બાર ગાઉએ બોલી બદલે |
જુદા જુદા પ્રદેશમાં જેમ હવામાન બદલાય અને ભૂપૃષ્ઠ બદલાય તેમ ત્યાંનું પર્યાવરણ પણ બદલાય છે. એટલે એવું કહેવાયું છે કે –
બાર ગાઉએ બોલી બદલાય
તરુવર બદલે શાખા
પણ…
લખણ ના બદલે લાખા
બાર ગાઉ એટલે લગભગ ૨૦ કિલોમીટર. અગાઉના જમાનામાં ઝડપી વાહન વ્યવહારની સવલત નહોતી. આને કારણે નાના નાના ગ્રામ્ય સમૂહોમાં પ્રજા વહેંચાયેલી હતી. આ સમૂહ બહાર તેમનો સંપર્ક લગભગ નહિવત હતો. એટલે એકની એક ભાષા હોય તો પણ તેમાં સ્થાનિક લહેકો જુદો હોય. ક્યારેક એકાદ બે શબ્દો જુદા હોય. એ જમાનામાં જનસમુહનું ‘ઝોન ઓફ ઇન્ફલુએન્સ’ એટલે કે અસરકર્તા જૂથ લગભગ ૨૦ કિલોમીટર (બારગાઉ)નું હશે જે પછી જેમ આગળ જઈએ તેમ થોડી થોડી બોલી પણ બદલાય અને હવામાનમાં ફેરફાર થાય એટલે વનરાજી પણ બદલાય. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાઇ છે. આ બધું બદલાય છતાં ‘લખણ ના બદલે લાખા’ એટલે કે માણસનો મૂળભૂત સ્વભાવ ના બદલે એવો અર્થ નીકળે છે.