તાવ કહે હું તૂરિયામાં વસું, ગલકું દેખી ખડખડ હસું,દહીં, મૂળાં ને ખાટી છાશ, તેને ઘેર મારો વાસ |
મૂળ તો સ્વાસ્થ્યની જાળવણી માટે આયુર્વેદના કેટલાક પાયાના સિદ્ધાંતો સાથે જોડાયેલી આ કહેવત છે. માણસ માંદો પડે તે માટે આયુર્વેદ આવા માણસના શરીરમાં વાત, પિત્ત કે કફનો વિકાર કારણભૂત ગણે છે.
તૂરિયું અને ગલકું વાયુ કરનારાં શાક છે અને એટલે એ શાકમાં અજમો નાખવામાં આવે છે. આયુર્વેદ કેટલાક આહારને વર્જ્ય ગણે છે. તેમાં દહીં રાત્રે ખાવામાં આવે તો, રાતે મૂળો ખાવામાં આવે તો અને ખાટી છાશનો પણ સમાવેશ થાય છે.

આ બધું ખાનારને તાવનો પ્રકોપ વેઠવો પડે, એટલે એ ન ખાવું જોઈએ અને તેમાંય ખાસ કરીને ભાદરવા જેવા મહિનામાં, જ્યારે પિત્તનો પ્રકોપ બહુ મોટા પાયે થાય, તેવો અર્થ આ કહેવતમાંથી નીકળે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




