ફાટ્યાં લૂગડે અને ઘરડાં મા-બાપે શરમ ન હોય

 

ફાટ્યાં લૂગડે અને ઘરડાં મા-બાપે શરમ ન હોય

 

માણસની આર્થિક સ્થિતિ સારી ન હોય તો કપડાં ફાટેલા હોઈ શકે. એને થીગડું પણ મારેલું હોય. એની કોઈ ચિંતા ન કરવાની હોય. પોતે બેદાગ હોય તો કપડાં તો કાલે ઊઠીને સમય બદલાશે તો નવા આવશે. મારી મા આ કહેવત મને ઘણીવાર કહેતી. ખાસ કરીને જ્યારે લેંઘાની બાંય ઘૂંટણેથી જળી ગઈ હોય અને એણે એને થીગડું માર્યું હોય.

ઘણાં ઘરોમાં ઘરડાં મા-બાપ સાથે પણ બરાબર વ્યવહાર કરવામાં આવતો નથી. તમે જેના કારણે નાનાથી મોટા થયા, ભણ્યા અને બે પાંદડે થયા એ મા-બાપ ઘરડાં થાય ત્યારે કદાચ તમારા મત પ્રમાણે બહુ સ્માર્ટ નહીં લાગતાં હોય. ક્યારેક ઘરડો જીવ વાતમાં વચ્ચે પોતાનો મત પણ વ્યક્ત કરે. આવું થાય ત્યારે પોતાની ઈજ્જત-આબરૂ ઓછી થઈ જતી હોય તેવું ઘણા લોકો માનતા હોય છે. આ કારણથી ઘરડાં મા-બાપને મહેમાન આવે ત્યારે બધા વચ્ચે બેસવાની કે વાતમાં ટાપસી પૂરવાની છૂટ નથી હોતી. આ અત્યંત અમાનવીય કૃત્ય છે. આપણે મોટા થઈએ એટલે મા-બાપ ઘરડાં થવાનાં જ. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ તોયે એમના આપણા ઉપરના દેવાનું મુદ્દલ તો ચૂકવી શકવાના જ નથી માત્ર વ્યાજ ચૂકવીએ તો પણ ઘણું છે. પોતાના મા-બાપ હયાત છે એનાથી મોટી સમૃદ્ધિ કે માથે છત્ર બીજું એકેય નથી હોતું. એટલે “ઘરડાં મા-બાપે શરમ ન હોય”

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)