ઑક્ટોબર મહિનામાં આઈપીએલ દરમિયાન નવીસવી ફિનેન્શિયલ કંપની ‘ક્રેડ’ની ટીવીઍડ પ્રસારિત થઈ ને ઈસ્ટંટ ચર્ચાના ચકડોળે ચડી. અનિલ કપૂર-માધુરી દીક્ષિત-બપ્પી લાહિરી, વગેરેને ચમકાવતી ટીવીઍડમાં આ સેલિબ્રિટી ઑડિશન આપતી નજરે ચડે છે. ત્રણેય પોતાની સામે બેઠેલી જ્યુરી પર પ્રભાવ પાડવા 1990ના દાયકાનાં ગીત-સંગીત, નાચગાન રજૂ કરે છે. એમના વિચિત્ર પરફોરમન્સથી ડઘાઈ ગયેલી જ્યુરી આગામી જાહેરખબરમાં સેલિબ્રિટીને લેવાના ધખારા છોડી ‘ડાઉનલોડ ક્રેડ’ એવા અવાજવાળી (વૉઈસઓવરવાળી) સિમ્પલ ઍડ બનાવવાનું નક્કી કરે છે. પછી તો એમાં બીજા કલાકાર પણ જોડાયા…
-કિંતુ અહીં એ જાહેરખબરની કથા માંડવાનો ઈરાદો નથી. વાત કરવી છે આ ઍડ-સિરીઝમાં જેમની ઍડ સૌથી મજેદાર બની છે એ બપ્પી લાહિરીની.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં 27 નવેમ્બર, 1952ના રોજ ક્લાસિકલ સિંગર બંસરી અને મ્યુઝિશિયન અપરેશ લાહિરીને ઘેર જન્મલા બાળકનું નામ માવતરે તો આલોકેશ પાડ્યું, પણ એ દેશ-દુનિયામાં પંકાયો હુલામણા નામ બપ્પીથી. ત્રણ વર્ષની વયે તબલાં પર સંગીતકાર પિતાની સંગત કરનાર, 11 વર્ષની વયે બંગાળી ફિલ્મ ‘દાદૂ’ માટે સંગીત સર્જનાર બપ્પીદા માટે જિનિયસ શબ્દ ટૂંકો પડે એવું એમનું સિનેમાસંગીતમાં પ્રદાન છેઃ પાંચ દાયકાની કારકિર્દી, સાડાછસ્સો જેટલી ફિલ્મો, નવ હજારથી વધુ સ્વરાંકન, દોઢસોથી વધુ માનઅકરામ.
-અને આજના મંગળ દિવસ, 27 નવેમ્બર, 2020ના રોજ બપ્પીદા આયુષ્યના 67 વર્ષ પૂરાં કરે છે ત્યારે સમાચાર આવે છે કે પ્રકાશ મેહરાની કેટલીક સુપરડુપર હીટ ફિલ્મોમાંની એક એવી ‘નમક હલાલ’ને ફરી સર્જવાના હક્ક પ્રોડ્યુસર મુરાદ ખેતાણીએ લીધા છે. અમિતાભ બચ્ચન-શશી કપૂર-સ્મિતા પાટીલ-પરવીન બાબીને ચમકાવતી આ ફિલ્મની સુપર સક્સેસમાં બપ્પી લાહિરીનાં સ્વરાંકનનો બહુ મોટો હાથ છે. શું ઓરિજિનલ સોંગ્સ નવી ફિલ્મમાં લેવામાં આવશે? કે પછી બપ્પીદા એ જ ગીતોને નવેસરથી બનાવશે? અથવા સાવ નવાં ગીત બનાવશે? બોલિવૂડમાં આજકાલ આવી અટકળો વહેતી થયા કરે છે. જો કે બપ્પીદાએ કહી દીધુઃ “મારો કોઈએ કોન્ટેક્ટ કર્યો નથી. એ લોકોના શું પ્લાન છે મને ખબર નથી”.
