કામુકતા બતાવીને સંગીત વેચવાનો એ જમાનો…

આખેઆખી વસંત જેવું એક જીવન પળવારમાં વૃક્ષ પરથી પાંદડાં ખરે એમ ખરી પડ્યું. આમ તો મરણ જીવનનું અંતિમ સત્ય છે, પણ જ્યારે એ આગોતરી સૂચના વગર સાવ અચાનક ડોર નૉક કરે ત્યારે આઘાત જરૂર લાગે. ગયા શુક્રવારે મૉડેલ-ઍક્ટ્રેસ શેફાલી જરીવાલાનું મોત આઘાત આપી ગયું. 42 વર્ષી શેફાલી ઊર્જાથી છલોછલ હતી, સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હતી, નિયમિત એક્સરસાઈઝ કરતી. આથી જ એની ઓચિંતી વિદાયથી સૌ હેરાન છે.

જો કે શેફાલીના અકાળ અવસના વિશે ઘણું ઘણું કહેવાઈ ગયું છે. આજે પ્રકાશિત થયેલા ‘ચિત્રલેખા’માં પણ એ વિશે વિગતવાર અહેવાલ છે. અહીં વાત કરવી છે વખતે ‘ચિત્રલેખા’એ આ ટ્રેન્ડ વિશે, એનાં જમા-ઉધાર પાસાં વિશે એક કવરસ્ટોરી કરેલી એની. એ જમાનો હતો ‘એમટીવી’  અને ‘વી’ જેવી ચોવીસ કલાક ગીત-સંગીત પ્રસારિત કરતી મ્યુઝિકચૅનલોનો. એમાં 2002માં રિમિક્સ સોંગ્સ અને એની મ્યુઝિક વિડિયોની બજારમાં તેજી આવી. તેજી લાવનાર કન્યાનું નામઃ મેઘના નાયડુ.

“કલિયોં કા ચમન જબ ખીલતા હૈ…” એ મેઘનાની મ્યુઝિક વિડિયોથી રિમિક્સ માર્કેટમાં ગરમી આવી, જેના કારણે અનેક મધ્યમવર્ગી આર્ટિસ્ટ્સ રાતોરાત સેલિબ્રિટી થઈ ગયાં. થોડાં ઉદાહરણ જોઈએ તોઃ

* મેઘના નાયડુ… કલિયોં કા ચમન

* શેફાલી જરીવાલા… કાંટા લગા અને કભી આર કભી પાર

* કામના… છોડ દો આંચલ ઝમાના કયા કહેગા હોય

* સ્વર્ગસ્થ ઍક્ટર કુશલ પંજાબી… કેહ દૂં તૂમ્હે, યા ચૂપ રહૂં

* મિસ ઈન્ડિયા યુનિવર્સ તનુશ્રી દત્તા… સૈંયા દિલ મેં આના રે

* દીપલ શૉ…લેકે પહેલા પહેલા પ્યાર

* રાખી સાવંત… પરદેસિયા, યે સચ હૈ પિયા…

1982માં અમદાવાદમાં જન્મેલી શેફાલીએ રૂઢિચુસ્ત ગુજરાતી પરિવારની કન્યા મ્યુઝિક વિડિયો જેવી જફામાં પડે જ નહીં એવી માન્યતાનો ભાંગી ને ભૂકો કરેલો. તે વખતે શેફાલી ઈન્ફર્મેશન ટેક્નોલૉજી એન્જિનિયરિંગ (આઈટી એન્જિનિયરિંગ)ના લાસ્ટ સેમેસ્ટરમાં હતી. વિડિયોની ડિરેક્ટર-જોડી વિનય-રાધિકાએ શેફાલીનો અભ્યાસ ન બગડે એ રીતે શૂટિંગ ગોઠવવાની ખાતરી આપી. ને એમ તૈયાર થયું “કાંટા લગા…”

