“હર કામિયાબ હીરો (અથવા હીરોઈન) કે પિછે પાવરફુલ સ્ટોરીરાઈટર કા હાથ હોતા હૈ” એવું કોણે કહ્યું? ચલો, મેં કહ્યું. મેઈન વાત છે આવો ડાયલૉગ મારવાની વજહઃ પ્રાઈમ વિડિયોની ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘એંગ્રી યંગ મેનઃ સલીમ જાવેદ સ્ટોરી’. ચુસ્ત કથા-પટકથા, જોશીલા-ધારદાર ડાયલૉગ્ઝના રચયિતા સલીમ-જાવેદના ઉદયની, એમના ચરમની, જોડીના ખંડનની, અંગત વાતોની કથા. સિરીઝનું નિર્માણ બન્ને લેખકના બેટા- સલમાન ખાન અને ફરહાન અખ્તરની કંપનીએ (ઝોયા અખ્તર, રિતેશ શિધવાની, રીમા કાગતી) કર્યું છે, ડિરેક્ટર છે નમ્રતા રાવ.
આ ડૉક્યુમેન્ટરી એ બે લેખકની એક જોડી વિશેની નથી, પણ 1970ના અને અમુક અંશે 1980ના દશકના હિંદી સિનેમાનો દસ્તાવેજ છે, જે મારા-તમારા જેવા ફિલ્મરસિકોને બન્ને લેખકો તેમ જ હિંદી સિનેમાના સુવર્ણયુગમાં લઈ જાય છે. 45-45 મિનિટ્સના ત્રણ એપિસોડ્સની સિરીઝમાં સલીમ-જાવેદનો બોલિવૂડપ્રવેશ, ટિન્સેલપુરમાં જમાવટ, દોમદોમ લોકપ્રિયતાની ક્લાઈમેક્સ અને ધડામ્… દો હંસો કા જોડા બિછડ ગયો રે… આ ઉપરાંત એ બન્નેની અંગત જિંદગાનીમાં પણ ડોકિયું કરાવે છે.
સલીમ-જાવેદની પર્સનલ સ્ટોરી એકદમ સેઈમ ટુ સેઈમ જાય છેઃ બન્ને ટિન્સેલ ને ગ્લિસરીનની સૃષ્ટિમાં પગદંડો જમાવવા ઘરેથી ભાગી નીકળેલા. ઈંદોરથી મુંબઈ આવીને સલીમ ખાન ફલૉપ એક્ટર બન્યા તો ઉર્દૂ અદબના ચુનંદા શાયરમાંના એક એવા જનાબ જાં નિસાર અખ્તરના બેટા જાવેદ ગ્વાલિયરથી આવીને સ્ટ્રગલર બન્યા. સ્ટ્રગલ કરતાં કરતાં બન્ને ભેગા થયા ‘સરહદી લૂટેરા’ નામની એક ફિલ્મના સેટ્સ પર. નાણાભીડ બન્નેની સરખી હતી. પાંચ હજાર રૂપિયામાં એક ફિલ્મ લખી ભૂતિયા રાઈટર તરીકે અર્થાત્ પૈસા મળ્યા, નામ નહીં, પણ સલીમ-જાવેદની જોડી બની ગઈ. લોહા ગરમ થા… મારી દીધા બન્નેએ હથોડાઃ ‘યાદોં કી બારાત’, ‘જંજીર’, ‘અંદાજ’, ‘હાથી મેરે સાથી’, ‘સીતા ઔર ગીતા’, ‘દીવાર’, ‘ત્રિશૂલ’, ‘શોલે’, ‘શક્તિ’… ઓહોહોહો.
સલીમ-જાવેદ પોતાની કાબેલિયતથી સ્ટાર જેટલાં જ માનપાન મેળવતા તો થયા, પરંતુ એમના લીધે કાયમ હાંસિયામાં ધકેલાઈ જતા ફિલ્મરાઈટરોને નિર્માતા-દિગ્દર્શકો રિસ્પેક્ટથી જોતા થયા.