ઓક્કે. જે ખબર છે તે એ કે ‘નમક હલાલ’નાં ગીતો આજે પણ સંગીતપ્રેમીનાં હૈયે ને હોઠે છે. પછી એ 12 મિનિટનું ‘પગ ઘૂંઘરુ’ હોય કે ‘રાત બાકી’ હોય… ‘જવાન જાનેમન’ હોય કે પછી ‘આજ રપટ જાયે’ હોય. એમ તો એ પછી આવેલી પ્રકાશ મેહરાની ‘શરાબી’નાં ગીતો પણ કેમ ભુલાય? ‘જહાં ચાર યાર મિલ જાયે’… વાહઃ કિશોરકુમારના સ્વરમાં મુખડું ને રૅપ સોંગ જેવો અમિતાભ બચ્ચનનો મસ્તીભર્યો અંદાજઃ ‘વન ઓ’ક્લોક, ઈન માય હાઉસ, ઘેર વૉઝ અ કૅટ, ધેર વૉઝ અ માઉસ, ખેલ રહે થે ડંડા ગિલ્લી, ચૂહા આગે પિછે બિલ્લી’…
જુહુ પર આવેલા ‘લાહિરી હાઉસ’માં બેસીને બપ્પીદા સાથે જૂની વાતો વાગોળવી એ એક લહાવો છે. વાતચીતમાં એ ગીત પણ સંભળાવે. અવારનવાર જેના શબ્દ-ઉચ્ચાર બાંગલાની છાંટવાળાં થઈ જાય. આવી એક ટોક-વિધિન-ટોકમાં એમણે કહેલું કે “હું જાણીતો થયો ડિસ્કો-કિંગ તરીકે, પણ મેં કંઈકેટલાં હળવાં સ્વરાંકન પણ બનાવ્યાં છે”.
યસ, અફ કોર્સ, બપ્પીદા. અને અફકોર્સ, સૌથી વધુ રિમિક્સ પણ બપ્પીદાનાં સોંગ થયાં છે, જે સૂચવે છે કે એમના 1980-1990ના દાયકાનાં ગીત આજે પણ રેલેવન્ટ છે. હજી આ જ વર્ષે આવેલી ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં એમનું ‘યાર બિના ચૈન કહાં રે’ (‘સાહેબ’) જોવા મળ્યું તો ‘બાઘી-3’માં ‘એક આંખ મારું તો’ (તોહફા) લેવામાં આવ્યું.
2014માં પશ્ચિમ બંગાળના શ્રીરામપુર મતવિસ્તારમાંથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડીને પોલિટિક્સમાં નિષ્ફળ ટ્રાય મારનારા બપ્પીદાનું કહેવું છે કે એ એલ્વિસ પ્રિસ્લીથી પ્રભાવિત છે ને એટલે એની જેમ પોતાનો એક અલગ અંદાજ, અલગ લૂક રાખ્યો છેઃ આંખો પર બ્રાન્ડેડ સનગ્લાસીસ, જમણા કાંડા પર સોનાનાં કડાં, ડાબા કાંડા પર મસમોટા ડાયલવાળી ગોલ્ડપ્લેટેડ વૉચ, ગળામાં વિવિધ દેવતાનાં લૉકેટવાળાં સોનાના ચેન માતા, પત્નીએ ભેટ આપેલાં છે ને એમના કહેવા મુજબ, “એ મારી રક્ષા કરે છે… લોકો ભલે મારી મજાક ઉડાડે. મને પરવા નથી, હું નિજાનંદમાં મારું કામ કર્યે જાઉં છું.”
બપ્પીદાનાં કેટલાંક પર્સનલ ફેવરીટ સૉફ્ટ, રોમાન્ટિક સ્વરાંકનઃ
|
હેપી બર્થડે બપ્પીદા. સ્ટે બ્લેસ્ડ. ઑલવેઝ.
(કેતન મિસ્ત્રી)