ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, બાકી રહે તે ખેડૂતનું

ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, બાકી રહે તે ખેડૂતનું

 

આ કહેવત ધારેલ લાભમાંથી ઘણો બધો વેડફાઇ જવાની શક્યતા હોય, ધાર્યા કરતાં ઘણો વધારે લાભ અથવા નફો અણધાર્યા કારણે ઘસાય ત્યારે આ કહેવત બંધબેસતી આવે છે. ખેડૂતના ખેતરમાં સરસ મજાનો પાક ઊભો હોય અને જો ધ્યાન ન રાખે તો ચોર મોટા પાયે નુકસાન કરીને ખેડૂતના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી જાય. તે જ રીતે છોડ ઉપર જ્યારે ડૂંડાં અથવા કણસલામાં જ્યારે દાણા ભરાય ત્યારે હુડા જેવા અનેક પક્ષીઓ ખોરાક મેળવવા માટે આ કણસલા ઉપર તૂટી પડે છે. એવે સમયે ખેતરમાં ડબો વગાડીને અથવા ગોફણથી જ્યાં વધારે પક્ષીઓ દેખાય ત્યાં મારો ચલાવી પાકને થતું નુકસાન ઓછું કરી શકાય પણ સાવ અટકાવી શકાય તો નહીં જ. અહીં મોર એ પક્ષીઓના પ્રતિનિધિ તરીકે વપરાયું છે.

પાકને ત્રીજું નુકસાન કરે ઢોર. રાત્રે માલિક છોડી મૂકે એટલે કોઈકના ખેતરમાં ઘૂસી જઈને પેટ ભરી આવે એવા ઢોરને ‘હરાયું’ કહે છે. આ ઢોર ઉપરાંત અત્યારે નીલગાય અને ડુક્કર પણ પાકને નુકસાન કરે છે. એટલે ચોર, ઢોર અને મોર (પક્ષી) આ ત્રણેયના બગાડ કર્યા બાદ જે બાકી રહે તે ખેડૂતના ભાગમાં આવે. ખેતીની અનિશ્ચિતતા અને ખેડૂતની મર્યાદા સમજાવવા માટે વપરાતી આ કહેવત છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)