સલીમ-જાવેદની મોટા ભાગની ફિલ્મોમાં તે વખતની (1970-1980ના દશકની) સામાજિક પરિસ્થિતિનાં પ્રતિબિંબ ઝિલાતાં. બેકારી પ્રત્યે આક્રોશ, સંઘર્ષ, ચોરી-ગુંડાગીરી-સ્મગલિંગ જેવા બેકારી-નિવારણના શૉર્ટ કટ્સ, વેરની ભાવના, વગેરે. સ્ટોરીમાં આ બધું લાવવા એમણે બળવાખોર બનીને પૂર્વસુરિઓએ રચેલા લેખનના નિયમ તોડી નાખ્યા. બન્નેએ કુમારકાળમાં મા ગુમાવેલી એટલે વાર્તામાં માનું પાત્ર હંમેશાં મોખરે રહેતું. બની શકે કે અંગત જિંદગાની, અંગત સંઘર્ષના જાતઅનુભવથી એમને પાવરફુલ કેરેક્ટર્સ સર્જવામાં મદદ મળી.
કથા-પટકથા લખવા ફોરેનની ફિલ્મમાંથી કેટલું લીધું એ વિષય પણ ડૉક્યુમેન્ટરીમાં છેડવામાં આવ્યો છે. સલીમ ખાન કહે છે કે “શોલેમાં સિક્કો ઉછાળીને વાતનો ફેંસલો લાવવામાં આવે છે તે ‘ગાર્ડન ઓફ ઈવિલ’થી પ્રેરિત છે. જો કે હોલિવૂડની ‘ગાર્ડન ઓફ ઈવિલ’માં સિક્કાને બદલે પત્તાં બાંટવામાં આવે છે. સલીમ સાહેબ કહે છે કે “પ્રેરણા ક્યાંથી લીધી એ અમે ક્યારેય છુપાવ્યું નથી. જ્યાં સુધી પ્રેરણાસ્રોત વિશે ખબર ન પડે ત્યાં સુધી એ મૌલિક જ રહે છે”.
સાથે મળીને વીસેક સુપરહિટ ફિલ્મ લખ્યા બાદ જ્યારે સમાચાર આવ્યા કે સલીમ-જાવેદની જોડી તૂટી ત્યારે નિર્માતા, દિગ્દર્શકો, કલાકારો જ નહીં પણ થિએટરમાલિકો પર પણ જાણે વીજળી પડવા જેવો ઘાટ થયો. સલમાન ખાન કહે છેઃ “એક સાંજે પાપા ઘરે આવ્યા અને માઁ (સલમા ખાન)ને એટલું જ કહ્યું કે અમે બન્ને નોખા થઈ રહ્યા છીએ”. શું કામ એ ત્યારે પણ નહોતું કહ્યું ને અત્યારે પણ નથી કહ્યું.
પાર્ટનરશિપ તૂટ્યા બાદ સલીમ સાહેબે એકલપંડે નામ, ‘અંગારે’, ‘ફલક’ અને ‘કબ્ઝા’, વગેરે ફિલ્મની કથા-પટકથા લખી, જ્યારે જાવેદ સાહેબે ‘મશાલ’, ‘દુનિયા’, ‘મેરી જંગ’, ‘બેતાબ’, ‘ડકૈત’, ‘અર્જુન’, ‘સમુંદર’, વગેરે.
નોખા થયા એ જ અરસામાં જાવેદ સાહેબનો હની ઈરાની સાથે લગ્નવિચ્છેદ થયો. આ વાત ડૉક્યુમેન્ટરીમાં કરવામાં આવી છે, પત્ની શબાના આઝમીએ પ્રતિક્રિયા આપી છે. તો સલીમ ખાન પોતાનાં બીજાં, હેલન સાથેનાં લગ્નની વાત કરે છે.
એક દર્શક તરીકે, આ જોડી વિશે ઈન્ટરનેટ પર અથવા જગજાહેર વાતો સિવાયની વાતો જાણવી હતી તે જાણવા ન મળ્યાથી થોડી નિરાશા જરૂર થઈ. દાખલા તરીકે મારે એમના પટકથાલેખનના કસબની બારીકાઈ વિશે જાણવું હતું, પણ નિરાશા સાંપડી. જો કે હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર-કસબીના ઈન્ટરવ્યુમાંથી એક અધિકૃતતા મળી છે, એડિટિંગ ચુસ્ત છે અને હા, એક પછી એક સુપરહિટ ફિલ્મો આપ્યા પછી એમના સ્વભાવમાં આવેલાં તોછડાઈ, અહંકાર વિશે વાત કરવામાં આવી છે, પણ એ વિશે લખવામાં રસક્ષતિ થશે. તમે જ જોઈ લો. એમેઝોન પ્રાઈમ પર.