“કાંટા લગા…”એ ધૂમ મચાવી એ પહેલાં 2003માં શેફાલી ડીજે હૉટ રિમિક્સ (વૉલ્યુમ 3)ના એક સોંગમાં ચમકેલી. ઓ.પી. નૈય્યર સાહેબનું યાદગાર ગીતઃ “કભી આર કભી પાર લાગા તીર-એ-નઝર…” મૂળ ગીત નૈય્યર સાહેબે શમશાદ બેગમ પાસે ગવડાવેલું, જ્યારે રિમિક્સ ગીત સોના મોહપાત્રા અને કુણાલ ગાંજાવાલાએ રજૂ કરેલું, ને ઘણું પૉપ્યુલર થયેલું. શેફાલીની ડાન્સ મૂવ એની લોકપ્રિયતામાં મોટો ફાળો હતો.

તે સમયે એટલે 2002-2004 દરમિયાન મ્યુઝિક વિડિયો માટે પૈસા નજીવા મળતા, પણ વિડિયો લોકપ્રિય થતાં આર્ટિસ્ટને લાઈવ શો, ફિલ્મ એવૉર્ડ્ઝ જેવા ઈવેન્ટ્સ, સ્પેશિયલ અપિરિયન્સમાંથી ધૂમ કમાણી થતી. એક લાઈવ શોમાંથી પાંચ લાખ રૂપિયા આસાનીથી મળી જતા.

જેમ કે મેઘના નાયડુને “કલિયોં કા ચમન…”માં કામ કરવાના માત્ર દસ હજાર રૂપિયા મળ્યા. એમાં ત્રણેક હજાર તો એજન્ટનું કમિશન હતું, પણ એ ગીત પછી એણે ખંડવાથી લઈને ગોરખપુર અને ન્યુ યોર્કથી લઈને નાઈરોબી સ્ટેજ શોઝ કર્યા. એ કમાણીમાંથી એણે મુંબઈમાં વિશાળ ફ્લૅટ, કાર ખરીદ્યાં, પ્રૉપર્ટી ખરીદી.

શેફાલીને પણ “કાંટા લગા…” માટે દસ હજાર રૂપિયા મળેલા, પરંતુ એ પછી એનું જીવન સાવ બદલાઈ ગયેલું. એણે પણ મેઘનાની જેમ દેશ-વિદેશમાં અસંખ્ય શો કર્યા, મોડેલિંગ કર્યું, ફિલ્મ મળી.

“કભી આર કભી પાર…”ની સ્કૂલગર્લ અને “લેકે પહેલા પહેલા પ્યાર…”ની સ્ટ્રીટ ગર્લ દીપલ શૉ વિશે મજાની વાત એ છે

કે શરૂઆતથી એને ગુજ્જુ ગર્લ દીપલ શાહમાં ખપાવી દેવામાં આવેલી. હકીકત એ કે એની અટક શૉ છે અને એ અલાહાબાદના અગરવાલપરિવારમાંથી આવે છે.

મ્યુઝિક વિડિયો બાદ દીપલની દુનિયા પણ સાવ બદલાઈ ગઈ. એણે હૃદય શેટ્ટીની ફિલ્મ ‘દાગઃ શેડ્સ ઓફ લવ’ સાઈન કરી, બ્રિટનની મશહૂર પૉપગાયિકા બિયોન્સેના “ધ સિમ્પલ થિંગ્સ ઓફ લાઈફ” ગીતની મ્યુઝિક વિડિયોમાં ચમકી. આ સિવાય સ્ટેજ શો અને એમટીવી જેવી મ્યુઝિક ચૅનલ્સ પરના શો. યાદ હોય તો, નીરજ પાંડેની સુપરહિટ ‘અ વેનસ્ડે’માં એ ટીવી-જર્નલિસ્ટની ભૂમિકામાં ચમકેલી.

