળીને ડોલી જવાય છે.
1978માં ‘મુકદ્દર કા સિકંદર’, ‘ત્રિશૂલ’, ‘કસમે વાદે’, ‘ડૉન’, ‘પતિ પત્ની ઔર વો’, ‘સરગમ’ જેવી ફિલ્મો રિલીઝ થયેલી. આ બધાંની સામે ટાઈટ બજેટમાં બનેલી ‘ઘર’નાં ખૂબ વખાણ થયેલાં, દિનેશ ઠાકૂરને શ્રેષ્ઠ લેખન માટે એવૉર્ડ મળેલો અને કલેક્શન ઠીક ઠીક હતું. આમ છતાં બળાત્કારના વિષય પર બનેલી ‘ઘર’ કેટલીક ઉમદા ફિલ્મમાંની એક હતી ને રહેશે.
કેતન મિસ્ત્રી
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]