તે વખતે “ખલ્લાસ” અને “ઈશ્ક સમંદર ગર્લ” તરીકે ઈશા કૉપીકર પૉપ્યુલર થઈ ગયેલી. ઈશા કૉપીકર એટલે હિંદી સિનેમાની ઓરિજિનલ આઈટેમ સોંગ સ્પેશિયલિસ્ટ. તે વખતે બધી જ ટીવી ચૅનલ પર દેખાતી ઈશાએ કરણ રાઝદાનની ‘ગર્લફ્રેન્ડ’ ફિલ્મમાં લેસ્બિયનની ભૂમિકા ભજવીને ચકચાર જગાવેલી.

“છોડ દો આંચલ…” સોંગથી ધૂમ મચાવનારી નિગાર ખાને ઈન્ટરનેટ પર રાડ બોલાવી દીધેલી. એક નૉર્વેજિયન મૅગેઝિન માટે એણે ટૉપલેસ ફોટા આપેલા, જે ઈન્ટરનેટ પર વહેતા થયેલા.

નિગારની જેમ રાખી સાવંતના હૉટંહૉટ “મોહબ્બત હૈ મિરચી” ગીતને લોકો ગરમાગરમ ફાફડા સાથે તળેલાં મરચાંની જેમ ઉતારી ગયેલા. રાખી સાવંત એટલે ગરમાગરમ સેક્રેટરી. આવી યાદ? કામણગારી સેક્રેટરી ઑફિસમાં બૉસનું ધ્યાન ખેંચવા “પરદેસિયા…” ગાતાં ગાતાં એવી નશીલી અંગભંગિમા રચે છે, એ સોંગ જબરદસ્ત હિટ થયેલું.

આ તમામ સેલિબ્રિટી ગર્લ્સે ચિત્રલેખા આગળ એકસમાન ખેદ વ્યક્ત કરેલો કેઃ “અમારી પાછળ આઈટમ ગર્લનું છોગું લાગી જાય છે, લોકો અમારા વિશે ફાવે તેવી ધારણા બાંધી લે છે.”

એક જાણીતી અભિનેત્રીએ પોતાનું નામ પ્રગટ ન કરવાની શરતે કહેલું કે એક નિર્માતાએ પોતાની પાસે બેહૂદી માગણી કરી. એના જ શબ્દોમાં- “મેં એમને કહ્યું કે હું એ ટાઈપની છોકરી નથી ત્યારે એમને બહુ આશ્ચર્ય થયું. વાત ત્યાં જ પૂરી થઈ. ઘણા સારા પૈસા મળતા હોવા છતાં મેં એ પ્રોજેક્ટ પડતો મૂક્યો. પાછળથી મને ખબર પડી કે એ ભાઈ બે-ચાર લાખ ખર્ચીને મોજમજા જ કરવા માગતા હતા. મ્યુઝિક વિડિયો બનાવવામાં એમને રસ નહોતો.”

જો કે આવા છૂટાછવાયા કિસ્સાને બાદ કરતાં મોટા ભાગના સારા અનુભવ હતા. લોકો જે રીતે વાત કરતા એટલી ખરાબ આ લાઈન નથી એવું એમનું કહેવું હતું.

આ બધી મ્યુઝિક વિડિયો ગર્લને રિમિક્સ ગીતો વિશેના અંગત અભિપ્રાય આપતાં શેફાલીએ કહેલું- “મારી ઉંમરની કેટલી છોકરી કે છોકરાએ “કાંટા લગા કે કભી આર કભી પાર ગીત સાંભળ્યાં હશે? આપણે એ ન ભૂલવું જોઈએ કે રિમિક્સથી જૂનાં, વીસરાઈ ગયેલાં ગીતોને નવજીવન મળે છે અને બહુ જૂનાં નહીં એવા ગીતોની આવરદા વધે છે. અલબત્ત, આનું તમામ શ્રેય મૂળ સર્જકને જાય છે.”

આ બધી સેલિબ્રિટી અત્યારે ક્યાં છે, શું કરે છે એ પણ એક ઈન્ટરેસ્ટિંગ ટોપિક છે, જેના વિશે લખવાનું ભાવિ આયોજન છે.